સ્માર્ટ ક્લાસમાં ભણતર:વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ખાનગી શાળાઓ છોડી 75 વિદ્યાર્થીઓ પરત ફર્યા, એક ખાનગી શાળા બંધ થવાની અણી પર

વડોદરા23 દિવસ પહેલા
વડોદરા જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં બનાવવામાં આવેલા સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
  • 75 વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી સ્કૂલમાં દાખલ થયા
  • જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં લોકભાગીદારીથી સ્માર્ટ ક્લાસ બનાવાયા
  • સરકારી શાળામાં સ્માર્ટ ક્લાસ બનતા એક ખાનગી શાળા બંધ થવાની અણી ઉપર

ગુજરાતમાં શિક્ષણ સ્તર ખાડે ગયું છે તેવા અવાર-નવાર આક્ષેપો થતા, રાજ્ય સરકાર સફાળી જાગી છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ અભિયાનના ભાગરૂપે લોકભાગીદારીથી પ્રાથમિક શાળાઓને આપવામાં આવી રહેલા સ્માર્ટ ક્લાસના ગુણાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ શરૂ થવાની સાથે જ ખાનગી શાળા છોડી વિદ્યાર્થીઓ સરકારી પ્રાથમિક શાળામાં દાખલ થયા છે. આવા 75 છાત્રો ખાનગી શાળામાં શિક્ષણનો મોહ છોડી સરકારી પ્રાથમિક શાળામાં ફરી ભણવા લાગ્યા છે.

જિલ્લા કલેક્ટરનું અભિયાન રંગ લાવ્યું
વડોદરા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ શરૂ કરવા માટે કલેક્ટર અતુલ ગોરે અનોખું અભિયાન શરૂ કર્યું છે. આવા વિસ્તારોમાં વસતા વિદ્યાર્થીઓને પણ ટેક્નોલોજીની મદદથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એવો ઉમદા હેતું આ અભિયાન પાછળ રહેલો છે. આ માટે જિલ્લાની 225 શાળાઓની પસંદગી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તે પૈકી 73 શાળાઓમાં સ્માર્ટ ક્લાસ આપી દેવામાં આવ્યા છે. આ સ્માર્ટ ક્લાસમાં એજ્યુકેશનલ મોડ્યુઅલ સાથે એક ડેશ બોર્ડ આપવામાં આવે છે. જેમાં વિવિધ ધોરણના અભ્યાસક્રમો દ્રષ્ય શ્રાવ્ય માધ્યમમાં હોય છે. ગુજરાતી અને હિંદીની કવિતાઓ ગાન સાથે અને ગણીત તથા વિજ્ઞાનના પ્રયોગો એનિમેશન સ્વરૂપમાં હોય છે. આ વિશેષતા બાળકોએ રસ સાથે અભ્યાસ કરવા માટે પ્રેરે છે.

કરજણ તાલુકાના લીલોડ ગામની સ્માર્ટ સ્કૂલ
કરજણ તાલુકાના લીલોડ ગામની સ્માર્ટ સ્કૂલ

કરજણની લીલોડ ગામની શાળામાં વિદ્યાર્થીઓ પરત ફર્યા
કરજણ તાલુકાના લીલોડ ગામની વાત બહુ જ રસપ્રદ છે. ત્યાંથી સરકારી પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસ શરૂ થતાંની સાથે જ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ ફરી દાખલ થયા છે. માત્ર 900 જેટલી વસતી ધરાવતા લીલોડ ગામની પ્રાથમિક શાળામાં કુલ 304 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળાના શિક્ષકોનું શિક્ષણકાર્ય પ્રત્યે એટલું સમર્પણ છે કે, આજુબાજુના સાતેક ગામના વિદ્યાર્થીઓ પણ ત્યાં અભ્યાસ કરવામાં આવે છે. એમાંય સ્માર્ટ ક્લાસ શરૂ થતાં 13 વિદ્યાર્થીઓ ફરી સરકારી શાળામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા લીલોડમાં માધ્યમિક શાળા શરૂ કરવામાં આવવા ઉપરાંત સ્માર્ટ ક્લાસ શરૂ થતાં બાજુના ગામમાં આવેલી એક ખાનગી શાળા હવે બંધ થવાની અણી ઉપર આવી ગઇ છે.

અભ્યાસ કરી રહેલા સ્માર્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ
અભ્યાસ કરી રહેલા સ્માર્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ

મારી દીકરીને સરકારી સ્કૂલમાં સારું શિક્ષણ મળે છે
પોતાની દીકરીને ખાનગી શાળામાંથી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે મૂકનારા જયદેવભાઇ પાટણવડિયા નામના ખેડૂત કહે છે, હું મારી દીકરી ક્રિષ્નાના અભ્યાસકાર્યનું રોજબરોજ નિરીક્ષણ કરૂ છે. ખાનગી શાળામાં અભ્યાસ કરતા સરકારી શાળામાં ભણવાથી તેમની નોટ સારી રીતે તૈયાર કરે છે. કસોટીમાં પણ સારા માર્ક આવે છે.

સ્કૂલમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ
સ્કૂલમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ

અભ્યાસમાં વિદ્યાર્થીઓની રૂચી વધી છે
ઉપશિક્ષક મહેન્દ્રભાઇ મહેરા કહે છે, અમે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીને સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરાવીએ છીએ. શાળામાં આ ત્રણ કક્ષામાં કુલ 210 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્માર્ટ લર્નિંગના કારણે વિદ્યાર્થીઓની અભ્યાસ પ્રત્યેની રુચિ વધી છે. આ છાત્રોનું એકમ કસોટીમાં સારૂ પરિણામ જોવા મળ્યું છે.

સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

સ્માર્ટ ક્લાસમાં ભણાવવાની મજા આવે છે
ડભોઇ તાલુકાની મોટા હબીપુરા પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસના ઉપશિક્ષક સોલંકી કહે, એજ્યુકેશનલ મોડ્યુઅલના કારણે ભણાવવાની પ્રક્રીયા એકદમ સરળ થઇ છે. વિજ્ઞાનના પ્રયોગો એકદમ સહજતાથી સમજાવી શકાય છે. દ્રષ્યશ્રાવ્ય માધ્યમ હોવાથી બાળકો પણ એકદમ ઉત્સાહથી અભ્યાસ કરે છે.

વિદ્યાર્થીઓને ભણાવી રહેલા શિક્ષીકા
વિદ્યાર્થીઓને ભણાવી રહેલા શિક્ષીકા

દસ વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં પરત ફર્યા
મોટા હબીપુરા પ્રાથમિક શાળામાં કુલ 186 બાળકો અભ્યાસ કરે છે. તેમાં ધોરણ સાત અને આઠના કુલ 54 વિદ્યાર્થીને સ્માર્ટ ક્લાસમાં ભણાવવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્માર્ટ ક્લાસ ફાળવવામાં આવતા 10 વિદ્યાર્થી આ સરકારી શાળામાં ફરી ભણવા માટે દાખલ થયા છે. ગામના ખેડૂત હર્ષદભાઇ મોહનભાઇ પટેલે પોતાની પુત્રીને ફરી સરકારી શાળામાં દાખલ કરી છે. તે કહે છે, આ શાળામાં અભ્યાસ કરવાથી મારી દીકરીની બૌદ્ધિક ક્ષમતા વધવાની સાથે ઘરે લેશન પણ રૂચિ સાથે કરે છે. અભ્યાસમાં તેમનો રસ વધ્યો છે.

પરિણામમાં સુધારો આવ્યો છે
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચનાબહેન ચૌધરી કહે છે, અમે એક સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં જ્ઞાનકુંજ ધરાવતી 140 શાળાઓના 5778 છાત્રોને આવરી લેવામાં આવ્યા હતા. જ્ઞાનકુંજ વર્ગમાં અભ્યાસ નહોતા કરતા એવા વર્ષ 2019-20દરમિયાન ધોરણ 6ના ઉક્ત 5778 વિદ્યાર્થીઓમાંથી 40 ટકા નીચે પરિણામ હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા 982 હતી. આ ટકાવારી 17 ટકા જેટલી થવા જાય છે. જ્યારે, 69 ટકા એટલે કે 4007 વિદ્યાર્થીઓનું વાર્ષિક પરિણામ 40 થી 79 ટકા જેટલું હતું. એ જ પ્રમાણે વાર્ષિક પરિણામમાં 80 ટકાથી વધુ ગુણાંક ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 750 (12 ટકા) હતી.

સ્કૂલમાં જઇ રહેલા વિદ્યાર્થીઓ
સ્કૂલમાં જઇ રહેલા વિદ્યાર્થીઓ

વિદ્યાર્થીઓના અભ્યાસમાં ક્રમઃ સુધારો થઇ રહ્યો છે
હવે આ જ વિદ્યાર્થીઓ જ્યારે વર્ષ 2021-22માં ધોરણ 8માં જ્ઞાનકુંજ વર્ગમાં અભ્યાસ કર્યો અને તે બાદ લેવાયેલી વાર્ષિક પરીક્ષામાં તેના ગુણાંકમાં વધારો નોંધાયો છે. આ વર્ષમાં કુલ 5853 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જ્ઞાનકુંજમાં અભ્યાસ કર્યા બાદ અભ્યાસમાં 40 ટકા મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને 12 ટકા થઇ ગઇ છે. 40 થી 80 ટકા ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 69 ટકા થઇ છે. જ્યારે, વાર્ષિક પરિણામમાં 80 ટકાથી વધુ મેળનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 6 ટકાના વધારા સાથે 18 ટકા નોંધાઇ છે. આમ, એકંદરે ઉચ્ચ ગુણાંક મેળનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વૃદ્ધિ થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...