આવાસ યોજનાના હપ્તા ન ભરનાર સામે પાલિકાએ લાલ આંખ કરી છે. 17600 લાભાર્થીઓ પાસેથી પાલિકાએ 73 કરોડ રૂપિયા લેવાના બાકી નીકળતાં હોવાથી હપ્તાની ઉઘરાણી શરૂ કરી છે.બીજી તરફ રહીશોએ પાંચ વર્ષમાં મકાનોની હાલત ખરાબ થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.
22 વિસ્તારમાં આવેલા બીએસયુપીના આવાસોના હપ્તા ન ભરાતાં જાહેર નોટિસ અપાઈ છે. એક તરફ પાલિકાને પ્રાથમિક કામગીરી માટેની ગ્રાન્ટના રૂપીયા નથી મળી રહ્યા. તેવામાં પાલિકાને આવાસ યોજનાના લાભાર્થી પાસેથી નાણા ન મળતા હવે દંડાત્મક કામગીરી કરવા માટે મજબૂર થઈ છે. અકોટા, ગદાપુરા, જીવનનગર, આજવા રોડ, કિશનવાડી, બાપોદ, વાસણા-ભાયલી, ગોરવા, અટલાદરા, વાઘોડિયા રોડ, દંતેશ્વર, તરસાલી સહિતની 39 યોજનાના કુલ 17600 લાભાર્થીઓમાંથી અનેકે હપ્તા ન ભરતા હવે પાલિકા દ્વારા પાણી તેમજ લાઇટના કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ હાઉિસંગના ઇજનેરે જણાવ્યું હતું.
મોટા મકાનનો વાયદો કરીને નાનાં મકાનો આપ્યાં
અમને મોટા મકાનોની વાત કરવામાં આવી હતી. અને નાના મકાનો આપ્યા છે. તેમ છતાં પાલિકા પાસે સમય માગી રહી છું કે મને થોડો સમય આપે જેના કારણે હું હપ્તા ભરી શકું, હું વિધવા છું અને એકલી કમાનારી વ્યક્તિ છું > મંજુલા બેન પરમાર, લાભાર્થી
મકાનોની પરિસ્થિતિ જોયા પછી પાલિકા ઉઘરાણી કરે
મકાનોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ઠેર ઠેર તિરાડો પડી છે.પહેલા આ કામગીરી પુરી કરે તે બાદ હપ્તા માગે તો સારૂ.> રુક્શાના શેખ, લાભાર્થી
આગામી દિવસોમાં નિર્ણય કરીને કાર્યવાહી કરીશુ
નાણા ભરવા અંતિમ તક અપાઇ છે. અન્યથા પાણી-લાઈટ કનેક્શન કાપી નાખવાની કાર્યવાહી કરવામાં આવશે.
> નિલેશ પરમાર, એન્જિનિયર, હાઉસિંગ
ટેન્ડરની પ્રક્રિયામાં વિલંબ થતાં ભાવ ડબલ થઈ ગયા
યોજનાના ટેન્ડર સમયસર નહી થતા આવાસોના કામગીરીના ભાવમાં વધારો થઈ જાય છે . અને તેની વસુલાત લાભાર્થીઓ પાસેથી કરવામાં આવી રહી છે. તો સાથે જ આવાસની ક્વોલિટી પર પણ ધ્યાન આપવું જરૂરી છે. > અમી રાવત, વિપક્ષ નેતા વીએમસી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.