ફાંસીની સજાનો આદેશ:8 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરી ગળું દબાવી હત્યા કરનારને ફાંસીની સજા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકી મૃત મળી ત્યારે મોંમાંથી ફીણ નીકળતું હતું, આંખો બંધ હતી ને બંને પોપચામાં રક્ત હતું
  • લોકો ભૂલે નહીં તે માટે ચુકાદાને ‘TEARS OF BLOOD ’ તરીકે ઓળખવામાં આવે : કોર્ટ
  • આ પ્રકારના બનાવ આપણી સમાજ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થ સમાન

મગનપુરાની સીમમાંથી શ્રમજીવીની 8 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ ગળું દબાવી ઘાતકી હત્યા કરાઈ હતી. આ બનાવને ન્યાયાધીશે ‘ રેરેસ્ટ ઓફ રેર’ ગણીને આરોપીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, આ પ્રકારના બનાવ આપણી સમાજ વ્યવસ્થા સામે ગંભીર પ્રાશ્નાર્થ છે. સમાજને યાદ રહે તે માટે આ ચુકાદાને ‘ TEARS OF BLOOD ’ એટલે કે, લોહીના આંસુ તરીકે ઓળખે તે જરૂરી છે.

કેસની વિગત એવી છે કે, શ્રમજીવી પરિવાર ગોરજ પાસેના મગનપુરા ગામમાં મજૂરી કામ માટે આવ્યો હતો. શ્રમજીવી પરિવારને સંતાનમાં 4 બાળકો હતાં. 17 મે, 2019ના રોજ મહિલાના પતિ તેમના વતનમાં ગયા હતા અને રાતના સમયે મહિલા તેનાં ત્રણ સંતાનો સાથે જે સ્કૂલમાં મજૂરી કામ કરતાં હતાં ત્યાં સૂતી હતી. રાતના સમયે સંજય છત્રસિંહ બારિયા (મૂળ રહે.કાલીકૂઇ, તા.જેતપુર) નામનો શખ્સ આવ્યો હતો અને તેણે ફરિયાદી મહિલાને જણાવ્યું હતું કે, ભાભી નજીકના પડાવમાં તમારાવાળાં લડ્યાં છે એટલે મહિલા ત્યાં ગઇ હતી.

દરમિયાનમાં તે પરત એવી ત્યારે તેમની 8 વર્ષની દીકરી જોવા મળી ન હતી એટલે તેમણે બૂમાબૂમ કરી હતી. બાળકીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જે બાદ સવારે 8 વર્ષની બાળકી નજીકના એક ખેતરમાં મૃત હાલતમાં મળી આવી હતી.

તપાસમાં બાળકી પર દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું અને ત્યારબાદ તેની ક્ૂર હત્યા કરી હોવાનું જણાયું હતું. તપાસમાં દુષ્કર્મના બનાવમાં સંજય બારિયાની સંડોવણી સ્પષ્ટ થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં સરકાર તરફે એડવોકેટ સી.જી.પટેલ હાજર રહ્યા હતા. ન્યાયાધીશે આરોપી સંજય બારિયાને હત્યા, દુષ્કર્મ અને અપહરણ સહિતની કલમો હેઠળ કસૂરદાર ઠેરવી ફાંસની સજાનો આદેશ કર્યો હતો.

ન્યાયાધીશ જે.એ.ઠક્કરે ચુકાદામાં નોંધ્યું કે, આટલી સુંદર ધરતી પર આવા લોકોને જીવવાનો કોઇ અધિકાર નથી. બાળકી મૃત હાલતમાં મળી ત્યારે તેના મોઢામાંથી ફીણ નીકળતાં હતાં. આંખો બંધ હતી અને તેની આંખના પોપચામાં બંને બાજુ રક્તસ્ત્રાવ થયેલો હતો. જે જોતાં આંખોમાં લોહી નહીં, પરંતુ તે લોહીના આંસુથી વહી રહ્યા હતા અને આપણી સમાજ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નાર્થ છે.

આવા લોકોને આ ધરતી પર રહેવાનો અધિકાર નથી:કોર્ટ
સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

44 દસ્તાવેજી અને 32 માૈખિક પુરાવા ચકાસ્યા
કોર્ટમાં કેસ ચાલ્યો તે સમયે આ કેસમાં કુલ 32 માૈખિક પુરાવાઓ ચકાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત 44 દસ્તાવેજી પુરાવાઓ ચકાસવામાં આવ્યા હતા. ન્યાયાધીશ દ્વારા 165 પેજનો ચુકાદો આપવામાં આવ્યો હતો. ન્યાયાધીશે આરોપીને ફાંસની સજા ફટકારીને નોંધ્યું હતું કે, માતા-પિતાએ તેમની વ્હાલસોઇ દીકરી ગુમાવી છે. માતા-પિતા તેમના સંતાનને કોઇ ટપલી મારે તો તે પણ સહન કરી શકતાં નથી ત્યારે અહીં તો દીકરીને પીંખી નાખવામાં આવી છે. આરોપી દ્વારા નિર્દયી રીતે માસૂમ બાળકીની હત્યા કરવામાં આવી છે.

વળતર પેટે 17 લાખ ચૂકવવા પણ આદેશ
8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ અને તેની હત્યા કરવાના બનાવામાં ન્યાયાધીશે ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ મૃતક બાળકીનાં માતા-પિતાને વળતર પેટે રૂા.17 લાખ ચૂકવવાની કાનૂની સેવાસત્તા મંડળને ભલામણ કરી હતી. અદાલત દ્વારા નોંધવામાં આવ્યું હતું કે, આ પ્રકારના બનાવ રોકવાની જવાબદારી રાજ્યની છે, પરંતુ તેવું થયું નથી ત્યારે રાજ્યની કાનૂન વ્યવસ્થા સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...