બીમારીનો વાવર:તાવના નવા 826 કેસ,મચ્છરનાં ઉત્પત્તિ સ્થાનો મળતાં 11 સાઇટ,7 હોસ્ટેલ અને સ્કૂલને નોટિસ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ OPDની લાઈન નથી, SSGમાં બ્લડ સેમ્પલના રિપોર્ટ લેવા માટે 100થી વધુ લોકોની કતાર
  • તંત્ર થર્ડ વેવની તૈયારીમાં વ્યસ્ત, બીજી તરફ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના વેવે વ્યાપ વધાર્યો
  • ડેન્ગ્યૂના 12 પોઝિટિવ, ગોત્રી -રામદેવનગરમાં 3-3 કેસ, કારેલીબાગમાં ટાઇફોઇડનો 1 કેસ, ઝાડા-ઊલટીના 126 દર્દી

વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માથુ ઉચકતા તંત્ર દોડતું થયું છે. પાલિકાના સરવેમાં શહેરમાં એક દિવસમાં 826 તાવ અને ઝાડા ઉલટી ના 126 દર્દીઓ મળી આવ્યા છે. શહેરમાં એક દિવસમાં લેવાયેલા 65 નમૂનાઓમાંથી 12 દર્દીઓમાં ડેન્ગ્યૂ પોઝિટિવ આવ્યા હતા. શહેરને કોરોના બાદ હવે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોએ ભરડામાં લીધું છે. પાલિકાના ચેકિંગમાં મચ્છરના ઉત્ત્પતિ સ્થાનો મળતા 11 સાઈટ,7 હોસ્ટેલ અને સ્કૂલને નોટિસ ફટકારાઇ છે.

તદુપરાંત આખા શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયાનો વાવર ફેલાયો છે. વડોદરા મહાનગર પાલિકાની ટીમોએ હવે ઘરે ઘરે ફરી સર્વે શરૂ કર્યો છે. પાલિકાની ટીમે શહેરમાંથી મંગળવારે 65 જેટલા નમુનાઓ લીધા હતા. જેમાંથી 12 જેટલા રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા હતા. જેમાં શહેરના સુભાનપુરા, તરસાલી, ગોત્રી અકોટા, વારસિયા, ગાજરાવાડી, માંજલપુર અને રામદેવનગરમાં ડેન્ગ્યૂના કેસો સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ ગોત્રીમાં 3 અને રામદેવનગરમાં 3 કેસનું નિદાન થયું છે.

તદુપરાંત 70 હજારની વસ્તીનો સર્વે કરતા તેમાંથી 519 તાવના દર્દીઓ જણાતા તેમના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. જ્યારે કારેલીબાગમાં ટાઇફોઇડનો એક કેસ પોઝિટિવ જોવા મળ્યો હતો. બીજી તરફ પાણીજન્ય રોગોએ પણ શહેરમાં પગપેસરો કરતા પાલિકાની ટીમ દોડતી થઇ છે.

પાલિકાની ટીમોએ 24,168 મકાનોમાં સર્વે કરી તપાસ કરતાં ત્યાંથી 126 જેટલા લોકોને ઝાડા-ઉલટી અને પાણીજન્ય રોગોના કારણે 307 જેટલા લોકોને તાવ આવતો હોવાનું નિદાન થયું હતું જેમાં 307 લોકોના લોહીના નમૂના લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. આમ એક જ દિવસમાં ભાવના 826 ફેસ મળતા નમૂના લેવામાં આવ્યા હતા.

26,204 ઘરો અને 53 સાઈટ પર સર્વે
પાલિકાની 138 ટીમે મંગળવારે 6 વિસ્તારમાં 26,204 મકાનોમાં તપાસ કરી 15,175 મકાનોમાં ફોગીંગ કર્યું હતું. જેમાં મચ્છરોના ઉપદ્રવને પગલે 53 કન્સ્ટ્રક્શન સાઇટ પર ચકાસણી કરી હતી. મચ્છરોના ઉત્ત્પતિ સ્થાનો મળતા 11 સાઈટને નોટિસ આપી હતી. તદુપરાંત 7 હોસ્ટેલ અને શાળાઓમાં ચકાસણી કરતા મચ્છરોના ઉત્ત્પતિ સ્થાનો મળ્યા હતા. જેને પગલે નોટિસ પાઠવી હતી.