શહેરના વારસિયા વિસ્તારમાં ટયુશને આવતી સગીરાની 61 વર્ષના શિક્ષકે છેડછાડ કરી હતી. વારસિયા પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.સગીરાના પરિવારજને ફરિયાદ નોંધાવી હતી કે 5 જાન્યુઆરીએ બપોરે 3 વાગે તેમની પુત્રી ઝુલેલાલ મંદિર પાસે ઉદય મોહનરાવ ભાલેરાવને ત્યાં ટયુશને થોડી વહેલાં ગઇ હતી. અન્ય વિદ્યાર્થી ન હતા.
એકલતાનો લાભ લઇ 61 વર્ષના શિક્ષક ઉદય ભાલેરાવે સગીરા સાથે અંગ છેડતી કરી હતી. શિક્ષકે કરેલા અડપલાં અને જાતીય સતામણીથી સગીરા ગભરાઈ ગઇ હતી. ઘેર જઇને સગીરાએ આપવીતી જણાવતાં પરિવારે વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. ઘટનાની જાણ થતાં ડીસીપી ઝોન-4 પન્ના મોમાયાએ વારસિયા પોલીસને કડક કાર્યવાહી કરવા માટે સુચના આપી હતી.
જેના પગલે વારસિયા પોલીસના ઇન્ચાર્જ પીઆઈ એસ.એ.ગોહિલે તપાસ હાથ ધરી ઉદય ભાલેરાવ( રે.પ્રાર્થના ફલેટ, ગુરૂકુળની પાસે, વારસીયા રીંગ રોડ)ની અટક કરી ગહન તપાસ હાથ ધરી હતી. આરોપી છેલ્લા સાત વર્ષથી ટયુશન કલાસ ચલાવે છે અને તેની ત્યાં 7 જેટલા બાળકો અભ્યાસ માટે આવે છે. અગાઉ તે સીકયુરીટી એજન્સી ચલાવતો હતો એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.