તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:હાર્ટએટેક અને 3 ગણા વધેલા હ્દયમાં છીદ્રની 6 કલાક સર્જરી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એએસએમઇની સ્થિતિમાં અડધા દર્દી તો ઘરે જ જીવ ગુમાવે છે
  • જામનગરના યુવકનું જોખમી સ્થિતિમાં વડોદરામાં ઓપરેશન

મૂળ જામનગરના દેવાંગ પવારને 10 દિવસ અગાઉ વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં અર્ધબેભાન જેવી હાલતમાં લાવવામાં આવ્યા તે અગાઉ તેમને હૃદયરોગનો જોરદાર હુમલો આવી ચૂક્યો હતો. તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી અને લોહીનું દબાણ ખૂબ ઓછું હતું. એન્જિયોગ્રાફી કરતાં તબીબોને જાણ થઇ કે, તેમના હૃદયના ડાબી તરફની કોરોનરી આર્ટરી બ્લોક છે અને 60 ટકા સ્નાયુઓને નુકસાન છે. હૃદયનો ડાબો ભાગ ફૂલીને દડા જેવો થઇ જતાં હૃદયનું કદ 3 ગણું વધ્યું હતું.

હૃદયના નીચેના ભાગના ડાબા અને જમણા ક્ષેપકોની દીવાલમાં 10 મિમીનું કાણું પડી જતાં શુદ્ધ અને અશુદ્ધ લોહી એકબીજામાં ભળી રહ્યું હતું. આ સ્થિતિને એન્ટોરો સેપ્ટાલ માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન (ASME) કહેવાય છે. હાર્ટ હોસ્પિટલના ડો. વિપુલ વાઘેલાએ સર્જરી કરી અને તેમની સાથે ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. દર્શન બેંકર, ડો.સુવાંકર ઘોષ અને કાર્ડિયો થોરાસિક એન્થેટિસ્ટ ડો. મનોજ સુબ્રમણ્યન જોડાયા હતા. આ સફળ સર્જરી 6 કલાક ચાલી હતી. સર્જરીના 8 દિવસ બાદ દર્દીને ઘરે જવાની રજા અપાઇ હતી.

ડો. વિપુલ વાઘેલાએ જણાવ્યું કે, ‘ASMEની સ્થિતિમાં અડધા દર્દીઓ ઘરે જ જીવ ગુમાવે છે. જ્યારે હોસ્પિટલ પહોંચ્યા બાદ સારવાર શરૂ થયા પછી માંડ 25 ટકા દર્દીઓ જ બચે છે. આ પ્રકારની સ્થિતિ ખૂબ જ દુર્લભ હોય છે અને સંભવત: વડોદરામાં પહેલીવાર આવી સર્જરી થઇ હશે.’

6 કલાકની સર્જરીમાં કયારે શું કરાયું ?

  • પહેલો 1.5 કલાક : દર્દીને એનેસ્થેસિયા આપીને બેભાન કર્યા બાદ હૃદયને કામચલાઉ રીતે બંધ કરાય છે અને હૃદયને હાર્ટ લંગ મશીન પર મૂકવામાં આવે છે.
  • 1.5 કલાકથી 4 કલાક : ડાબી બાજુના ક્ષેપકની દીવાલનું ડોર પ્રોસિજર કરીને રિપેરિંગ કરાયું. બંને ક્ષેપક વચ્ચેના 10 મિમીના કાણાને ઇન્ફેક્ટ એક્સક્લુઝન ટેક્નિકથી બંધ કર્યું.
  • 4થી 5 કલાક : હૃદયનું ડાબું ક્ષેપક બંધ કર્યું, તેમાં સિન્થેટિક પેચ મૂકવામાં આવ્યો. આ પેચ 25થી 30 મિમીનો મૂકવો પડ્યો હતો. ક્ષેપકને સેન્ડવિચ ટેક્નિકથી બંધ કર્યું.
  • 5માંથી 6ઠ્ઠો કલાક : હૃદયમાંથી વધારાની હવા બહાર કાઢવી, તેને ડી એરિંગ કહેવાય છે અને ત્યારબાદ હૃદયના હિસ્સાને બહારથી બંધ કરવું અને હૃદયને મૂળ સ્થિતિમાં ચાલુ કરવું.
અન્ય સમાચારો પણ છે...