લૂંટનો ભેદ ઉકેલાયો:વડોદરાના કુરાલી પાસે જ્વેલર્સ પિતા-પુત્ર પાસેથી 12 લાખના સોનાના દાગીનાની લૂંટ ચલાવનાર 6 લૂંટારુ ઝડપાયા

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
LCBના હાથે પકડાયેલા લૂંટારુઓ - Divya Bhaskar
LCBના હાથે પકડાયેલા લૂંટારુઓ
  • બે મહિના પહેલા કુરાલીથી ગણપતપુરા ગામ વચ્ચે અજાણ્યા લૂંટારુઓએ લૂંટ કરી હતી

બે મહિના પહેલા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલીથી ગણપતપુરા ગામ વચ્ચે અજાણ્યા લૂંટારુઓ પિતા-પુત્ર પાસેથી 12 લાખની કિંમતના સોનાના દાગીના લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. વડોદરા જિલ્લા એલસીબી પોલીસે 6 લૂંટારુઓને ઝડપી પાડ્યા છે.

બે મહિના પહેલા લૂંટ થઈ હતી
વડોદરાના માંજલપુર રહીને સોના-ચાંદીની દુકાન ધરાવતા ઉપેશ મૂળજીભાઈ ગાંધી પોતાના વતન પાણેથા ખાતે પણ પોતાના મકાનમાં સોના-ચાંદીની દુકાન ધરાવે છે. તેઓ દર રવિવારે પોતાના વતન ભરૂચ જિલ્લાના પાનેથા ખાતે સોના ચાંદીનો વ્યવસાય કરવા જતા હતા. જેમાં તારીખ 24 એપ્રિલ 2022ના રોજ રાત્રે પાછા પાણેથાથી નારેશ્વર આવ્યા હતા અને નારેશ્વરથી બાઈક લઈને રાત્રે ઉપેશ મૂળજીભાઈ ગાંધી અને એમના પિતા મૂળજીભાઈ ગાંધી સાથે વડોદરા જઇ રહ્યા હતા, ત્યારે પોણા દસ વાગ્યાના અરસામાં કુરાલીથી ગણપતપુરા રોડ વચ્ચે કેટલાક અજાણ્યા લૂંટારુઓએ સોની ઉપેશ ગાંધીની બાઈક ઉભી રખાવીને ચપ્પુની આણીએ સોના-ચાંદીના દાગીના મળીને કુલ 12 લાખ રૂપિયાની સનસનાટી ભરી લૂંટ ચલાવી હતી. જેની પોલીસ ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.

6 આરોપી પકડાયા
વડોદરા જિલ્લા એલસીબી પોલીસેને બાતમીને આધારે રામા ઉર્ફે ટીનો ગોરધનભાઈ માછી ( હાલ રહે. કિશનવાડી, વડોદરા, મૂળ રહે. નાના વાસના તા.ઝઘડિયા), કિશન રામાભાઇ ઉર્ફે ટીનો માછી રહે. કિશનવાડી, વડોદરા, મૂળ રહેવાસી નાના વાસના તા .ઝઘડિયા), ઈરફાન કરીમભાઇ દીવાન (રહે. લીલોડ મહાદેવ ભોળીયા), મનીષકુમાર ઉર્ફે ભુરીયો કાલિદાસ ખ્રિસ્તી (રહે. કિશનવાડી વડોદરા), મનોજ ઉર્ફે મનિયો ગંગારામ મારવાડી (રહે. હરણી રોડ વડોદરા) અર્જુન ઉર્ફે ભોપો સોમાભાઈ માછી (રહે. કિશનવાડી વડોદરા મૂળ રહે. ગંભીરા, બોરસદ)ને ઝડપી પાડ્યા હતા.

લૂંટારુઓએ દાગીના વેચી નાખ્યા
લૂંટારુઓને કરજણ પોલીસ સ્ટેશનમાં લાવીને તેઓની પૂછપરછમાં સોનાના દાગીના તરસાલી ખાતે રહેતા મહેશ ખુશાલભાઈ પટેલને રામાભાઈ ઉર્ફે ટીનો ગોરધનભાઈ માછીને બે વખત અલગ-અલગ સમયે વેચ્યા હોવાનું કબૂલ્યું હતું. જેમાં મહેશ પટેલે રામભાઇને દાગીના પેટે 5,03,150 ચૂકવ્યા હતા. જે દાગીના ઓગળીને રણી બનાવી હતી તે બે નંગ રણી પોલીસે કબજે કરી છે અને સોની મહેશ ખુશાલભાઈ પટેલને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે ઝડપાયેલા લૂંટારુંઓ પાસેથી પોલીસે ચાંદીના દાગીના 2620 ગ્રામ કિંમત 175000, 6 મોબાઇલ, ગુનાના કામે વપરાયેલ બાઇક જપ્ત કરેલ છે અને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...