હરિધામ સોખડા છોડીને આણંદના બાકરોલ ગયેલા પ્રબોધસ્વામી દ્વારા વડોદરાના લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે બ્રહ્મલીન હરિપ્રસાદસ્વામીના 88મા પ્રાગટ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.
લેપ્રસી ગ્રાઉન્ડમાં ગુરુભક્તિ મહોત્સવ ઉજવાશે
હરિધામ સોખડામાં હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારી તરીકેના વિવાદે જોર પડક્યું હતું. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામી જૂથ વચ્ચે વિવાદ બાદ પ્રબોધસ્વામી સોખડા મંદિર છોડી સમર્થક સંતો અને અનુયાયીઓ સાથે આણંદના બાકરોલ ખાતે ગયા હતા. ત્યાર બાદ સોખડા ખાતે હરિપ્રસાદ સ્વામીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો અને તેમની ચાદરવિધિ પણ થઇ. હવે પ્રબોધસ્વામી દ્વારા વડોદરાના આજવા રોડ સ્થિત અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે રવિવાર સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી હરિપ્રસાદ સ્વામીના 88મા પ્રાગટ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
શક્તિપ્રદર્શન નહીં પણ ભક્તિદર્શનનો કાર્યક્રમ કરીએ છીએ
આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં સુવ્રતજીવનદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, રવિવારે યોજાનારા ગુરભક્તિ મહોત્સવમાં 61 હજારથી વધુ ભક્તો સામેલ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ મહોત્સવમાં સામેલ થશે. આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ગુરુભક્તિ મહોત્સવમાં પ્રબોધસ્વામીને ચાદર ઓઢાડવાની કોઇ વિધિ થવાની નથી. અમે શક્તિપ્રદર્શન નહીં પણ ભક્તિદર્શનનો કાર્યક્રમ કરી રહ્યા છીએ.
VMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મંચ પર હાજર રહ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પટેલ પણ આ પત્રકાર પરિષદમાં મંચ પર હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.