રાજ્ય સરકારે ગોરવા-ગોત્રી (ટીપી-10) અને વુડા વિસ્તારની અંકોડિયા-ખાનપુર-સેવાસી-મહાપુરા ટીપી સ્કીમ- 24/એ અને સમિયાલા-બિલ (ટીપી-21)ની ડ્રાફ્ટ ટીપી સ્કીમોને મંજૂરી આપતાં વિકાસનો માર્ગ મોકળો બનશે. આ ટીપી સ્કીમની મંજૂરીના જાહેરાતના પગલે નેતાઓએ જશ ખાટવા પ્રચાર શરૂ કરી દીધો છે.
ગોત્રી-ગોરવા ડ્રાફટ ટીપી સ્કીમ મંજૂર થતાં 250 સોસાયટીઓા 80 હજાર રહીશોને સીધો ફાયદો થશે. જેમને અત્યાર સુધી ગોરવાથી નારાયણ ગાર્ડન, આંકાક્ષા ડુપ્લેક્સથી પંચવટી અને દશામા મંદિરથી લક્ષ્મીપુરા સ્મશાનના રસ્તા 20 જેટલી જગ્યાએથી બંધ હોવાથી મોટા ચક્કર કાપવા પડતા હતા, ડ્રાફ્ટ ટીપીને મંજૂરી મળતા પાલિકા શેહશરમ વિના આ રસ્તા ખોલી શકશે.
ગોરવા-ગોત્રી ટીપી સ્કીમની મંજૂરી મળે તે માટે પાલિકાની સભામાં પણ સંખ્યાબંધ વાર હોબાળા થયા હતા. ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરેએ ગોત્રી-ગોરવા ટીપી સ્કીમ માટે 2017માં આ ટીપી સ્કીમ માટે હાઇકોર્ટમાં પિટિશન પણ કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘ આ ટીપીમાં 18 મીટરના રસ્તાઓ પર કેટલાક બિલ્ડરોએ ગેરકાયદે ઇમારતો ઊભી કરી દીધી છે.
હવે ગરીબોના ઝૂપડાઓ હટાવતી પાલિકા આ ઇમારતોના ગેરકાયદે બાંધકામો દૂર કરવાનું પાણી બતાવશે એ સમય જ બતાવશે. આ રસ્તો બનતા હજારો લોકોની નારાજગી દૂર થઇ છે.’ ગોત્રી-ગોરવા ટીપી સ્કીમને લીધે પાલિકાને રૂ.750 કરોડ જેટલી આવક થવાનો અંદાજ છે.
આ રસ્તાઓ ખૂલશે : રોજ લાંબો ફેરો નહીં કાપવો પડે
ગોરવા-નારાયણ ગાર્ડન..
ગોરવાથી આ રસ્તો આઇટીઆઇ થઇને સપનાના વાવેતર થઇને નારાયણ ગાર્ડન સુધી ફેલાયેલો છે.
આકાંક્ષા ડુપ્લેક્સથી પંચવટી
આ રોડ સૂર્યા સોસાયટીને પંચવટી સાથે સીધો જ જોડશે.
દશામા મંદિરથી લક્ષ્મીપુરા સ્મશાન
આ રસ્તો લક્ષ્મીપુરા, માધવપાર્ક થઇને લક્ષ્મીપુરા સ્મશાન સુધી જાય છે.
TP 24 A : રિંગ રોડ બનશે
અંકોડિયા-ખાનપુર-સેવાસી અને મહાપુરાને આવરી લેતી 67 હેકટરમાં ફેલાયેલી ટીપી સ્કીમ 24-એમાં રિંગરોડ ઉપરાંત સેવાસીના વિશાળ તળાવનું બ્યુટિફિકેશનનો માર્ગ મોકળો બન્યો છે. જેના લીધે આ વિસ્તારની શોભા વધશે.
TP 21 : બાગ- રોડના વિકલ્પ
સમિયાલા-બિલ ટીપી સ્કીમમાં કોઇ વિશાળ બગીચા નથી. હવે મંજૂરી મળતા લોકોની અપેક્ષા મુજબ અહીં વિશાળ બગીચો તૈયાર કરી શકાશે. વડોદરાથી પાદરા રોડને આ વિસ્તારમાં 40 મીટરના રોડથી નવો વિકલ્પ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.