બીજા વેવ બાદ કોરોનાના કેસો ભલે ઘટ્યા હોય પણ શહેરમાં આવતા ગંદા પાણી અને મચ્છરોના ત્રાસને લીધે ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, ડાયેરિયાએ માથું ઊચક્યું છે. ગુરુવારે આ રોગના જ 159 સત્તાવાર કેસો નોંધાયા હતા. છેલ્લા એક મહિનામાં 227 વડોદરાવાસીઓને ડેન્ગ્યૂ અને 127એ ચિકનગુનિયાની સારવાર લીધી છે. શહેરમાં આ રોગચાળાને પગલે તંત્ર પણ દોડતું થયું છે. શહેરમાં આજ દિન સુધી સૌથી વધુ ડાયેરિયાના 8,544 કેસ આવ્યા છે.
ગુરુવારે 53 સેમ્પલમાંથી ડેન્ગ્યૂના 7 કેસ, ચિકનગુનિયાના 17 સેમ્પલ ટેસ્ટમાંથી 4 કેસ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ડાયેરિયાના 145 કેસ નોંધાયા હતા. શહેરની ચેપી રોગની હોસ્પિટલ, એસએસજી અને જમનાબાઇ હોસ્પિટલોમાં હાલમાં આ જ રોગના 100થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલો અને ફિઝિશિયન પાસેની ઓપીડીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં કમળા અને વાઇરલ તાવના કેસો ઝડપથી વધી રહ્યા છે.
બીજી તરફ શહેરમાં ભરચોમાસે પણ ઓછા પ્રેશર અને ગંદા પાણીની સમસ્યા બંધ થવાનું નામ લેતી રહી નથી અને ગુરુવારે વારસિયા અને ફતેપુરામાં 20 સેમ્પલ નાપાસ થયાં હતાં. જેમાં વારસિયા ટી બ્લોકના 6 અને ફતેપુરા રાણાવાસમાં 14 નમૂનામાં ડ્રેનેજ મિશ્રણ પાણી હોવાનું ખૂલ્યું હતું.નવાઈની વાત તો એવી છે કે ચાર દરવાજા, આર.વી. દેસાઈ રોડ, મકરંદ દેસાઈ રોડ, તાંદલજામાં ગંદું પાણી બંધ થઈ રહ્યું નથી પરંતુ પાલિકાને આંખે દૂષિત પાણી દેખાઈ રહ્યું નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.