શહેરમાં પાલિકા લારી ગલ્લા પાસેથી વહીવટી ચાર્જ અને સ્વચ્છતાનો ચાર્જ વસુલ કરે છે. નવા વોર્ડની રચના બાદ આ વર્ષે છેલ્લા 9 મહિનામાં પાલિકાને 1.93 કરોડની આવક થઈ છે. જ્યારે ગત વર્ષે 13 વોર્ડમાંથી 1.87 કરોડની આવક થઈ હતી. ઉલ્લેખનીય છે કે પહેલા વોર્ડના કર્મચારીઓ સ્થળ પર જતાં હતાં ત્યારે આવક ઓછી થતી હતી. પરંતુ હવે કચેરીમાં ભરવાનો હોવાથી આવક વધી છે.
શહેરમાં નવા વોર્ડની રચના કર્યા બાદ પાલિકાની આવકમાં જંગી વધારો થયો છે. શહેરમાં લારી ગલ્લા અને સ્વચ્છતા બાબતે પાલિકા ચાર્જ વસુલે છે. પાલિકા નવા બોર્ડની રચના થયા બાદ વોર્ડ 19માં આવતા વિસ્તારમાં લારી ગલ્લા અને પથારા ધારકો પાસેથી વહીવટી ચાર્જ અને સ્વચ્છતા માટે પાલિકા નાણા વસુલે છે. વર્ષ 2021ના એપ્રિલ મહિનાથી ડિસેમ્બર સુધી પાલિકાને 13 વોર્ડમાંથી રૂ. 1.87 કરોડની આવક થઈ હતી. જ્યારે આ આવક વધીને 1.93 કરોડ પર પહોંચી છે. વર્ષ 2022માં સૌથી વધુ વસુલાત વોર્ડ 12માંથી રૂ. 16.99 લાખની વસુલાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ કોર્પોરેશનના કર્મચારીઓ મહિને લાગત વસુલતા હતાં. તે સમયે માત્ર 1400 પાવતીઓ ફાટતી હતી. પરંતુ સર્વે કરતા શહેરમાં 9000થી વધુ લારીઓ હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી નાણા ઉઘરાવવા જતા કર્મચારીઓ ખેલ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના કારણે તંત્રએ કર્મચારીઓને નાણાની ઉઘરાણી કરવાનું બંધ કરાવી, ખુદ લારીધારકો જ વોર્ડમાં આવી નાણા ભરી જાય છે. તેથી આવક વધી છે.
લારી ગલ્લા પર QR કોડ લગાવવામાં આવશે
પાલિકામાં મળેલી બેઠકમાં લારી ગલ્લા ઉપર ક્યુ આર કોડ લગાવવાની ચર્ચા થઈ હતી. સ્થાયી અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આઈટી ડિપાર્ટમેન્ટના માધ્યમથી આ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે તેવું નક્કી થયું હતું. શહેરમાં આવેલી લારીઓની લાગત વસુલ કરવામાં ભ્રષ્ટાચાર થતો હોવાની અનેક ફરિયાદ સામે આવ્યા બાદ આ સિસ્ટમ લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ પદ્ધતિ લાગુ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.