શહેરના બિલ, ભાયલી અને સેવાસી સહિત 7 સ્થળોએ 121.51 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1255 ફ્લેટ અને 84 દુકાન બનાવવામાં આવનાર હતા. જેમાં સ્થાયી સમિતિએ 6 આવાસ યોજનાઓને મંજૂરી આપી છે, પરંતુ એક ઇજારદારે કામ કરવાની અસહમતી દર્શાવતાં બિલ ખાતે 424 આવાસો અને 36 દુકાનો બનાવવાની દરખાસ્તને મુલતવી રખાઈ છે.
પ્રધાનમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાવવાની લ્હાયમાં અગાઉ અભ્યાસના બહાને મુલતવી કરેલી 6 આવાસ યોજના વધુ ભાવે મંજૂર કરી દેવાઈ હતી. આ અંગે પ્રદેશમાંથી સૂચના આવતાં સ્થાયી સમિતિમાં ચૂપચાપ મંજૂરી આપી દેવામાં આવી હતી. પાલિકાની હદમાં સમાવિષ્ટ કરાયેલા સેવાસી, બિલ અને ભાયલી ગામમાં 7 સ્થળોએ 121.51 કરોડના ખર્ચે આવાસ યોજનાના 1255 ફ્લેટ અને 84 દુકાન બનાવવા 5 ઇજારદારોએ 16 ટકાથી 32 ટકા સુધીના વધુ ભાવ ભરતાં વિવાદ થયો હતો.
અગાઉ દરખાસ્ત મુલતવી રખાયા બાદ આ સપ્તાહે પુનઃ આવાસ યોજના બનાવવા માટેના કામની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી માટે રજૂ કરાઈ હતી, જે પૈકી 6 આવાસ યોજનાને મંજૂરી આપી છે. જ્યારે બીલ ખાતેના ફાઇનલ પ્લોટ 137 પર 38.99 કરોડના ખર્ચે બનનારા 424 આવાસો અને 36 દુકાનોની દરખાસ્તને મુલતવી રખાઈ છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ ઇજારદારે આ પ્રોજેક્ટ કરવા માટે લેખિતમાં અસહમતી દર્શાવી છે. તેની બેંક ગેરન્ટીની સમય મર્યાદા પૂર્ણ થઈ હોવાથી તેણે કામ નહીં કરવાનો નિર્ણય કર્યો છે, જેથી ફરીથી ટેન્ડર મગાવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.