તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પાવીજેતપુરમાં તંબોલીયા ગામે જૂની અદાવતે એક પરિવાર પર 7નો હુમલો

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાવી જેતપુર પોલીસે સાતેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

પાવીજેતપુર તાલુકાના તંબોલીયા ગામે જૂની અદાવતે 7 ઈસમો દ્વારા ઘરની બહાર બેઠેલા અરવિંદભાઈ ચીમનભાઈ રાઠવાના પરિવાર ઉપર લાકડી વડે હુમલો કરી ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ થવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના તંબોલીયા ગામના રહીશ અરવિંદભાઈ ચીમનભાઈ રાઠવાની ભત્રીજીની સાસરીમાં તંબોલીયાના જ યુવાન જીતુભાઈ ઇશ્વરભાઇ રાઠવાએ ફોન કર્યો હતો. જેના કારણે અરવિંદભાઈની ભત્રીજીના પતિ તેણીનીને તેડતા ન હોય જે અંગે અરવિંદભાઈએ જીતુભાઈને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી 3 જૂનના રોજ રાત્રિના આશરે દસેક વાગ્યાના સુમારે અરવિંદભાઈનો પરિવાર ઘરની બહાર જમી પરવારી બેઠો હતો. ત્યારે ગામના જ ઈશ્વરભાઈ કાગુભાઈ રાઠવા, અલ્પેશભાઈ ઇશ્વરભાઇ રાઠવા અને જીતુભાઈ ઇશ્વરભાઇ રાઠવા આવી ગમેતેમ ગાળો બોલી કહેવા લાગેલ કે તમે અમારું નામ ખોટું લીધું છે તેમ કહી ઝઘડો કરવા લાગ્યા હતા. અને અરવિંદભાઈને, તેમના પિતા ચીમનભાઈને અને કાકાના છોકરા મુકેશભાઈને લાકડીથી ઝાપટો મારી ગંભીર ઇજાઓ કરી હતી.

અરવિંદભાઈને માથામાં તથા ડાબી બાજુ પાંસળીના ભાગે તથા ડાબા હાથના ખભાના ભાગે, ચીમનભાઈને લાકડીની ઝાપટો માથાના પાછળના ભાગે, બરડાના ભાગે, ડાબા હાથના બાવડાના ભાગે જ્યારે મુકેશભાઈ ને લાકડીની ઝાપટો મારતા ડાબી આંખના ઉપરના ભાગે, જમણા ગાલના ભાગે અને ડાબા હાથના પંજાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ ત્રણેય ઇસમો જતા જતા કહેવા લાગેલ કે તમે આજે બચી ગયા છો હવે પછી મળશો તો જીવતા છોડીશું નહિ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમના ઘર તરફ જતા રહ્યા હતા.

થોડીવાર પછી આ ત્રણેય વ્યક્તિઓનું ઉપરાણું લઈને તેમના કુટુંબના સવાભાઈ કાગડાભાઈ રાઠવા, લાલુભાઈ સવાભાઈ રાઠવા, દેવજીભાઈ કાગડાભાઈ રાઠવા તથા સુહાગભાઈ દેવજીભાઈ રાઠવા પાછળથી વારા ફરતી આવી અરવિંદભાઈના પરિવારને ગમે તેમ ગાળો બોલવા લાગેલા અને તેઓના પરિવારને ગડદાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ તમામ ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિઓને તાત્કાલિક પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા. આ અંગે પાવી જેતપુર પોલીસે સાતેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...