જર્જરિત ઇમારતનો બનાવ:વડોદરાની શેષ નારાયણ કોમ્પ્લેક્સના 2 માળની ગેલેરી તૂટી પડતાં 60 રહીશો ફસાયાં

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સરદાર એસ્ટેટ શેષ નારાયણ કોમ્પ્લેક્સના બે ફ્લોરની ગેલેરી તૂટી પડતાં ફસાયેલાં  રહીશોનું ફાયરબ્રિગેડે રેસ્કયૂ કર્યું હતું. - Divya Bhaskar
સરદાર એસ્ટેટ શેષ નારાયણ કોમ્પ્લેક્સના બે ફ્લોરની ગેલેરી તૂટી પડતાં ફસાયેલાં રહીશોનું ફાયરબ્રિગેડે રેસ્કયૂ કર્યું હતું.
  • સરદાર એસ્ટેટ સુપર બેકરી નજીક 20 વર્ષ જૂની જર્જરિત ઇમારતનો બનાવ
  • એક કલાક બાદ હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ અને ક્રેઇનની મદદથી રહીશોને નીચે ઉતારવામાં આવ્યાં
  • કોર્પોરેટર શીતલ મિસ્ત્રીનો ઘેરાવ, રિનોવેશન વેળા ફરિયાદ કરનારને હાજર કરવા માગ

શહેરના ન્યૂ વીઆઇપી રોડ સરદાર એસ્ટેટ સુપર બેકરી નજીક 20 વર્ષ જૂના જર્જરિત શેષ નારાયણ કોમ્પલેક્ષના બે ફ્લોરની ગેલેરી મંગળવારે બપોરે એક વાગે ધરાશાયી થતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. બનાવને પગલે દોડી આવેલા સ્થાનિક દુકાનદાર દ્વારા પોતાની ક્રેન દ્વારા રેસ્ક્યુ હાથ ધર્યું હતું. બીજી તરફ ફાયરબ્રિગેડ દ્વારા હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મની મદદથી પણ નાગરિકોને સામાન સાથે ઉતારવામાં આવ્યા હતા. નવ મહિનાના બાળક સહિત અંદાજે 60 લોકોને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા.

ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 22 દુકાન અને ઉપરના ત્રણ મજલે 42 મકાન આવેલા છે. આ કોમ્પ્લેક્સમાં 10 પ્રોપર્ટી ધરાવતા અનિલ આહુજા નામના પ્રોપર્ટી ઈન્વેસ્ટર દ્વારા બે વર્ષ અગાઉ તેની દુકાનની ઉપરની ગેલેરી તૂટી જતા પોલીસ ફરિયાદ કરીને સ્થાનિક રહીશોને જેલની હવા ખવડાવી હતી. જેને પગલે આ જર્જરી કોમ્પ્લેક્સ નું સમારકામ અત્યાર પછી થયું ન હોવાનું સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જેને પગલે આ દુર્ઘટના સર્જાઈ હોવાની રજૂઆત કરી હતી.

પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરનાર આ ઇન્વેસ્ટર દ્વારા કોમ્પ્લેક્સના અન્ય મકાનો પણ 5 લાખમાં પડાવી લેવા માટે પ્રયાસ થતો હોવાનું રહીશોએ જણાવ્યું હતું. જેને પગલે ઘટના સ્થળે દોડી આવેલા કોર્પોરેટર પૈકી ડોક્ટર શીતલ મિસ્ત્રી નો સ્થાનિક મહિલાઓએ ઘેરાવ કરી પ્રોપર્ટી ઇન્વેસ્ટરને સ્થળ પર હાજર કરવા માટે દબાણ કર્યું હતું.

વિફરેલી મહિલાઓએ એક તબક્કે તેને હાજર કરો અને અમારે માર મારવો છે તેના પગલે તમે બેઘર થયા છે તેઓ આક્રોશ વ્યક્ત કર્યો હતો જો કે તે દિલ્હી હોવાનું તેના માણસોએ જણાવ્યું હતું. અંદાજે બે કલાક જેટલું રેસ્ક્યુ ઓપરેશન ચલાવી ફાયરબ્રિગેડે ફ્લેટમાં ફસાયેલા લોકોની સાથે તેમનો સામાન પણ બહાર કાઢવાની કામગીરી કરી હતી.

બનાવને પગલે ટોળા ઉમટી આવ્યા હતા.દુર્ઘટાને પગલે 42 પરિવારના લોકો બેઘર બનતાં ઘટના સ્થળે દોડી આવેલા સ્થાનિક કોર્પોરેટર હેમિષા ઠક્કર દ્વારા 4 કમ્યૂનિટી હોલમાં તેમના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે તમામ લોકો સ્વજનોના ઘરે ગયા હતા. ડો.શીતલ મિસ્ત્રી દ્વારા મેયરને કહીને પણ અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી.

પાલિકા માત્ર નિર્ભયતાની નોટિસ આપી છૂટી જાય છે
કોર્પોરેશન માત્ર નિર્ભયતાની નોટિસ આપે છે. રિનોવેશન કરવાનું મુશ્કેલ છે.અશોક આહુજા પોલીસ ફરિયાદ કરે છે. મેં પણ પ્રમુખ પદ છોડી દીધું છે. આ દુર્ઘટના તેના લીધે સર્જાઇ છે. - મનોજ પવાર, સ્થાનિક રહીશ

એક કલાક સુધી લોકોના જીવ તાળવે ચોંટી ગયા
ગેલેરી તૂટી પડતાં ગભરાટ ફેલાઇ ગયો હતો. એક કલાક બાદ ફાયરબ્રિગેડ દ્વારા અમને નીચે ઉતારવામાં આવ્યાં, ફાયરબ્રિગેડ ઉપર વિશ્વાસ હતો કે અમને સહી સલામત નીચે આવીશું. - તરુણી ગાયકવાડ, સ્થાનિક રહીશ

9 મહિનાના પૌત્ર સાથે 5 મહિલાઓ ઘરમાં હતી
મારા 9 મહિનાના પૌત્ર વ્યોમ સાથે મારી દીકરી પુત્ર વધુ મળી કુલ પાંચ મહિલાઓ અમે ઘરમાં હતી ધડાકો સાંભળી અમારા જીવ પડીકે બંધાયા હતા. પગ ધ્રુજી ગયા હતા શું કરવુ સમજાતું નહોતું. - સંગીતાબેન દવે, સ્થાનિક રહેવાસી

અન્ય સમાચારો પણ છે...