વડોદરામાં સ્કૂલોની હાલત દયનીય:નગર શિક્ષણ સમિતિની 7 સ્કૂલ જર્જરીત હોવાથી બંધ કરી દેવાઈ, પણ નવા બિલ્ડિંગ બનાવવામાં ઠાગાઠૈયા, 180 શિક્ષકની પણ ઘટ

વડોદરા23 દિવસ પહેલા
  • શિક્ષણ સમિતિની 170થી 180 કરોડના બજેટમાંથી 4 કરોડની ગ્રાન્ટ લેપ્સ થઈ
  • ગ્રાન્ટ લેપ્સ થાય છે, છતાં 7 સ્કૂલ જર્જરિત સ્કૂલ નવી બનાવતા નથી
  • સ્થાનિકો કહે છે કે, અમારા વિસ્તારની એક માત્ર સ્કૂલ બંધ છે, તેને શરૂ કરવાની અમારી માંગ છે

દિલ્હીના મુખ્યમંત્રી મનિષ સિસોદિયા આજે વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરની સ્કૂલોમાં શિક્ષકોની ઘટ અને જર્જરિત સ્કૂલો જેવી સમસ્યાઓ વચ્ચે બાળકોનું ભાવિ અંધકારમય દેખાઈ રહ્યું છે. આગામી નવા શૈક્ષણિક સત્ર દરમિયાન પ્રવેશોત્સવના નામે લાખો રૂપિયાના ધુમાડાનું આયોજન કરનાર વડોદરા સ્માર્ટ સિટીના શાસકો શિક્ષણ સમિતિની સ્કૂલમાં સ્માર્ટ ક્લાસ બનાવી વાહવાહી મેળવી રહ્યા છે, પરંતુ, વાસ્તવિકતા એ છે કે, શિક્ષણ સમિતિની સ્કૂલ બોર્ડનું કરોડો રૂપિયાનું બજેટ મંજૂર થતું હોવા છતાં સ્કૂલોની હાલત દયનીય છે. એતો ઠીક કહેવાતી સ્માર્ટ સ્કૂલોમાં પુરતા સ્માર્ટ શિક્ષકો નથી. સમિતિની સ્કૂલોમાં 180 શિક્ષકની ઘટ છે.

પ્રવાસી શિક્ષકોથી ઘટ પૂરી કરે છે
સમિતિમાંથી મળેલી માહિતી મુજબ વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની 120 સ્કૂલો છે, જેમાં ધોરણ 1થી 8માં 34400 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે 972 જેટલા શિક્ષકો કાયમી છે. જે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. જ્યારે 180 શિક્ષકની ઘટ છે, જે ઘટ પ્રવાસી અને ઉચ્ચક પગાર પર રાખેલા શિક્ષકો પૂરી કરે છે. મહત્વની વાત છે કે, શિક્ષણ સમિતિના શાસકો અને અધિકારીઓ દ્વારા વારંવાર શિક્ષકોની ઘટ પૂરવા કોર્પોરેશન અને સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, આજદિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ગ્રાન્ટ લેપ્સ થાય છે, છતાં 7 સ્કૂલ જર્જરિત સ્કૂલ નવી બનાવતા નથી
ગ્રાન્ટ લેપ્સ થાય છે, છતાં 7 સ્કૂલ જર્જરિત સ્કૂલ નવી બનાવતા નથી

શિક્ષણ સમિતિની 120 સ્કૂલમાંથી 7 સ્કૂલ જર્જરિત
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નરેન્દ્ર જયશ્વાલે જણાવ્યું હતું કે, શિક્ષણ સમિતિની 120 સ્કૂલમાંથી 7 સ્કૂલ જર્જરિત છે, જેથી સ્કૂલો ખાલી કરાવી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નજીકની શાળામાં મર્જ કરી દેવાયા છે. પણ જર્જરિત સ્કૂલો ઉતારી નવી સ્કૂલો બનાવવામાં આવતી નથી. સમિતિના વહીવટી માટે દર વર્ષે રૂપિયા 170થી 180 કરોડનું બજેટ ફાળવવામાં આવે છે. જે બજેટની રકમ અણઘડ વહીવટના કારણે પૂરી વપરાતી નથી. પરિણામે બાળકોને સ્કૂલોમાં પુરતી સુવિધાઓ મળતી નથી.

શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યએ આક્ષેપો કર્યાં
વધુમાં જણાવ્યું કે, સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે અને સમિતિ દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યા ખાનગી સ્કૂલોમાંથી આવેલા વિદ્યાર્થીઓની બતાવવામાં આવી રહી છે. પરંતુ, આ સંખ્યા ખાનગી સ્કૂલમાંથી આવેલા બાળકોની નથી. પરંતુ, વડોદરા કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવેલા ગામોની જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે વિદ્યાર્થીઓ હોવાનો આક્ષેપ કર્યો છે.

નગર શિક્ષણ સમિતિની 7 સ્કૂલ જર્જરીત હોવાથી બંધ કરી દેવાઈ છે
નગર શિક્ષણ સમિતિની 7 સ્કૂલ જર્જરીત હોવાથી બંધ કરી દેવાઈ છે

શિક્ષણ સમિતિની કઈ સ્કૂલો જર્જરિત છે ?

  • વલ્લભાચાર્ય પ્રાથમિક શાળા સવાર અને સાંજ
  • જગદીશ ચંદ્ર બોઝ પ્રાથમિક શાળા, વાડી
  • ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા ,વાડી
  • કવિ સુન્દરમ્ કન્યા શાળા સવાર અને સાંજે, ફતેપુરા
  • વીરબાઈ, સલાટવાડા
  • ડો બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક શાળા સવાર અને સાંજે, ફતેપુરા
  • કુલ 2085 વિદ્યાર્થીઓ અને 60 શિક્ષકોને અન્ય શાળામાં મર્જ કરાયા

4 કરોડની ગ્રાન્ટ લેપ્સ થઈ
તેમણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટ ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે શિક્ષણ સમિતિની સ્કૂલ બોર્ડનું બજેટ રૂપિયા 180 કરોડનું મંજૂર કરાયું છે. ગત વર્ષે રૂપિયા 4 કરોડની ગ્રાન્ટ લેપ્સ થઈ છે, છતાં એ ગ્રાન્ટનો ઉપયોગ જર્જરિત સ્કૂલ ઉતારી નવી સ્કૂલ બનાવવા કરવામાં આવ્યો નથી. સ્માર્ટ ક્લાસના બદલે શાળાના શિક્ષકોની કાયમી ભરતી કરવા મારી માંગ છે. તે સાથે જ નવી સ્કૂલ વહેલીતકે બનાવવા અને સમિતિ દ્વારા બનાવવામાં આવેલી સ્માર્ટ સ્કૂલો માટે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ છે.

સ્થાનિકો કહે છે કે, અમારા વિસ્તારની એક માત્ર સ્કૂલ બંધ છે, તેને શરૂ કરવાની અમારી માંગ છે
સ્થાનિકો કહે છે કે, અમારા વિસ્તારની એક માત્ર સ્કૂલ બંધ છે, તેને શરૂ કરવાની અમારી માંગ છે

અમારા વિસ્તારમાં એક જ સ્કૂલ છે અને તે બંધ છે
સ્થાનિક આફતાબ શેખે જમાવ્યું હતું કે, બાવામાનપુરામાં ઝવેરચંદ મેઘાણી સ્કૂલ ઘણા સમયથી બંધ છે. અમારા વિસ્તારમાં એક જ સ્કૂલ છે. અમે રજૂઆતો કરી છે, પણ સ્કૂલ શરૂ થતી નથી. સરકાર સમક્ષ અમારી માંગણી છે કે, આ સ્કૂલનું સમારકામ કરીને સ્કૂલ કરો, નહીં તો અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.

કાયમી ભરતીનો વિષય સરકારનો છે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના ચેરમેન હિતેશ પટણીએ જણાવ્યું હતું કે, કાયમી ભરતીનો વિષય અમારો નથી. રાજ્ય સરકારનો છે. સરકાર દ્વારા 3300 વિદ્યા સહાયકોને ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યા સહાયકોની ફાળવણી કરવામાં આવનાર છે. જેમાં વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પણ શિક્ષકો ફાળવવામાં સમાવેશ કરવામાં આવશે

વડોદરા નગર શિક્ષણ સમિતિની સ્કૂલોમાં 180 શિક્ષકની ઘટ છે
વડોદરા નગર શિક્ષણ સમિતિની સ્કૂલોમાં 180 શિક્ષકની ઘટ છે
અન્ય સમાચારો પણ છે...