કાર્યવાહી:60.81 લાખનો દારૂ મગાવનાર ખેડા- અમદાવાદના 2 શખ્સોની તપાસ શરૂ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 60.81 લાખના દારૂ સાથે ઝડપાયેલા 3 આરોપીઓ 14મી સુધી રિમાન્ડ પર
  • વડોદરા નજીક ભરથાણા ટોલનાકા અને આજોડની સીમમાંથી દારૂ પકડાયો હતો

વડોદરા જિલ્લાના કરજણના ભરથાણા ટોલનાકા પાસેથી રૂા.36.91 લાખ અને આજોડ પાસેથી પસાર થતા એક્સપ્રેસ વે પાસેથી રૂા.23.89 લાખ સહિત કુલ રૂા.60.81 લાખના દારૂનો જથ્થો એલસીબીએ ઝડપી લીધો હતો. એલસીબીએ કુલ રૂા.80.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એલસીબીએ પકડેલા ત્રણ આરોપીને કોર્ટમાં રજૂ કરી 14મી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. બંને જગ્યાએ પકડાયેલા દારુ પૈકીનો જથ્થો અમદાવાદ અને ખેડા મોકલવાનો હતો. બંને સ્થળોએ કોને દારૂ આપવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

એલસીબી પોલીસ સૂત્રો મુજબ આઈદાનરામ જેહારામ જાટ તેમજ વિનસિંગ લાલસીંગ રાવણા (બંને કોલું, બાયતું, બાડમેર, રાજસ્થાન) અને ધરમપાલ બનવારીલાલ ગુર્જર (રહે. ભેરુબાંસ ઝાંઝર, જિ.ઝુનઝુન, રાજસ્થાન)ની ધરપકડ કરી વધુ તપાસ માટે પોલીસે ત્રણેવના 14મી નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. વડોદરા જિલ્લા એલસીબીના પોઈ કે.એ.પટેલે જણાવ્યું હતું કે ‘બંને કિસ્સામાં દારૂ લઇ જનાર વાહનના ડ્રાઈવરે જે તે સ્થળે પહોંચી દારૂ લેનારને ફોન કરવાનો હતો. બંને જણાં કોનેે ફોન કરવાના હતા તે દિશામાં ગહન તપાસ હાથ ધરાઈ છે.

નોંધનીય છે કે મંગળવારે એલસીબી પોલીસના જવાનો ભરથાણા ટોલનાકા ખાતે વોચમાં હતા ત્યારે બાતમી મુજબના ટેમ્પોને અટકાવી તેમાં તપાસ કરાઈ હતી. જેમાં રૂા.36.91 લાખની વિદેશી દારૂની 9264 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, 2 મોબાઈલ, 10 લાખનો આઇસર ટેમ્પો સહિત રૂા.46.99 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી હતી.

આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવાયો હતો. જિલ્લા LCBએ આઈદાનરામ જેહારામ જાટ તેમજ વિનસિંગ લાલસીંગ રાવણા (બંને કોલું, બાયતું, બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી દારૂ ભરેલો ટેમ્પો આપનાર રાજુરામ જાટ (સચોર, રાજસ્થાન) તેમજ દારૂ મગાવનાર અને મોકલનાર સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત અન્ય બનાવમાં વડોદરા ગ્રામ્ય જિલ્લા એલસીબીના પીએસઆઇ કે.એ.પટેલ અને તેમની ટીમ ચૂંટણીને ધ્યાને રાખીને દારૂની હેરફેર અટકાવવા વોચમાં હતી. દરમિયાન કન્ટેનરમાં દારૂ અમદાવાદ તરફ જતો હોવાની માહિતી મળી હતી.

જેને પગલે આજોડની સીમમાં પસાર થતા એક્સપ્રેસ હાઈવે નજીકથી કન્ટેનર પકડ્યું હતું. જેમાંથી રૂા.23.89 લાખની વિદેશી દારૂની 13,080 બોટલો મળી હતી. કન્ટેનરના ચાલક ધરમપાલ બનવારીલાલ ગુર્જર (રહે. ભેરુબાંસ ઝાંઝર, જિ.ઝુનઝુન, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં દારૂનો જથ્થો ભિવંડી મહારાષ્ટ્રથી મીર સુભાષ ગુર્જર (દેવપુરા)એ ભરાવ્યો હતો અને અમદાવાદ ખાતે ડિલિવરી કરવાનું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે દારૂ સહિત રૂા.30.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...