વડોદરા મહાનગર સેવા સદન દ્વારા નિર્ધારીત લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે વેરો નહીં ભરનાર સામે સવારથી ઝુંબેશ શરૂ કરી હતી. ભલે કોર્પોરેશન પુરતા પ્રેશરથી અને પુરતા પ્રમાણમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી ન શકે. પરંતુ, વેરા વસુલાત માટે પાણી કનેક્શન કાપવા સહિતની કામગીરી કરવામાં પાછી પાણી કરી રહ્યું નથી. આજે કોર્પોરેશનની વિવિધ વોર્ડમાં 152 કર્મચારીઓની 8 ટીમ વેરા વસૂલાત માટે નીકળી હતી અને 150 જેટલી કોમર્શિયલ અને ઘરગથ્થુ પાણીના કનેક્શનો કાપી નાખ્યા હતા.
વેરા વસૂલાત માટે ઝુંબેશ
વડોદરા કોર્પોરેશને વેરા નહીં ભરનાર શહેરીજનો સામે માસ સિલીંગ ઝુંબેશ સવારથી શરૂ કરી હતી. પાલિકાની 19 વોર્ડની 152 કર્મચારીઓની 8 ટીમ દ્વારા વિવિધ વિસ્તારના બાકી વેરા બાબતે કોમર્શિયલ મિલકતોને સીલ મારવાની અને રહેણાંક મકાનોના બાકી વેરા સામે પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવી હતી.
150 ઉપરાંત કનેક્શન કાપ્યા
મળેલી માહિતી પ્રમાણે વોર્ડ નંબર-13માં શરૂ કરાયેલી આ કામગીરીમાં અંદાજિત 150 જેટલી કોમર્શિયલ મિલકતો સહિત રહેણાંક મિલકતોના પાણી કનેક્શનનો કાપ્યા હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. આ કામગીરી સતત ચાલુ રહેશે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં 200 જેટલા કનેક્શનો કાપવામાં આવે તેવી શક્યતા છે.
નોટિસો ફટકારી હતી
પાલિકામાંથી મળેલી માહિતી અનુસાર શહેરમાં ચાલુ વર્ષે રૂપિયા 720 કરોડનો વેરો વસૂલવાનો લક્ષ્યાંક મુકાયો હતો. જેની સામે અત્યાર સુધીમાં રૂપિયા 530 કરોડ વસૂલ કરવામાં આવ્યા છે. શહેરી હદ વિસ્તારમાં નવા સાત ગામના સમાવેશ થવા સાથે પાલિકાએ ચાલુ વર્ષે કુલ રૂપિયા 8 લાખથી વધુના વેરા બિલની બજવણી કરી હતી. જેમાંથી રૂપિયા 6.48 લાખના રહેણાંક મિલકતો અને રૂપિયા 1.53 લાખની કોમર્શિયલ મિલકતો પાસેથી વેરાની વસૂલાત થઈ હતી. જ્યારે વેરો નહીં ભરનાર કુલ 7227 મિલકતોને આજદિન સુધીમાં સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 48,200 મિલકતોને વેરાના નાણા ભરવા નોટિસો ફટકારવામાં આવી હતી.
સવારથી ટીમો નીકળી પડી
પાલિકા તંત્રએ આજથી શહેરના તમામ 19 કુલ 152 કર્મચારીઓની 8 ટીમ તૈયાર બનાવી હતી. જેમાં વેરો નહીં ભરનારને ત્યાં ટીમો પહોંચી હતી અને પાણી કેનેક્શન કાપવાની કામગીરી હતી. આ ઉપરાંત દરેક વોર્ડમાં બે યુસીડી કર્મીઓ, બે રેવન્યુ કર્મીઓ, બે એન્જિનિયર અને એક ક્લાર્ક તથા પટાવાળા સહિત કુલ 8 સભ્યોની ટીમો કોમર્શિયલ મિલકતોને સીલ કરવા વહેલી સવારથી નીકળી પડી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.