કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં આવેલી સ્ક્રેપ પોલિસી અંતર્ગત વડોદરા આરટીઓમાં 1960થી 2005 સુધી નોંધાયેલા કોમર્શિયલ અને ખાનગી વાહનો મળી 7,79,922 વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું પડશે. 15વર્ષ જૂના આ વાહનો પૈકી જે ફિટનેસ મેળવવામાં સક્ષમ નહીં હોય તે વાહનો સ્ક્રેપ કરવા પડશે. જ્યારે ફિટનેસ મેળવનાર વાહનોને વધુ પાંચ વર્ષ માટે રી પાર્સિંગ કરી આપવામાં આવશે.
શહેરમાં 6.69 લાખ ખાનગી વાહનોને પહેલીવાર ફિટનેસની પ્રક્રિયા કરાવવી પડશે. અનફીટ વાહનો સ્ક્રેપમાં જશે તો વાહનમાલિકને વાહનની મૂળ કિંમતના 4થી 7 ટકા વળતર અપાશે. તેમજ સ્ક્રેપ સર્ટી રજુ કર્યેથી નવા વાહન પર ડીસ્કાઉન્ટ સાથે રજિસ્ટ્રેશન ફીમનાં માફી આપવાની પ્રોત્સાહક નિતી તૈયાર કરાઇ છે.
1 ઓક્ટોબરથી અમલમાં આવનાર સ્ક્રેપ પોલિસી અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા નિયત સંસ્થા કે એજન્સી સ્ક્રેપના વાહનો સ્વીકારશે અને તેના બદલામાં વાહન માલિકને વાહનની એક્સ શોરૂમ કિંમત 4 થી 7 ટકા જેટલું એટલે અંદાજે ત્રણ લાખના વાહનના ચાર ટકા મુજબ વળતર આપશે સાથે સર્ટિફિકેટ અપાશે. જે સર્ટિફિકેટ નવુ વાહન ખરીદતી વખતે 5% ડિસ્કાઉન્ટ માટે જરૂરી બનશે. સર્ટિફિકેટના આધારે નવા વાહનો રજિસ્ટ્રેશનમાં આરટીઓમાંથી રજિસ્ટ્રેશન ફી માફી મળશે તેમ જ રાજ્ય સરકાર દ્વારા જાહેર થનાર ટેક્સ બેનિફિટ પણ મળશે.
જો 15 વર્ષ જૂનુ વાહન પોલ્યુશનના ધારાધોરણ મુજબ ફિટ હોય તો તેને સ્ક્રેપ કરવામાં નહીં આવે. અત્યારે કોમર્શિયલ વાહનો આઠ વર્ષ સુધી દર બે વર્ષે અને પછી દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવુ ફરજિયાત છે. પરંતુ ખાનગી વાહનોને પ્રથમ વખત ફિટનેસ કરાવવું પડશે. હવે જે વાહનો ફિટનેસ સર્ટિફિકેટ નહીં મેળવે તેમને પોલીસ દ્વારા કે આરટીઓ દ્વારા જપ્ત કરશે અથવા દંડ કરવામાં આવશે.
RTOમાં 2006 પહેલાં નોંધાયેલાં વાહનો
ટુ વ્હીલર: 5,59,944
ફોરવ્હીલર : 99,990
સરકારી : 9,999
કોમર્શિયલ : 1,09,989
ST બસ 8 લાખ કિલોમીટર બાદ સ્ક્રેપ થાય છે
એસટી વિભાગ દ્વારા આઠ લાખ કિલોમીટર ચાલેલી બસ સ્ક્રેપ કરવાનો નિયમ વર્ષોથી છે અને તે પાળવામાં પણ આવી રહ્યો છે. આ સાથે દર વર્ષે તેનુ ફિટનેસ પણ કરાવવામાં આવે છે.
ફિટનેસ સાથે રજિસ્ટ્રેશન અને વીમાનો બોજ વધશે
સ્ક્રેપ પોલિસી મુજબ જુના વાહન ધારકોએ ફરજિયાત વીમો કરાવવો પડશે. જ્યારે પહેલીવાર તેમજ 5 વર્ષ માટેના રિ-પાસિંગ માટે ટુ વ્હીલરના અંદાજે 1000 હજાર રૂપિયા રજિસ્ટ્રેશન ફી , ફોરવ્હીલર માટે 7500 રૂપિયા અને હેવી વેહિકલ માટે રૂ12500 રજિસ્ટ્રેશન ફી ચૂકવવી પડશે. જે ખાનગી વાહન ધારકોને બોજ રૂપ બને તેમ મનાય છે. 15 વર્ષ જૂના 5.59 લાખ ટુ વ્હીલર નોંધાયેલા છે. જેને ફિટનેસ કરાવવા માટે 1000 રૂપિયા રી પાસિંગ ચાર્જ, 1 હજાર રૂપિયા વીમો અને વાહનમાં જરૂરી બદલાવ કરવા ખર્ચ કરવો પડશે જો સ્ક્રેપ માં વાહન જશે તો તેને માંડ 1600 રૂપિયા જેટલું વળતર મળશે.
હજુ અમલની સૂચના નથી
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલી 15 વર્ષ કે તેથી જુના વાહનો માટેની સ્ક્રેપ પોલિસીની અમલીકરણ અંગે હજુ કોઇ સ્પષ્ટ ગાઇડલાઇન આવી નથી, જેથી અમલીકરણ અંગે હાલના તબક્કે કશું કહી શકાય નહીં. આરટીઓનો રોલ ખૂબ ઓછો હોઈ શકે છે. - એ.એમ.પટેલ, ઇન્ચાર્જ આરટીઓ, વડોદરા
વાહનોની સ્ક્રેપ પોલિસી અંગે તમારે જાણવા જેવું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.