શ્વાસ વિનાના ધમણ:ગોત્રી કોરોના હોસ્પિટલમાં 80 ‘ધમણ’ મોકલાયા પણ તેનાથી ઇલાજ થતો નથી, પેકિંગ પણ ખોલાયાં નથી

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેન્ટિલેટરના ઓપ્શન તરીકે આપેલા મોટાભાગનાં મશીનો કોઇ તબીબ ખોલવા પણ તૈયાર નથી
  • 10-10 દિવસથી આવીને પડેલી ધમણને ધબકાવનાર ‘ઉપર’થી એક્સપર્ટ ન મોકલાતાં નકામા
  • હાઇફ્લો નેઝલ કેનિલા નામનું સાધન જોઇએ જે નથી, તેથી હાલમાં તેનો ઉપયોગ કરી શકાય તેમ નથી

ક્રિટિકલ કોરોના દર્દીઓની સારવાર માટે વેન્ટિલેટરના ઓપ્શન તરીકે ખપાવીને ગોત્રી કોરોના હોસ્પિટલમાં સ્વદેશી કંપનીના 80 જેટલા ધમણ મશીનો ગોત્રી કોરોના હોસ્પિટલ ખાતે પણ મોકલવામાં આવ્યાં છે. પણ 10-10 દિવસથી માનવજાતની સેવા માટેના મોટાભાગના મશીનો અહીં પેકિંગબંધ પડ્યાં છે. કારણ કે, તમામ પેકિંગ ખોલવાથી માંડીને તેને ચાલુ કેવી રીતે કરવા તે અંગે હોસ્પિટલના તમામ સ્ટાફમાં મુંઝવણ છે. વળી, મશીનો મોકલ્યા પછી તેને ચાલુ કેવી રીતે કરવા તે માટે કંપની દ્વારા ટ્રેઇન્ડ કર્મચારીઓ મોકલીને ડેમોન્સ્ટ્રેશન આપવાનું હોય છે પણ તેવા કોઇ ટેક્નિશિયન મોકલવામાં આવ્યાં નથી.
જરૂર પડ્યે વધુ દબાણથી ઓક્સિજન આપી શકાય તે ધમણનું જમાપાસુ છે
હોસ્પિટલમાં તબીબી આલમમાં ચર્ચા એવી છે કે, આ મશીનો ગોત્રી કોરોના હોસ્પિટલમાં મોકલીને જાણે કોઇએ પોતાની પાસેનો ભાર ઓછો કર્યો હોય તેવું લાગે છે. બીજી તરફ આ મશીનો કેવી રીતે શરૂ કરવા તેની જરાપણ માહિતી તબીબોને નથી એવું પણ નથી. અમદાવાદ જઇને આવેલા તબીબો ગુજરાતની કંપનીના આ મશીનોની ગુણવત્તા અને તેની ઉપયોગિતાથી સારી રીતે વાકેફ છે અને  કોઇ અગમ્ય કારણોસર આ મશીનો પેકિંગ કોઇ તબીબ ખોલવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે, આ વેન્ટિલેટર મશીનો માટે એક તબીબે નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે ‘આ મશીનો મેન્યૂઅલ હવા ભરવાની બોટલો જે દર્દીઓને અપાય છે તેને સ્ટેન્ડમાં ગોઠવીને આપવામાં આવ્યાં છે તેથી વિશેષ કશું જ નથી. તબીબો આ બાબત જાણે છે પણ ગાંધીનગરથી આવેલા હોવાથી કોઇ કંઇ પણ બોલવાની હિંમત નથી કરતું કે તેને ખોલીને નૈતિક રીતે કોઇ કશું ખોટુ કર્યાની લાગણી અનુભવવા માગતું નથી.’ વેન્ટિલેટરના એક તજજ્ઞ તબીબે જણાવ્યું કે, ‘ જરૂર પડ્યે વધુ દબાણથી ઓક્સિજન આપી શકાય તે ધમણનું જમાપાસુ છે. પણ તે માટે હાઇફ્લો નેઝલ કેનિલા નામનું સાધન જોઇએ જે નથી. તેથી હાલમાં તેનો ઉપયોગ કરી શકાય તેમ નથી.  
આ મશીનો જીવનરક્ષક નથી, એટલે ઉપયોગ થતો નથી : ડો. મીનૂ પટેલ
આ વિશે કોરોના હોસ્પિટલ એડવાઇઝર ડો. મીનૂ પટેલને પૂછતાં તેમણે જણાવ્યું કે, ‘  આ અંગે એનેસ્થેસિયા અને વેન્ટિલેટર્સના નિષ્ણાતોને પૂછવામાં આવતા આ એક પ્રાથમિક પ્રકારના વેન્ટિલેટર છે. જેનો ઉપયોગ ક્રિટિકલ દર્દીઓનું જીવન બચાવવા થઇ શકતો નથી. દર્દીઓનું જીવન બચાવી શકાય તેવા પેરામીટર આ વેન્ટિલેટરમાં નથી. તેથી તેનો ઉપયોગ થયો નથી. કેટલાક ધમણ અમે ખોલ્યા પણ છે. કારણ કે ઉપરથી એવી સૂચના આપવામાં આવી હતી કે, તેનુ મેન્યુઅલ ઓનલાઇન વાંચી લેવું.’

અન્ય સમાચારો પણ છે...