બે સ્થળોએ ચોરી:વડોદરામાં મકરપુરા GIDCની દુકાન અને ભાઇનો જન્મદિવસ મનાવવા પિયરમાં ગયેલી બહેનના મકાનમાંથી 6.89 લાખની મત્તાની ચોરી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસ્કરોએ મકરપુરા GIDC સ્થિત સ્ટીલ મટીરીયલની દુકાન, ગોડાઉન અને વાઘોડિયા રોડ ઉપર ઉકાજીના વાડીયામાં એક મકાનને નિશાન બનાવ્યા - Divya Bhaskar
તસ્કરોએ મકરપુરા GIDC સ્થિત સ્ટીલ મટીરીયલની દુકાન, ગોડાઉન અને વાઘોડિયા રોડ ઉપર ઉકાજીના વાડીયામાં એક મકાનને નિશાન બનાવ્યા
  • ગોડાઉનમાંથી સ્ટીલની જુદી-જુદી પ્લેટો, પટ્ટીઓ અને CCTVના ડીવીઆર સહિત 5.49 લાખના મુદ્દામાલની ચોરી
  • બંધ મકાનમાંથી તસ્કરો સોના-ચાંદીના ઘરેણા સહિત 1.40 લાખનો મુદ્દામાલ ચોરી ગયા

વડોદરા શહેરમાં તરખાટ મચાવી રહેલા તસ્કરોએ મકરપુરા GIDC સ્થિત સ્ટીલ મટીરીયલની દુકાન, ગોડાઉન અને વાઘોડિયા રોડ ઉપર ઉકાજીના વાડીયામાં એક મકાનને નિશાન બનાવી રૂપિયા 6.89 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. ઉકાજીના વાડિયામાં ભાઇનો જન્મ દિવસ ઉજવવા માટે પિયરમાં ગયેલી બહેનના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

વેપારી દુકાન બંધ કરી મેઇન ગેટને તાળું મારીને ઘરે ગયા
વડોદરાના આર.વી. દેસાઈ રોડ ઉપર આવેલા સાંઈ બાબા એપાર્ટમેન્ટમાં રહેતા મફતલાલ વેલાજી મહેતા મકરપુરા GIDCમાં શેડ નંબર 898/8માં મહેતા સ્ટીલ ઇન્ડિયા નામની માલિકીની દુકાન ધરાવે છે. આ દુકાનમાં તેઓ ફેરસ તેમજ નોન ફેરસ સ્ટીલ મટિરિયલનો ધંધો કરે છે. ગત 31 જુલાઇના રોજ મફતભાઈ મહેતા તથા તેમના બે પુત્રો દુકાન બંધ કરીને તેમજ કેમ્પસનો મેઇન ગેટને તાળું મારીને ઘરે ગયા હતા. ત્યાર બાદ ગત તારીખ 1 ઓગષ્ટના રોજ તેમનો નાનો પુત્ર અંકિત દુકાને આવ્યો હતો.

CCTVના ડીવીઆર સહિત 5.49 લાખના મુદ્દામાલની ચોરી
દુકાને આવેલા અંકિતને દુકાનના મેઇન ગેટના તાળાં બદલાયેલા અને નકુચો તૂટેલો જણાઇ આવતા તેની જાણ પિતાને કરી હતી. જેથી મફતભાઈ મહેતા અને તેમના મોટા પુત્ર તાત્કાલિક દુકાને આવ્યા હતા અને તેઓએ તાળા તૂટ્યાની તપાસ કરતા દુકાનના ગોડાઉનમાં આવેલ શટલના પણ તાળાં તૂટેલા જોતા ચોંકી ઉઠ્યા હતા. વધુ તપાસ કરતા અજાણ્યા શખ્સો ગોડાઉનમાંથી સ્ટીલની જુદી-જુદી પ્લેટો, પટ્ટીઓ તથા CCTVના ડીવીઆર સહિત રૂપિયા 5.49 લાખના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું.

દુકાન માલિકે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
GIDCમાં ચકચાર જગાવી મૂકનાર ચોરીના આ બનાવ અંગે દુકાન માલિક મફતભાઈ મહેતાએ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગસ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની પણ મદદ લીધી હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પડોશીએ ઘરમાં ચોરી થઇ હોવાની જાણ કરી
બીજા બનાવમાં વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલા ઉકાજીના વાડિયામાં રહેતા રિદ્ધિબહેન કહાર મકાનને તાળું મારી પરિવાર સાથે પાણીગેટ ખાતે રહેતા ભાઈના જન્મદિવસની ઉજવણી કરવા માટે ગયા હતા. અને ત્યાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. બીજા દિવસે પડોશીએ રિદ્ધિબહેનને ચોરી થઇ હોવાની જાણ કરી હતી. તપાસ કરતાં મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો. અને ઘરમાં તિજોરીનો સામાન વેરવિખેર જણાઇ આવ્યો હતો.

ભાઇનો જન્મદિવસ મનાવવા ગયેલી મહિલાના મકાનમાંથી 1.40 લાખની ચોરી
બંધ મકાનનો લાભ ઉઠાવી ત્રાટકેલા અજાણ્યા તસ્કરો 80 હજાર રૂપિયાની કિંમતના સોના-ચાંદીના ઘરેણા તથા રોકડા રૂપિયા 60 હજાર મળી કુલ 1.40 લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા. આ બનાવે ઉકાજીના વાડીયામાં ચકચાર જગાવી મૂકી હતી. રિદ્ધીબહેન કહારે આ બનાવ અંગેની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...