રેસ્ક્યૂ ઓપરેશન:વડોદરાના માંજલપુર વિસ્તારમાં એપાર્ટમેન્ટની લિફ્ટમાં 8 લોકો ફસાયા, ફાયર બ્રિગેડે સહી સલામત બહાર કાઢ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાયર બ્રિગેડે આધુનિક સ્પ્રેડરનો ઉપયોગ કરીને તમામ ત્રણ મહિલાઓ સહિત 8 લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. - Divya Bhaskar
ફાયર બ્રિગેડે આધુનિક સ્પ્રેડરનો ઉપયોગ કરીને તમામ ત્રણ મહિલાઓ સહિત 8 લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા.
  • લીલેરીયા મોરે માઉન્ટ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 20 મિનિટ સુધી ફસાયેલા રહ્યા

વડોદરાના માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલી લીલેરીયા મોરે માઉન્ટ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 8 લોકો ફસાઈ જતા ફાયર બ્રિગેડે આધુનિક સ્પ્રેડરનો ઉપયોગ કરીને તમામ ત્રણ મહિલાઓ સહિત 8 લોકોને સહી સલામત બહાર કાઢ્યા હતા. લિફ્ટમાં ફસાયેલા લોકો એપાર્ટમેન્ટ સ્થિત બેન્ક્વેટ હોલમાં આયોજીત શુભ પ્રસંગમાં જઈ રહ્યા હતા. લિફ્ટમાં ફસાયેલા લોકોએ લિફ્ટ સ્થિત સુવિધાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, થઈ ન શકતા 20 મિનિટ સુધી લિફ્ટમાં રહેવાનો વખત આવ્યો હતો.

ટેક્નિકલ ખામીના કારણે લિફ્ટ ઉપર ન જતા લોકો ફસાયા
વડોદરા મકરપુરા GIDC ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર જયદીપસિંહ ગઢવીએ જણાવ્યું હતું કે, મોડી સાંજે માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે આવેલા લીલેરીયા મોરે માઉન્ટ એપાર્ટમેન્ટ સ્થિત લિફ્ટમાં 3 મહિલાઓ સહિત 8 લોકો લિફ્ટ ખોટકાઇ જવાના કારણે ફસાઇ ગયા હતા. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં અટવાઈ ગયેલી લિફ્ટમાં ફસાઈ ગયેલા 8 લોકો એપાર્ટમેન્ટ સ્થિત બેન્ક્વેટ હોલમાં આયોજિત શુભ પ્રસંગમાં જઈ રહ્યા હતા. પરંતુ, ટેક્નિકલ ખામીના કારણે લિફ્ટ ઉપર ન જતા તમામ લોકો ફસાઈ ગયા હતા.

સ્પ્રેડરથી દરવાજો ખોલી તમામ લોકોને બહાર કાઢ્યા
સબ ફાયર ઓફિસર જયદીપસિંહ ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બનાવ અંગેની જાણ GIDC ફાયર સ્ટેશનને કરવામાં આવતા અમારી ટીમના સભ્યો ચિરાગ શાહ, નીતિન પરીખ, અશોક શાહ સાથે અમે પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચ્યા બાદ એપાર્ટમેન્ટમાં 6થી 7 લિફ્ટ હોવાના કારણે 8 લોકો કઇ લિફ્ટમાં ફસાયા તે શોધવા માટે અમારે ત્રણથી ચાર લિફ્ટમાં તપાસ કરવાની ફરજ પડી હતી. દરમિયાન જે લિફ્ટમાં 8 લોકો ફસાઈ ગયા હતા. તે લિફ્ટમાં મળી આવતા ટેક્નોલોજીનો ઉપયોગ કરી સ્પ્રેડર દ્વારા દરવાજો ખોલીને લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોને સહી-સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

20 મિનિટ સુધી લિફ્ટમાં ફસાયેલા રહ્યા
લિફ્ટમાં ફસાયેલા લોકોએ લિફ્ટ સ્થિત કંપનીના ફોન નંબર ઉપર તેમજ અન્ય વ્યક્તિઓના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, નેટવર્કના અભાવના કારણે તેઓને 20 મિનિટ જેટલું લિફ્ટમાં ફસાઈ રહેવાની ફરજ પડી હતી. દરમિયાન નેટવર્ક મળી આવતા લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિઓએ ફસાઈ ગયા હોવાની જાણ કરતા ફાયર બિગેડ સુધી મેસેજ પહોંચ્યો હતો. અને ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં સ્થળ ઉપર પહોંચીને આઠ વ્યક્તિઓને લિફ્ટમાંથી સહી-સલામત બહાર કાઢ્યા હતા.

મેઇન્ટનન્સ ન થતાં લિફ્ટમાં પ્રોબ્લમ આવે છે
લિફ્ટમાં વધારે સમય રોકાઇ રહેવાનો વખત આવ્યો હોત તો અજુગતી ઘટના સર્જાઈ હોત. બિલ્ડરો દ્વારા આપવામાં આવતી લિફ્ટની સુવિધાઓમાં જે કંપનીઓ દ્વારા લિફ્ટ નાખવામાં આવે છે, તે કંપનીઓ દ્વારા સમયાંતરે લિફ્ટનું ચેકિંગ કરવામાં અને સમારકામ કરવામાં આવતું ન હોવાથી આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે, ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા આવી બનતી ઘટનાઓ અટકાવવા માટે બિલ્ડરો દ્વારા એપાર્ટમેન્ટમાં નાખવામાં આવતી લિફ્ટો અંગે કાર્યવાહી કરશે કે કેમ તે એક સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...