કામગીરી:બાવનચાલમાં પાણીનાં 6 સેમ્પલ ફેલ, જોડાણનું ચેકિંગ શરૂ કરાયું

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૉર્ડ 8માં તોડફોડવાળી થયા બાદ પાલિકા દ્વારા કામગીરી શરૂ કરાઈ
  • ડભોઇ રોડ સોમા તળાવ ચાર રસ્તા પાસેની સોસાયટીઓમાં ફરી ગંદા પાણીની મોંકાણ, રોષે ભરાયેલા રહીશોના દેખાવ

શહેરના પૂર્વ દક્ષિણ વિસ્તારમાં ફરી એક વખત પાણીનો કકળાટ શરૂ થયો છે અને સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ સલાટવાડા બાવન ચાલના પાણીનાં 6 સેમ્પલ ફેલ આવ્યાં હતાં. જેથી પાણીના કનેક્શન ચેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.શહેરના ડભોઈ રોડ સોમા તળાવ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં છેલ્લા ચાર મહિનાથી ગંદું પાણી આવી રહ્યું છે. ડભોઇ રોડ સોમા તળાવ પાસે આવેલી વૈષ્ણવ પાર્ક સોસાયટી સહિતની આજુબાજુની સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું ગટર મિશ્રિત પાણી આવી રહ્યું હોવાની બૂમો પડી રહી છે.

આ મામલે છાશવારે પાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જેના કારણે આ સોસાયટીના સ્થાનિક રહીશોએ ભેગા થઈને તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.હાલ કોરોનાની મહામારીમાં લોકોના ઘરે પાણીને લગતી બીમારીઓ થઇ રહી છે અને આવી સોસાયટીમાં ઝાડા, મલેરિયા જેવા રોગોના લઈને હાલાકી ભોગવી રહેલા સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

આ દરમિયાનમાં વહીવટી વોર્ડ આઠની કચેરીમાં ગંદા પાણીના કારણે મોત નિપજવાની ઘટનાના કારણે તોડફોડ થઈ હતી. આ ઘટનામાં ત્રણ મહિલાનાં મોત નીપજ્યાં હોવાનો ખુલ્લો આક્ષેપ સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવ્યો હતો. અલબત્ત પાલિકાએ હજી સુધી તોડફોડ અંગે પોલીસ ફરિયાદ કરી નથી.

સલાટવાડા, નાગરવાડા માળી મહોલ્લો, બાવન ચાલ જેવા વિસ્તારમાં ગંદા પાણીની બૂમો પડી રહી છે ત્યારે ચોખ્ખાં પાણી ટેન્કરો મોકલવામાં આવી રહી છે.બીજી તરફ પાણી પુરવઠા વિભાગે શિવાજી ચોક પાસે સલાટવાડામાં લાઈનમાં રિપેરિંગ કરાવ્યું હતું જ્યારે માળી મહોલ્લા પાસે ચાર ડાયાની નળિકા પર કેપ લગાવી ફોલ્ટ શોધવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોઠી ચાર રસ્તા પાસે પાણીનું કનેક્શન બંધ કરવામાં આવ્યું છે.

જ્યારે બીજી તરફ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પાણીનાં સેમ્પલને ચેક કરાવતા મહેતાવાડી અને માળી મહોલ્લાનાના સેમ્પલ પીવા લાયક મળ્યા હોવાનો દાવો કર્યો છે. અલબત્ત સલાટવાડા બાવન ચાલના 25માંથી પાણીનાં 6 સેમ્પલ ફેલ આવતાં તે અંગે વૉર્ડ 8ની શાખાને જાણ કરી પાણીના કનેક્શન ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...