ફેક કરન્સી:વડોદરાની વિવિધ બેંકોમાં છેલ્લા 3 વર્ષમાં 3.87 લાખની કિંમતની 801 બનાવટી નોટ જમા થઇ, ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી

વડોદરા5 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • 500ના દરની સૌથી વધુ 370 નકલી નોટ જમા થઇ હતી

વડોદરા શહેરની વિવિધ બેંકોમાં ત્રણ વર્ષમાં રૂપિયા 3.87 લાખની બનાવટી ચલણી નોટો જમા થઇ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016માં નોટબંધી જાહેર થઈ તે પછીય આ સિલસીલો ચાલુ રહ્યો છે. સૌથી વધુ નકલી નોટો રૂપિયા 500ના દરની મળી આવી છે. ક્રાઇમ બ્રાંચે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિવિધ બેંકોમાં 801 નકલી નોટો મળી
નકલી નોટો મોટી માત્રામાં બજારોમાં ફરતી હોય છે અને ત્યાર બાદ ગ્રાહકો પાસે જતા તે લોકો બેંકમાં જમા કરાવતા હોય છે. સામાન્ય રીતે આ નકલી નોટો ભારતીય ચલણ જેવી જ દેખાતી હોય છે. પરંતુ ટેક્નિકલ વ્યુ સિવાય આ નોટને જલદી ઓળખી શકાતી નથી. વડોદરાની એચડીએફસી, યસ, કોટક, મહિન્દ્રા, બીઓબી, એસબીઆઈ, આઇડીબીઆઈ, આરબીઆઈ તેમજ એયુ ફાયનાન્સ સહિતની બેંકોમાં વર્ષ 2020 થી વર્ષ 2022 દરમિયાન 50,100, 200 ,500 અને 2000ના દરની 801 નકલી નોટો મળી આવી છે.

ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું કાવતરું
નોટબંધી બાદ બેંકોમાંથી રૂપિયા 50ની 11 નોટ, રૂપિયા 100ની 247 નોટ, રૂપિયા 200ની 94 નોટ, રૂપિયા 500ની 370 નોટ તેમજ રૂપિયા 2000ની 79 નોટો મળી આવી છે. આમ રૂપિયા 3,87,050 ની કુલ 801 બનાવટી ચલણી નોટો મળી આવી છે. નકલી નોટ ભારતીય બજારમાં ફરતી કરી ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચી તે પાર પાડવાના ભાગરૂપે સુનિયોજિત સાંકળ કાર્યરત હોવાનું લાગી રહ્યું છે.

ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી તપાસ હાથ ધરી
બનાવટી ચલણી નોટો બનાવનાર તેમજ ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડનાર આ ગુનામાં સંડોવાયેલા શખસોને ઝડપી પાડવા પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. પોલીસ અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ તો શરૂ કરી છે. પરંતુ આ નકલી નોટો બેેંકમાં કોણ જમા કરાવી ગયું છે. તેની માહિતી આજ સુધીમાં બહાર આવી નથી.

અન્ય સમાચારો પણ છે...