ફરજમાં બેદરકારી:વડોદરામાં જુગારના કેસમાં યોગ્ય કાર્યવાહી ન કરનાર મકરપુરા પોલીસ મથકના PI મહિડા સહિત 7 પોલીસકર્મી સસ્પેન્ડ

વડોદરા22 દિવસ પહેલા
ફાઇલ તસવીર.
  • જુગારના કેસમાં ભાજપાના કહેવાતા આરોપીની અટકાયત કરવામાં આવી ન હતી

શહેર પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચારે માજા મૂકી દીધી છે. શહેર પોલીસ તંત્રમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા જુગારના કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન. મહિડા સહિત 7 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જુગારના કેસમાં મુખ્ય સુત્રધાર સામે કાર્યવાહી કરવાને બદલે તેઓને છોડી મૂકવામાં આવતા પીઆઈ વી.એન.મહિડા સહિત સાત પોલીસ કર્મચારીઓ સામે ક્રાયવાહી કરવામાં આવી છે.

કેટલાંક કાઉન્સિલરો પોલીસ મથકે છોડાવવા પહોંચ્યા હતા
મળેલી માહિતી પ્રમાણે મકરપુરા પોલીસ સ્ટેશમાં તા. 13 ઓગષ્ટ, 2022ના રોજ મકરપુરા વિસ્તારમાં એક જુગારનો ગુનો નોંધાયો હતો. જેમાં મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એન. મહિડા અને અન્ય 6 પોલીસ કર્મચારીઓ દ્વારા આ ગુનાના એક આરોપીની અટકાયત કરવાના સ્થાને કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી કર્યા વગર છોડી મૂકવામાં આવ્યો હતો. કહેવાય છે કે, જે મકાનમાંથી શ્રાવણીયો જુગાર પકડાયો હતો. તે ભાજપાના એક અગ્રણીનું મકાન હતું. જુગાર પકડાયા બાદ ભાજપાનાજ કેટલાંક કાઉન્સિલરો પોલીસ મથકમાં પહોંચી ગયા હતા. અને જુગારનો કેસ ન કરવા માટે દબાણ પણ કર્યું હતું. જોકે, પોલીસ દ્વારા કેસ કરવામાં આવ્યો હતો. પરંતુ, ભાજપાના અગ્રણી સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

ફરજમાં બે દરકારી દાખવી
એવી પણ માહિતી મળી હતી કે, પોલીસે આ જુગારના દાવ ઉપરથી રૂપિયા 8 લાખ રોકડા સહિતનો મુદ્દામાલ પકડ્યો હતો. પરંતુ, મુદ્દામાલ પણ પુરતો બતાવ્યો ન હતો. દરમિયાન આ અંગેની એક અરજી પોલીસ કમિશનર પાસે પહોંચી હતી. પોલીસ કમિશનરે અરજીને ગંભીરતાથી લીધી હતી. અને આ સમગ્ર બનાવની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીને સોંપી હતી. જેઓની તપાસમાં મકરપુરા પોલીસ મથકના પી.આઇ. તેમજ પોલીસ કર્મીઓએ દાખવેલી બેદરકારી સામે આવતા પી.આઇ. સહિતને સાતને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

છેલ્લા કેટલાંક સમયથી પોલીસ મથક વિવાદમાં છે
જુગારના કેસમાં યોગ્ય કાર્યવાહી ન કરાતા મકરપુરા પોલીસ મથકના પી.આઇ. વી.એન. મહિડાને સસ્પેન્ડ કરી દેવામાં આવતા હાલ મકરપુરા પોલીસ મથકનો ચાર્જ પી.આઇ. આર. કે. સોલંકીને સોંપવામાં આવ્યો છે. જુગારના કેસમાં એકજ પોલીસ મથકના પી.આઇ. સહિત 7 પોલીસ જવાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવતા શહેર પોલીસ તંત્રમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય છે કે, મકરપુરા પોલીસ છેલ્લા કેટલાંક સમયથી વિવાદમાં આવ્યું હતું.

સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મીઓના નામ

  • મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એન.મહિડા
  • એ.એસ.આઈ રાજેન્દ્રસિંહ ગણપતસિંહ
  • તુલસીદાસ ભોગીલાલ
  • વિનોદભાઈ શંકરભાઈ
  • ઈશ્વરભાઈ ચંદુભાઈ
  • લોકરક્ષક જીતેશભાઈ માધાભાઈ
  • લોકરક્ષક મનસુખભાઈ ભાણાભાઈ

અગાઉ પણ સસ્પેન્ડેડ પી.આઇ. વિવાદમાં આવ્યા હતા
ઉલ્લેખનિય છે કે પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.મહિડા અગાઉ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરની હાજરીમાં ગેરકાયદેસર દબાણોનો સર્વે કરવા ગયેલી ટીમ ઉપર હુમલાનો પ્રયાસ થયો હતો. જે બાદ માથાભારે તત્વો સામે પગલાં લેવામાં કાર્યવાહક પોલીસે ઢીલીનીતિ રાખતા વિવાદ થયો હતો. શહેર પોલીસ કમિશનર ડો.સમશેર સિંહે કારેલીબાગ પીઆઇની ટ્રાફિકમાં બદલી કરી હતી. જ્યારે વડોદરા પોલીસના ઇતિહાસમાં પહેલીવાર આખા પોલીસ સ્ટેશનના સ્ટાફની સાગમટે બદલી પણ કરી હતી.

બુટલેગર પાસેથી હપ્તા લેવાનો વીડિયો વાઇરલ થયો હતો
તાજેતરમાંજ પીઆઇ વી.એન. મહિડાને મકરપુરા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ પણ બેથી ત્રણ કિસ્સામાં વિવાદમાં આવ્યા હતા. બે દિવસ પહેલા મકરપુરા પોલીસના બે જવાનો બુટલેગર પાસે રૂપિયા લેતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જ્યારે ગઈકાલે પીસીબીએ બુટલેગર પ્રવીણ લાલાને ત્યાં રેડ પાડી બે કાર તેમજ દારૂના જથ્થા સાથે 9 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેથી શહેર પોલીસ કમિશનરે પીઆઇને સસ્પેન્ડ કરવાનું પણ એક કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

PI મહિડાએ ડે.મેયર પર હુમલામાં ઢીલ મૂકી હતી
અગાઉ કારેલીબાગ વિસ્તારમાં પીઆઇ મહિડાની હાજરીમાં માથાભારે ગુનેગારે ડેપ્યુટી મેયર અને શહેર ભાજપ પ્રમુખ ઉપર હુમલો થયો હતો. જેના આરોપી સામે ઢીલી કાર્યવાહીનો આરોપ તેમની ઉપર થયો હતો અને પીઆઇ સહિતના આખા કારેલીબાગ પોલીસ મથકના સ્ટાફને બદલી નખાયો હતો. તેમ છતાં મહિડાએ ફરજમાં બીજી વાર બેદરકારી દાખવતા કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.

બૂટલેગર પાસે હપ્તો લેતો વીડિયો વાઇરલ થયો હતો
ટ્રાફિકમાંથી તાજેતરમાં જ પીઆઇ મહિડાને મકરપુરા મુકાયા હતા. ત્યારે તરસાલી વિસ્તાર જે મકરપુરા પોલીસ મથકમાં જ છે એમાં એલસીબીના જવાનોનો બુટલેગર પાસેથી રૂપિયા લેતો વિડિયો વાઇરલ થયો હતો. એના બીજા જ દિવસે પીસીબીએ વિડિયોમાં હતો એ જ બુટલેગરને દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો.

પ્રાથમિક તપાસમાં જ બેદરકારી બહાર આવી
મામલાની પ્રાથમિક તપાસ કરનાર ડીસીપી યશપાલ જગાનિયાએ જણાવ્યું કે, જે મકાનમાં જુગાર ચાલતો હોય તેના માલિક સામે કાર્યવાહી કરવી જ પડે, તે કાર્યવાહી થઈ ન હતી. વિવાદ બાદ શુક્રવારે મકાન માલિક અરુણ પાટીલ (રેડપાર્ક સોસાયટી, બાજુમાં, માંજલપુર)ની અટકાયત કરી લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...