વડોદરા શહેરમાં વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ચાઇનીઝ ગુબ્બારા વેચવા મામલે આરોપી નીતિન જગદીશ શર્મા (રહે. વૈદેહી હોમ્સ, રાજમહેલ રોડ)ની પૂછપરછ કરી હતી. જેમાં તેણે ચાઇનીઝ તુક્કલ (ગુબ્બારા) રેણુક અંબ્રેલા વર્ક્સ, ગેંડીગેટના માલિક અતુલ મનહર છત્રીવાલા તથા શિવમ અતુલ છત્રીવાલા (બંને રહે. વિનાયક હાઇટ્સ, સોમા તળાવ, વડોદરા) પાસેથી ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે દરોડો પાડી 74 હજારની કિંમતના 3500 નંગ ચાઇનીઝ ગુબ્બાર તેમના ગોડાઉનમાંથી જપ્ત કરી લીધા હતા.
દિલ્હીના નવીન કેશવાનીને વોન્ટેડ જાહેર
ઉલ્લેખનીય છે કે અતુલ છત્રીવાલા વડોદરામાં પતંગ બજારનો પ્રમુખ છે અને તે જ આ રીતે પ્રતિબંધિત ગુબ્બાર વેચતો હતો. સાથે જ તેણે આ ગુબ્બારા દિલ્હી સ્થિત એસ.કે.ઇન્ટરનેશનલના માલિક નવીન દોલતરામ કેશવાની પાસેથી ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે હાલ નીતિન, અતુલ અને શિવમની ધરપકડ કરી છે. જ્યારે દિલ્હીના નવીન કેશવાનીને વોન્ટેડ જાહેર કર્યો છે.
ચોરંદા ગામની સીમમાં જુગાર રમતા 7 જુગારીયા ઝડપાયા
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરંદા ગામથી છંછવા ગામના રસ્તા ઉપર આવેલા તળાવના કિનારે જુગાર રમતા 7 જુગારીયાને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી દબોચી લીધા હતા. જોકે, બે જુગારીયાઓ પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયા હતા. પોલીસે જુગારના દાવ ઉપરની રકમ સહિત રૂપિયા 17,280 નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે પંથકમાં ચકચાર જગાવી મૂકી હતી.
તળાવના કિનારે રમતા હતા
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ કરજણ તાલુકામાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન અનાર્મ હેડ કોન્સ્ટેબલ ખોડાભાઇ રાણાભાઇ તેમજ અનાર્મ હેડ કોન્સ્ટેબલ હર્ષકુમાર સનાતનભાઇને સંયુક્ત માહિતી મળી હતી કે, ચોરંદા ગામથી છંછવા ગામ જવાના રસ્તા ઉપર તળાવ આવેલું છે. તળાવના કિનારે કેટલાંક લોકો જુગાર રમી રહ્યા છે.
જુગારીયાઓ આણંદથી પણ રમવા આવ્યા
જુગારની માહિતી મળતા જ પી.આઇ. કૃણાલ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમે યોજનાબદ્ધ રીતે દરોડો પાડ્યો હતો. અને ગાદલા પાથરી જુગાર રમી રહેલા કરજણ તાલુકાના ચોરંદા અને આણંદ જિલ્લાના નાપાડ વાટા તેમજ પામોલ ગામના 7 જુગારીયાઓ હમીદખાન રામસીંગ રાઠોડ, રીયાજ રણજીતસિંહ રાણા, પ્રવિણ જશુભા રાણા, સિંગદર ફકરૂદ્દીન કાજી, ફિરોજ દાઉદ વોરા, કાસમ કરીમ ચૌહાણ અને ઇલીયાસ કાસમ ઘાંચીને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જ્યારે જાકીર કાલુ મલેક (રહે. ચોરંદા નવીનગરી, કરજણ) અને ઇલીયાસ ફકરું મલેક (રહે. બેલીમ ફળીયું, કરજણ) પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયા હતા.
કરજણ પોલીસ મથકમાં ફરિયાદ
પોલીસે જુગારના દાવ ઉપરથી રૂપિયા 5690, અંગજડતીના રૂપિયા 11,590 વિગેરે મુદ્દામાલ મળી કુલ રૂપિયા 17,280નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જિલ્લા એલ.સી.બી.એ ચોરંદા ગામની સીમમાંથી જુગાર રમતા 7 જુગારીયાઓ ઝડપાતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવ અંગે એલ.સી.બી.એ કરજણ પોલીસ મથકમાં જુગારીયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.