નબળી ગુણવત્તા:15 દિવસમાં માર્ગો પર પેચવર્ક કરવા 7150 ટન ડામર વપરાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીને ધ્યાનમાં રાખી રાત્રીના સમયે સઘન સફાઇ ઝુંબેશ કરાશે
  • નજીવા વરસાદમાં 50 હજારથી વધુ ખાડા પડ્યા હતા

છેલ્લા 15 દિવસમાં શહેરના રસ્તા પર પડેલા 50 હજારથી વધુ ખાડા પૂરી પેચ વર્ક કરવા માટે રૂા. 2 કરોડના ખર્ચે 7150 ટન ડામરનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાત્રીના સમયે સઘન સફાઇ ઝુબેશ હાથ ધરાશે. ચોમાસા દરમિયાન જળબંબાકારથી અને દિવસો સુધી રોડ પર પાણીનો ભરાવો રહેવાની સ્થિતિને કારણે રોડ પરથી ડામર અને કપચી ઉખડી જતાં 50 હજારથી વધુ ખાડા અને ગાબડા પડી ગયા હતા. જેના કારણે વડોદરા ખાડોદરા બની ગયું હતું.

નવરાત્રિના દિવસો સુધી વરસાદી માહોલ ચાલુ રહેતા અને ઉઘાડ નહીં નીકળતા રોડ પરના ખાડા પુરી શકાયા ન હતા. અને પેચ વર્ક થઈ શક્યું નહીં. છેલ્લા 15 દિવસથી કોર્પોરેશન દ્વારા પેચ વર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.અત્યાર સુધીમાં પેચ વર્ક કામગીરી પાછળ કોર્પોરેશને 2 કરોડનો ખર્ચ કરી નાખ્યો છે. સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વરસાદના વિરામ બાદ અને તહેવારોને ધ્યાનમાં રાખીને આખા શહેરમાં નાનું-મોટું પેચવર્ક ખુબ જ ઝડપથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

શહેરના ઉત્તર ઝોનમાં 1600 ટન, પૂર્વ ઝોનમાં 2400 ટન પશ્ચિમમાં 1350 ટન અને દક્ષિણ ઝોનમાં 1700 ટન મળીને કુલ બે કરોડના ખર્ચે 7150 ટન ડામર નું મટીરીયલ પેચ વર્ક માટે વાપરવામાં આવ્યું છે. પેચ વર્ક કર્યા બાદ ઉપર ડામરનું પડ ચડાવવા માટેની સિલકોટની કામગીરી કરી દેવાની સૂચના અપાય છે. જ્યાં ચાર રસ્તા અને મોટા જંકશનો છે ત્યાં વ્યવસ્થિત પેચ વર્કની કામગીરી પણ કરાય છે.

દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાત્રિના સમયમાં સફાઇ ઝુંબેશ ને સઘન બનાવવામાં આવશે. શહેરના દરેક વિસ્તારમાં રાત્રિના સમયે મુખ્ય માર્ગો સાફ કરવાની કામગીરી કરાશે. આ ઉપરાંત શહેરના ચાર દરવાજા વિસ્તારમાં જ્યાં બજારો આવેલા છે ત્યાં પણ રાત્રિના સમયે સફાઇની કામગીરી તેજ કરાશે. શહેરના તમામ વોર્ડમાં સફાઇ ઝુંબેશ વેગવંતી કરાશે. તેમજ સફાઇ થઇ છે કે કેમ તેનું જે તે અધિકારીઓ દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...