શહેરનાં નયના દલાલ પારિમૂએ ‘વુમન એઝ અ પ્રોટેક્ટર’ વિષય પર 5 હજારથી વધુ પેઈન્ટિંગ બનાવ્યા છે. હાલમાં નયના પારિમૂની ઉંમર 87 વર્ષની છે. જેમણે મહિલા અને માતાને કેન્દ્રમાં રાખી ઘણું કામ કર્યું છે. 1952થી તેમણે આર્ટ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. નયના પારિમૂને આજુબાજુની દરેક મહિલાના જીવન પરથી ચિત્ર બનાવવા પ્રેરણા મળી છે. નયના પારીમૂ ‘વુમન એઝ અ પ્રોટેક્ટર’ વિષય પર વધુ ચિત્રો બનાવે છે, કારણ કે તેમનું માનવું છે મહિલા કોઈ પણ સ્વરૂપમાં હોય તે હંમેશાં દરેકને સંભાળવાનું કાર્ય કરે છે.
મહિલા ફક્ત પોતાના બાળકની નહિ પણ દરેકની માતા છે. તેથી એ વિષયને તેઓ લઈને પહેલેથી જ માતા વિષયક ચિત્રો બનાવે છે. નયના દલાલ પરિમૂ ચિત્રમાં ક્યારેય મહિલાને શણગાર કરેલી સુંદર મહિલા બતાવતાં નથી. તેઓ ચિત્રોમાં માતાના ચહેરા પરની હિંમત-શક્તિ બતાવે છે. તેમણે કહ્યું કે, હું નાનપણથી માતાના વિવિધ સ્વરૂપો જોતી આવી છું. તેથી મારે ક્યારેય આ વિષય પર ચિત્ર બનાવવા પ્રયત્ન નથી કરવો પડ્યો. જાતે જ મારી લાગણી ચિત્રો સ્વરૂપે બહાર આવે છે.
માતાની પ્રેમ આપવાની ઘણી બધી રીત હોય છે જેને હું મારા ચિત્રોમાં હંમેશા દર્શાવું છું.નયના પારિમૂનાં પેઈન્ટિંગ વિશ્વની ટોચની આર્ટ ગેલેરીમાં મૂકાયાં છે. જેમાં વિક્ટોરિયા આલ્બર્ટ મ્યુઝિયમ (લંડન), બર્લિન ઈન્ડિયન આર્ટ મ્યુઝિયમ, સ્કોટલેન્ડ, મોર્ડન આર્ટ ગેલેરી(દિલ્હી)નો સમાવેશ થાય છે. તેમને ઓલ ઈન્ડિયા ફાઈન આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ સોસાયટી તરફથી વેટેરન આર્ટિસ્ટ એવોર્ડ અપાયો હતો. તેમજ ગુજરાત તરફથી ગૌરવ પુરસ્કાર પણ એનાયત મળ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.