નિર્ણય:748 આવાસ ભાડે આપવાની દરખાસ્ત મુલતવી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલિકાએ બનાવેલા 748 આવાસો કોન્ટ્રાક્ટર એજન્સીને ભાડે આપી 25 વર્ષે ટુકડે-ટુકડે કમાણી કરવાનું ફૂલગુલાબી ચિત્ર ઊભું કરવા પાછળ મલાઈ ખાવાનો કારસો ખુલ્લો પડી ગયો છે. જેને પગલે સ્થાયી સમિતિએ વિવાદિત દરખાસ્ત જ મુલતવી કરી દીધી હતી. મકાન ભાડે આપવાની યોજનામાં પાલિકાની માલિકીની જમીન પર બંધાયેલા 748 ફ્લેટની અપસેટ વેલ્યુ નક્કી કર્યા વિના જ ટેન્ડર બહાર પાડી ઇજારદાર કંપનીને ફાયદો કરી આપવાની પહેલ કરી છે. આત્મનિર્ભર યોજના અંતર્ગત દિલ્હીથી ટેન્ડર તૈયાર આવ્યું તેમાં પાલિકાએ પોતે કોઈ ફ્લેટ દીઠ ભાડું પણ નક્કી કર્યું નથી.

બેંગ્લોરની હોસ્પિટાલિટી કંપનીએ ટેન્ડરમાં રજૂ કરેલી આંકડાકીય માયાજાળમાં પ્રથમ વર્ષે રૂા.23,79,762 લાખ મળશે. જેના આધારે ગણતરી કરીએ તો એક ફ્લેટનું એક મહિનાનું ભાડું માત્ર રૂા.265 જ નક્કી થયું ગણાશે. જ્યારે 25 વર્ષના રૂા.20.72 કરોડની રકમ પાલિકાને મળવાની છે તે મુજબ ગણતરી કરીએ તો એક ફ્લેટનું મહિને સરેરાશ માત્ર રૂા.923 ભાડું નક્કી થયું ગણાશે.

આ હોસ્પિટાલિટી કંપનીને ફાયદો થાય તે રીતે ટેન્ડરમાં ડિપોઝિટ કે બેંક ગેરંટી લેવા અંગે કોઈ શરત રખાઈ નથી કે પાલિકા દ્વારા કોઈ ભાડું પણ નક્કી કરાયું નથી. પરંતુ આ કંપનીએ રજૂ કરેલી આંકડાકીય માહિતી ધ્યાને લેતાં પ્રથમ 2 વર્ષ 30 ટકા જ મકાન ભાડે જશે તેવો અંદાજ મૂક્યો છે. કેન્દ્ર સરકારની પ્રથમ આત્મનિર્ભર યોજના અંતર્ગત રાહત દરે મકાન ભાડે આપવાની યોજનામાં આ કંપની રૂા.20.72 કરોડનું પ્રિમિયમ ચૂકવશે તેની સામે 4 ગણો ફાયદો ખિસ્સામાં સેરવી દેશે તે નક્કી છે. જોકે સ્થાયી સમિતિએ દરખાસ્ત હાલ પૂરતી અભરાઈએ ચડાવી દેવાનો નિર્ણય લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...