ઓફલાઇન શિક્ષણનો પ્રથમ દિવસ:80% ગુજરાતી સ્કૂલમાં ધો.1થી 5નાં ભૂલકાં ભણ્યાં 90% ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં શિક્ષણ બંધ રહ્યું

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
કારેલીબાગની સરદાર વિનય સ્કૂલમાં બાળકો સંમતિપત્રક સાથે આવ્યાં હતાં. - Divya Bhaskar
કારેલીબાગની સરદાર વિનય સ્કૂલમાં બાળકો સંમતિપત્રક સાથે આવ્યાં હતાં.
  • શાળાના એક્ટિવિટી રૂમો-મેદાનોમાં સૂનકાર, ના ઘંટ વાગ્યો, ના રિસેસ પડી
  • 3 કલાકમાં સ્કૂલ આટોપાઇ : ડબા ખોલીને દોસ્તો વિના જ નાસ્તો ખાધો
  • વાલીઓની થોભો અને રાહ જુઓની નીતિથી પાંખી હાજરી

સરકાર દ્વારા રવિવારે અચાનક જ શાળાઓમાં ધો.1થી ધો.5નું શિક્ષણકાર્ય ચાલુ કરવાની જાહેરાત કરાઈ હતી. જેને પગલે સોમવારે શિક્ષણ સમિતિની, ગ્રાન્ટેડ અને નોનગ્રાન્ટેડ મોટાભાગની ગુજરાતી શાળાઓએ સંમતિપત્રો વાલીઓ પાસે શાળામાં જ ભરાવીને વિદ્યાર્થીને કોરોના ગાઇડલાઇન મુજબની સાવચેતી લઇને શિક્ષણકાર્ય શરૂ કર્યું હતું. જોકે સ્કૂલોનું શિક્ષણકાર્ય 3 કલાકમાં જ આટોપાઇ ગયું હતું. શાળા સંચાલક મંડળના જણાવ્યા મુજબ ધો.1થી ધો.5માં 80 ટકા ગુજરાતી માધ્યમની શાળાઓમાં ભૂલકાં ભણ્યાં હતાં, જ્યારે 90 ટકા ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોમાં શિક્ષણ બંધ રહ્યું હતું.

ગુજરાતી માધ્યમમાં 20થી 25 ટકા વિદ્યાર્થીઓ આવ્યા હતા. શહેરની 12 શાળાઓમાં ટીમ ભાસ્કરે તપાસ કરી હતી. સોમવારે જ્યારે ધો.1થી ધો.5ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં શિક્ષણકાર્ય શરૂ થયું ત્યારે ના તો ઘંટ વાગ્યો, ના રિસેસ પડી, ના સમૂહ પ્રાર્થના થઇ, ડબા ખોલીને દોસ્તો વિના જ નાસ્તો ખાધો. શાળાઓએ પોતાના એક્ટિવિટી રૂમો ખોલ્યા ન હતા અને જે શાળાઓ પાસે ગ્રાઉન્ડ છે, તેમાં પણ સૂનકાર જ વ્યાપેલો જોવા મળ્યો હતો. સ્કૂલોએ પણ હાલની સ્થિતિ જોતાં યુનિફોર્મનો દુરાગ્રહ રાખ્યો નહીં, જેથી વાલીઓએ રાહત અનુભવી હતી. મોટાભાગના વાલીઓ સંતાનોને મૂકવા-લેવા આવ્યાં હતાં.

1લીથી સંખ્યા વધશે: 8 દિ માટે મહિનાનું વાન ભાડું કોણ આપે
બંને માધ્યમોના વિદ્યાર્થીઓમાં વધારો થશે, એવો આશાવાદ વ્યક્ત કરતા આચાર્યોએ જણાવ્યું કે, હાલમાં સૌથી મોટી મુશ્કેલી શાળાથી દૂર રહેતા વિદ્યાર્થીઓના વાલીઓની છે, જે સંતાનોને મૂકવા-લેવા આવી શકતાં નથી. આવા વાલીઓ 8 દિવસ માટે સ્કૂલવાન સંચાલકોને મહિનાનું ભાડું આપવા તૈયાર નથી. બીજી તરફ પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં 20 ટકા જેટલો વધારો થયો છે, જેનો બોજ પણ વાલીઓ પર પડવાનો છે. આ સ્થિતિમાં ઘણા વાલીઓ 1લી ડિસેમ્બરથી બાળકોને સ્કૂલે મોકલશે.

ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે હવે સ્કૂલોની જવાબદારી વધી
નવરચના સ્કૂલનાં આચાર્યા ગીતા સિકદરે જણાવ્યું કે, ‘અમે સંમતિપત્રો વાલીઓને મોકલ્યાં છે. બુધવારથી ધો.1થી 5નું શિક્ષણ શરૂ થશે. ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે.’ સરસ્વતી સ્કૂલનાં આચાર્યા હેતલ મહેતાએ કહ્યું કે,હવે શાળાની જવાબદારી વધુ થઇ ગઇ છે. સેનેટાઇઝેશન સહિતની સાવચેતી રાખવી પડે છે. શાળા સંચાલક મંડળના પ્રમુખ આર.સી. પટેલે જણાવ્યું કે, ‘80 ટકા ગુજરાતી માધ્યમની શાળાએ આજે વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે. આગામી દિવસમાં સંખ્યા વધશે.’ જ્યારે નોન ગ્રાન્ટેડ સ્કૂલ સંચાલક મંડળના પ્રમુખ ઉત્પલ શાહે જણાવ્યું કે, ‘1 ડિસેમ્બરથી અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓ વધશે.

વાલીઓ : હવે બાળકો સારી રીતે ભણશે
બાળકોને મૂંઝવતા સવાલો ઓનલાઇનમાં શિક્ષકો સારી રીતે શીખવી શકે નહીં, શીખવે તો સમજવામાં મુશ્કેલી પડે. ધો.5માં ભણતા પુત્ર માલ્યને આ જ તકલીફ હતી, જે હવે દૂર થશે.દેખરેખ વિના બાળકો ઓનલાઇન વ્યવસ્થિત ભણતા નથી. - દીપાલી ભીમાણી, વાલી

સ્કૂલમાં હોમવર્કથી માંડીને બધા જ ટોપિક યોગ્ય રીતે શીખવાડાય છે. મારું ઘર સ્કૂલથી સહેજ દૂર છે, વાન અને રિક્ષાની તકલીફ છે, પણ ધો.4માં ભણતી બંને પુુત્રીઓ પણ શાળામાં જઇને જ ભણવાનો આગ્રહ રાખતી હતી. નવું વાતાવરણ મળતાં ખુશ દેખાય છે. - મિતેશ દરિયાની, વાલી

વિદ્યાર્થીઓ : અમને તો મજ્જા પડી ગઇ
સોસાયટીમાં ઘણા જૂના ફ્રેન્ડ છે, પણ સ્કૂલના ફ્રેન્ડ પહેલીવાર મને મળ્યા. ભણવાની ખૂબ જ મજા આવી. ઘરે ખૂબ જ કંટાળો આવતો હતો. - ગ્રીવા પ્રજાપતિ. ધો. 2, નૂતન વિદ્યાલય

મને સ્કૂલમાં ઘણા દિવસથી જવું હતું. એકવાર તો પપ્પા સાથે સ્કૂલ જોવા આવી હતી. આજે ઘણા દિવસ પછી સ્કૂલમાં ભણી અને નાસ્તો કર્યો છે. - થનક સવાણી, ધો.4, સરસ્વતી વિદ્યાલય

શાળાઓએ MWF-TTS પેટર્ન અપનાવી
શાળાઓએ 50 ટકા ક્ષમતા સાથે જ વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો હોવાથી દરેક વિદ્યાર્થીને તક આપવા માટે એક ક્લાસને 2 બેચમાં વહેંચ્યો છે. અંગ્રેજી માધ્યમની શાળાઓએ આ માટે MWF-TTS પેટર્ન અપનાવી છે. એટલે કે સોમવાર, બુધવાર અને શુક્રવાર (MWF) અને મંગળ, ગુરુ અને શનિવાર (TTS)ના દિવસોની બેચ કરી છે. ગુજરાતી માધ્યમમાં પણ આ રીતે જ બેચો બનાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...