શહેરના ગોલ્ડન ચોકડી પાસે આવેલી કુરીયર એજન્સી દ્વારા મંગાવવામાં આવેલા દારુની 60 બોટલો હરણી પોલીસે કબજે કરી છે. પોલીસે આ ગુનામાં દારુ મંગાવનાર અને મોકલનાર બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે દરોડો પાડ્યો
મળેલી માહિતી પ્રમાણે મોડી રાત્રે હરણી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન પોલીસ જવાન મનદિપસિંહને માહિતી મળી હતી કે, ગોલ્ડન ચોકડી પાસે આવેલ કુરીયર દ્વારા દારુ મંગાવવામાં આવ્યો છે. આ માહિતી મળતાજ પી.આઇ. સી.બી. ટંડેલ તેમજ સ્ટાફના વુમન પી.એસ.આઇ. આર. કે. હોસાઇ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ, દિલીપસિંહ, પોલીસ કોન્સ્ટેબલ મનદિપસિંહે કુરીયરની એજન્સી ઉપર દરોડો પાડ્યો હતો. અને વિવિધ પાર્સલોની તપાસ કરતા એક પાર્સલમાંથી ભારતીય બનાવટની દારુની વિવિધ બ્રાન્ડની 60 બોટલો મળી આવી હતી.
બંને આરોપીની શોધખોળ શરૂ
હરણી પોલીસે કુરીયરની એજન્સીમાંથી રૂપિયા 1,44,000નો દારુ કબજે કર્યો હતો. તે સાથે પોલીસે દારૂ મંગાવનાર આજવા રોડના રહેવાસી જપ્પન. જી. શર્મા (રહે. બી-27, બાલાજી ટેનામેન્ટ, આજવા રોડ, વડોદરા અને દારૂ મોકલનાર તેજશ એન્ટરપ્રાઈઝ કેશવાના વિરુદ્વ ગુનો દાખલ કરી તેઓની શોધખોળ શરૂ કરી છે. વડોદરામાં કુરીયર દ્વારા દારુ મંગાવવાના ઝડપાયેલા આ રેકેટે ચકચાર જગાવી મૂકી હતી.
અન્ય વિગતો બહાર આવશે
હરણી પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે, કુરીયર દ્વારા દારુ મંગાવનાર અને મોકલનાર ઝડપાયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓ છે. કુરીયર દ્વારા કેટલા સમયથી દારુ મંગાવવામાં આવી રહ્યો હતો તે આરોપીઓ ઝડપાયા બાદ ખબર પડશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.