• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 7 Inches Of Rain In Dabhoi Of Vadodara And 6 Inches Of Rain In Karjan, Evacuation Of 550 People Including 2 Pregnant Women In Kandari

મેઘ કહેર:છેલ્લા 24 કલાકમાં ડભોઇમાં 7 ઇંચ અને કરજણમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકાર, 2 સગર્ભા સહિત 650 લોકોનું સ્થળાંતર

વડોદરા2 મહિનો પહેલા
ડભોઇ અને કરજણ તાલુકામાં ભારે વરસાદને પગલે સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે.
  • એન.ડી.આર.એફ.ની 7 ટીમો, ફાયર બ્રિગેડની ટીમો અને સ્થાનિક લોકો બચાવ કામગીરીમાં જોડાયા
  • દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ, દેવ અને ઢાઢર નદી કાંઠાના 26 ગામોને એલર્ટ કરાયા
  • ડભોઇ અને કરજણ તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા, તિર્થસ્થાન કંડારીમાં લોકો ફસાયા

વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે. ડભોઇ તાલુકામાં અનરાધાર 7 અને કરજણ તાલુકામાં પોણા 6 ઇંચ વરસાદ ખાબકતા બંને તાલુકા જળમગ્ન થઇ ગયા છે. આ બંને તાલુકાઓમાં ચારે કોર પાણી ભરાઇ જતાં અનેક ગામો સંપર્ક વિહોણા થઇ ગયા છે. તિર્થસ્થાન કંડારી ગામ અને તેની આસપાસમાં રંગાઇ કોતરના પાણી ફરી વળ્યા છે. આ બંને તાલુકાઓમાં પાણીમાં ફસાયેલા લોકોને ઉગારવા NDRFની 7 ટીમો અને ફાયર બ્રિગેડની ટીમોની મદદ લેવામાં આવી છે.

NDRF ટીમોએ 2 સગર્ભા મહિલાઓ અને 2 બિમાર લોકો સહિત 650 પરાંત લોકોનું સ્થળાંતર કર્યું હતું. કરજણ તાલુકામાં અતિવૃષ્ઠી જેવી સ્થિતિ સર્જાઇ છે. બીજી બાજુ દેવ નદી ઉપરના હાલોલ ખાતે આવેલા દેવ ડેમમાંથી 7499.844 ક્યૂસેક પાણી છોડાતા દેવ નદી અને ઢાઢર નદીના કિનારાના 26 ગામોના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ડભોઇ તાલુકામાં એન.ડી.આર.એફ. દ્વારા કામગીરી.
ડભોઇ તાલુકામાં એન.ડી.આર.એફ. દ્વારા કામગીરી.

NDRFની ટીમ દ્વારા 29 બાળકોને રેસ્ક્યૂ કરાયા
સ્થાનિક પૂર નિયંત્રણ કક્ષમાંથી મળેલી માહતિ પ્રમાણે વડોદરા જિલ્લામાં મધ્યમથી ભારે ઝાંપટા સાથે સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન થયેલા ભારે વરસાદને પગલે ગામ લોકોની હાલત કફોડી બની ગઇ છે. વડોદરાના કંડારી ગામે 35 લોકો પાણીમાં ફસાતા એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં બે સગર્ભા 23 મહિલાઓ 29 બાળકો, બે દર્દીઓ સહિત 11 પુરૂષોને એન.ડી.આર. એફની ટીમો દ્વારા બોટ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેજ રીતે કરજણ તાલુકાના અનેક ગામોમાં ફસાયેલા લોકોને ફાયર બ્રિગેડની ટીમો તેમજ સ્થાનિક લોકો દ્વારા સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. બચાવ ટીમો દ્વારા પશુઓને પણ બચાવી રહ્યા છે.

દેવ અને ઢાઢર નદીમાં પૂરની સ્થિતી.
દેવ અને ઢાઢર નદીમાં પૂરની સ્થિતી.

ડભોઇ અને કરજણ તાલુકાની મોટા ભાગની સ્કૂલો બંધ
ડભોઇ અને કરજણ તાલુકામાં થયેલા ભારે વરસાદને પગલે માર્ગોનું પણ મોટા પાયે ધોવાણ થયું છે. રસ્તાઓ તૂટી જતાં વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે. ખેતરો તળાવોમાં ફેરવાઇ ગયા છે. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. નોકરી-ધંધાર્થે જતા લોકોને ઘરમાંજ બેસી રહેવાની ફરજ પડી રહી છે. કેટલાક લોકો જોખમ લઇને નોકરી-ધંધાર્થે જવા નીકળ્યા છે. ચારેકોર પાણી હોવાના કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે જઇ શક્યા નથી. જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ લોકોને ન મળતા હાલાકી ભોગવી રહ્યા છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ બંને તાલુકાની મોટા ભાગની પ્રાથમિક સ્કૂલો બંધ રાખવામાં આવી છે. ભારે વરસાદે આ બંને તાલુકામાં હાહાકાર મચી ગયો છે. આ બંને તાલુકામાં જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

સંભોઇમાંથી 178 લોકોનું રેસ્ક્યુ
એન.ડી.આર.એફ. બટાલિયન-7 ની ટીમ દ્વારા કરજણ તાલુકાના સંભોઈ ગામે ઢાઢર નદીના પાણીથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં થી ૧૭૮ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. સલામત સ્થળે ખસેડવામાં આવેલા લોકોમાં 67 પુરુષો, 76 મહિલાઓ અને 35 બાળકોનો સમાવેશ થાય છે.

NFRFની ટીમે બાળકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.
NFRFની ટીમે બાળકોને રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.

દેવ ડેમમાંથી 7499.844 ક્યુસેક પાણી દેવ નદીમાં છોડાયું
હાલોલ તાલુકાના દેવ ડેમની ઉપરવાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વરસાદ અને જળ આવકને પગલે પાણીની આવક વધતા રૂલ લેવલ જાળવવા આજે સવારના ૬ વાગ્યાથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ ડેમના ગેટ નં.3/4/5/6ને 0.6 મીટર જેટલા ખોલીને 7499.844 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે., જેના પગલે દેવ નદીના જળસ્તરમાં વધારો થઇ રહ્યો છે. દેવ નદી વડોદરા નજીક ઢાઢર નદીને મળતી હોવાથી ઢાઢર નદીના કાંઠા વિસ્તારના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અતુલ ગોર દ્વારા ડભોઇ, કરજણ, વાઘોડિયા અને વડોદરા ગ્રામ્યના અધિકારીઓને સાવચેતી રાખવા માટે તાકીદ કરી છે.

છેલ્લા 24 કલાકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારેથી લઈને હળવો વરસાદ
વડોદરા જિલ્લામાં આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો અને તમામ તાલુકાઓમાં હળવેથી ભારે વરસાદ થયો હતો. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ઉપરોક્ત સમય દરમિયાન સૌથી વધુ 183 મિ.મી, ડભોઇમાં અને 144 મિ.મી, કરજણ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જ્યારે પાદરામાં 46, વડોદરામાં 38 અને શિનોરમાં 34 મિ.મીની સાથે અન્ય ત્રણ તાલુકાઓમાં 8 થી 20 મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો.

જિલ્લાના કરજણ, ડભોઇ અને પાદરા તાલુકામાં 60 ટકા વરસાદ
વડોદરા શહેર-જિલ્લામાં મોસમના કુલ વરસાદની બાબતમાં જિલ્લાની પરિસ્થિતિ સારી છે. અત્યાર સુધીમાં કરજણ, ડભોઇ અને પાદરા તાલુકાઓમાં મોસમનો 60 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. મોસમનો લઘુત્તમ 23.93 ટકા વરસાદ છેવાડાના ડેસર તાલુકામાં થયો છે. જ્યારે બાકીના ત્રણ તાલુકાઓમાં 42 થી 58 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. ત્રણ તાલુકાઓમાં મોસમનો 60 ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે.

જાંબુઆ બ્રિજ પર વાહનોની કતારો

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નેશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈવે અવરજવર માટે બંધ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈવે બંધ કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે જાંબુઆ બ્રિજ ઉપર વાહનોની કતારો જોવા મળી રહી છે. પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસે આપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.