તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 830 Doctors And Staff Became Infected In 15 Months, Won The Battle Against Corona And Treated 22,000 Patients In Sayaji Hospital, Vadodara

ડોક્ટર્સ ડે:વડોદરાની સયાજી હોસ્પિટલમાં 15 મહિનામાં 830 તબીબો અને કર્મચારીઓ સંક્રમિત થયા, કોરોના સામે જંગ જીતીને 22 હજાર દર્દીની સારવાર કરી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરાની સયાજી હોસ્પિટલ(ફાઇલ તસવીર). - Divya Bhaskar
વડોદરાની સયાજી હોસ્પિટલ(ફાઇલ તસવીર).
  • કોરોનાકાળમાં મેડિસિન વિભાગના 40 ટકા સિનિયર ડોક્ટર્સ અને 60 ટકા જુનિયર તબીબો કોવિડથી સંક્રમિત થયા હતા

આજે દેશભરમાં નેશનલ ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. કોવિડની મહામારીની બે લહેરમાં સયાજી હોસ્પિટલના મેડિસિન વિભાગના 40 ટકા સિનિયર અને 60 ટકા જુનિયર તબીબો કોરોના સંક્રમિત થયા હતા. આમ, 15 મહિનામાં 830 તબીબો અને કર્મચારીઓ સંક્રમિત થયા હતા, પરંતુ આ તબીબો સ્વસ્થ થઈને ફરીથી કોરોના દર્દીઓની સેવામાં જોડાઇ ગયા હતા. આ ઉપરાંત રાજ્યમાં પ્રથમ ટોસિલિઝુમેબ ઇન્જેક્શન સયાજી હોસ્પિટલમાં મેડિસિન વિભાગ દ્વારા કોરોનાના દર્દીને આપવામાં આવ્યું હતું.

મેડિસિન વિભાગે કોરોના મહામારીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી
વડોદરાની સયાજી હોસ્પિટલના મેડિસિન વિભાગની કામગીરીનો ચિતાર આપતાં સુપરિન્ટેન્ડન્ટ ડો.રંજન અય્યરે જણાવ્યું હતું કે મેડિસિન વિભાગ દ્વારા સમગ્ર કોવિડ મહામારી દરમિયાન પ્રાથમિક અને અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવવામાં આવી છે. માર્ચ-2020થી શરૂ કરીને હાલ સુધી સમગ્ર વિભાગના તમામ સ્તરના અધિકારીઓ તેમજ રેસિડેન્ટ તબીબોએ સયાજી હોસ્પિટલ જ નહીં, પરંતુ સમરસ હોસ્ટેલ, ગોત્રી હોસ્પિટલ, યજ્ઞપુરુષ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ(અમદાવાદ), એસ.વી.પી. હોસ્પિટલ(અમદાવાદ) તેમજ યુ.એન.મહેતા હોસ્પિટલ (અમદાવાદ) ખાતે પણ કોવિડવિષયક સેવાઓ પૂરી પાડી છે.

કોરોનાનાં 1250 બેડના દર્દીઓની સારવારની જવાબદારી મેડિસિન વિભાગ પર હતી
માત્ર 250 બેડની ક્ષમતા ધરાવતા મેડિસિન વિભાગ હસ્તક મેડિસિનના સામાન્ય દર્દીઓની સારવાર ઉપરાંત કોવિડની 1250 પથારીના દર્દીઓની સારવારની સીધી જવાબદારી બીજી લહેર દરમિયાન આવી હતી. આ સમગ્ર સમય દરમિયાન વિભાગ દ્વારા સયાજી હોસ્પિટલ તેમજ સમરસ હોસ્ટેલ ખાતે 20,000થી વધુ દર્દીઓની સારવાર આપવામાં આવી હતી.

સયાજી હોસ્પિટલનો તબીબી સ્ટાફ 15 મહિનાથી સતત કોરોનાની સારવારમાં કાર્યરત છે (ફાઇલ તસવીર)
સયાજી હોસ્પિટલનો તબીબી સ્ટાફ 15 મહિનાથી સતત કોરોનાની સારવારમાં કાર્યરત છે (ફાઇલ તસવીર)

22 હજારથી વધુ દર્દીઓને સારવાર અપાઇ
વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી.ના જણાવ્યા અનુસાર, હોમ કેર હેઠળના દર્દીઓને આપવામાં આવેલી સેવાનો આંકડો ઉમેરીએ તો અંદાજે 22 હજારથી વધુ દર્દીઓને સારવાર સેવા આપવામાં આવી છે. કોવિડના આઇસોલેશન વોર્ડ, જેની ક્ષમતા માત્ર 24 પથારીની હતી એ ક્રમશ: વધારીને 1250 પથારીની સુધી લઈ જવામાં આવી હતી, જેમાં 300 આઇસીયુ બેડ હતાં, જે સારવારનાં અદ્યતન સાધનોથી સજ્જ હતાં. કોવિડ વિભાગમાં ખાસ જહેમત લઇને ગંભીર દર્દીઓની સારવાર માટે ડાયાલિસિસની સુવિધા પણ રાતોરાત ઊભી કરવામાં આવી હતી, એમ ડો. રંજન અય્યરે ઉમેર્યું હતું.

તબીબો સાજા થઈને ફરી દર્દીઓની સેવામાં જોડાઈ ગયા
આ કપરા કાળમાં મેડિસિન વિભાગના લગભગ 40 ટકા અધિકારીઓ(સિનિયર ડોક્ટર્સ) અને 60 ટકા જુનિયર તબીબો કોવિડથી સંક્રમિત થયા હતા, પરંતુ સાજા થઇને ફરી દર્દીઓની સેવામાં જોડાઇ ગયા હતા. આ રોગ નવો હોવાથી વિભાગના ડોક્ટર્સ દ્વારા સતત નવી ગાઇડલાઇન્સ અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે થયેલી નવીન શોધખોળોનો તલસ્પર્શી અભ્યાસ કરી બધી જ સારવાર અને પરીક્ષણો હોસ્પિટલ ખાતે મળી રહે એ માટે અથાગ પ્રયાસ કરવામાં આવ્યા હતા તેમજ અનેક રિસર્ચ કામગીરી પણ હાથ ધરાઇ હતી.

રાજ્યમાં ટોસિલિઝુમેબનું પ્રથમ ઇન્જકશન મેડિસિન વિભાગ દ્વારા અપાયું
રાજ્યમાં પ્રથમ ટોસિલિઝુમેબ ઇન્જકશન મેડિસિન વિભાગ દ્વારા જ અપાયું હતું એ બાબત નોંધનીય છે. વિભાગને ખ્યાલ હતો જ કે આ લડાઇ એકલા હાથે લડી શકાશે નહીં, તેથી બધા જ કોર તેમજ નોન કોર વિભાગો ઉપરાંત નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ, ફિઝિયોથેરપી વિભાગ, વર્ગ-૪ના કર્મચારીઓ સાથે સંકલન કરી અશક્ય લાગતું કામ પાર પાડવામાં આવ્યું હતું, સાથે જ ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવ, ડીન ડો. તનુજાબેનનુ માર્ગદર્શન મહત્ત્વનું બની રહ્યુ, તેમ ડો. રંજન અય્યરે ઉમેર્યું હતું.

સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો.રંજન અય્યર.
સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો.રંજન અય્યર.

તબીબોને કોરોના દર્દીઓની સારવાર સંબંધિત માર્ગદર્શન ટેલિમેન્ટરિંગ દ્વારા પૂરું પાડવામાં આવ્યું
આ મહામારી દરમિયાન મેડિસિન વિભાગ દ્વારા વડોદરા ઝોનના બધા જ તબીબોને કોવિડના દર્દીઓની સારવાર સંબંધિત માર્ગદર્શન ટેલિમેન્ટરિંગ દ્વારા પૂરું પાડવામાં આવ્યું. હાલમાં ચાલી રહેલા મ્યુકોરમાઇકોસિસના દરેક દર્દીના કેસમાં પણ ડાયાબિટીસ કે અન્ય મેડિકલ તકલીફ તેમજ દવાની આડઅસરો તેમજ કિડની પરની અસરનું મોનિટરિંગ અને એ અંગેનું માર્ગદર્શન પણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. શરૂઆતમાં આ રોગ પ્રતિ ખૂબ જ ભયથી જોવામાં આવતું અને સમગ્ર શહેરમાં જ્યારે કોઇપણ જગ્યાએ સારવાર નહોતી અપાતી ત્યારે સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો તેમજ વિભાગના સિનિયર તબીબો દ્વારા એન.આર.આઇ. ચિરાગ પંડિતને આઇસોલેશન વોર્ડમાં સારવાર અપાઇ હતી, જે સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા હતા.

મેડિસિન વિભાગનું સંચાલન ઓગસ્ટ-2020 સુધી ડો.સ્મિતાબેન ત્રિવેદીએ સંભાળ્યું હતું
આ સમગ્ર મહામારી દરમિયાન વિભાગનું સંચાલન ઓગસ્ટ-2020 સુધી ડો.સ્મિતાબેન ત્રિવેદીએ સંભાળ્યું હતુ અને ત્યાર બાદ તેઓ વયોનિવૃત્ત થતાં ડો.રૂપલ દોશીએ સંભાળ્યું હતું, જેઓ હાલમાં વિભાગનાં વડાં છે. તેમણે આ વિભાગની કમાન સંભાળી કામકાજ આગળ ધપાવ્યું છે. વિભાગના બધા જ સિનિયર અધિકારીઓએ સમયાંતરે નોડલ ઓફિસર તરીકેની એટલે કે દર્દીઓની સુવિધા અને સારવારલક્ષી તકેદારી તેમજ અન્ય વિભાગો, સગાંસંબંધીઓ સાથે સંકલન ઉપરાંત નિયમિત દવાઓના પુરવઠાની સંભાળ રાખી આંકડાકીય માહિતી પૂરી પાડવાનું કાર્ય કર્યું છે. બીજી લહેરની ચરમસીમાએ સયાજી હોસ્પિટલ ખાતે ડો.મીનલ શાસ્ત્રી તેમજ સમરસ હોસ્ટેલ ખાતે ડો.કૃતિક બ્રહ્મભટ્ટની નોંધનીય સેવાઓ રહી.

મેડિસિન વિભાગ 15 મહિનાથી પરસ્પર સહયોગથી નિરંતર સેવા બજાવે છે
દર્દીના મૃત્યુ બાદ ડેથ ઓડિટ તેમજ ડેથ ક્લેમ માટેના જરૂરી સર્ટિફિકેટ પણ મેડિસિન વિભાગ દ્વારા જ ચોકસાઈપૂર્વક આપવામાં આવી રહ્યા છે. આમ, મેડિસિન વિભાગ 15 મહિના કરતાં વધુ સમયથી પરસ્પર સહયોગથી નિરંતર સેવા બજાવી રહ્યો છે, તેમ સયાજી હોસ્પિટલના તબીબી અધીક્ષક રંજન અય્યરે જણાવ્યું હતું.