કાર્યવાહી:પીડિતા સાથે સમાધાન કરવાના મુદ્દે કેદાર ઉર્ફે કાણિયાની 6 કલાક પૂછતાછ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
અશોક જૈન - Divya Bhaskar
અશોક જૈન
  • કેદારે કહ્યું, રાજુ ભટ્ટ તેનો મિત્ર છે અને તેણે સમાધાન માટે મયંકને વાત કરવા કહ્યું હતું

ગોત્રી દુષ્કર્મ કેસમાં બુટલેગર અલ્પુ સિંધી અને મયંક નામના શખ્સ સાથે સમાધાન બાબતે થયેલી વાતચીતની ઓડીયોમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કેદાર કાણીયાનો ઉલ્લેખ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચે આ ઓડીયો ક્લીપના મુદ્દે રવિવારે કેદાર કાણીયાની 6 કલાક સુધી પુછપરછ કરી હતી. કેદાર કાણીયાએ જણાવ્યું હતું કે રાજુ ભટ્ટ તેનો મિત્ર છે અને તેણે રણોલી ખાતે બોલાવી સમાધાન માટે મયંકને વાત કરવાનું કહેતા તેણે મયંકને સમાધાન માટે વાત કરી હતી.

શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા દુષ્કર્મ મામલામાં બૂટલેગર અલ્પુ સિંધી અને મયંક નામના શખ્સ વચ્ચે થયેલી વાતચીતની ઓડીયો ક્લીપ વાયરલ થઇ હતી જેમાં સમાધાન માટે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને તેમના માણસ કેદાર કાણીયાના નામનો ઉલ્લેખ થયો હતો.

સમાધાન માટે પ્રયાસો કરનારા લોકોની તપાસ પોલીસ કરી રહી છે ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કેદાર કાણીયા સામે પણ તપાસ શરુ થઇ છે. શનિવારે કેદાર કાણીયાને ક્રાઇમ બ્રાન્ચે બોલાવતાં કેદાર કાણીયો ક્રાઇમ બ્રાન્ચમાં ગયો હતો જો કે પોલીસ અધિકારીઓ હાજર ના હોવાથી તેની પુછપરછ થઇ શકી ન હતી અને તેને રવિવારે ફરીથી હાજર થવાનું સમન્સ આપવામાં આવ્યું હતું.

દરમિયાન, રવિવારે સવારે ફરીથી કેદાર કાણીયો ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતાં ઉચ્ચ અધિકારીઓએ તેની 6 કલાકથી વધુ લાંબી મેરેથોન પુછપરછ કરી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે વાયરલ થયેલી ઓડીયો ક્લીપમાં કેદાર કાણીયાનો ઉલ્લેખ થયો હોવાથી તે રાજુ ભટ્ટને અને મયંકને ઓળખે છે કે કેમ તે સહિતના પ્રશ્નોનો મારો પોલીસે ચલાવ્યો હતો જેમાં કેદાર કાણીયાએ જણાવ્યું હતું કે તે રાજુ ભટ્ટને ઓળખે છે અને તેનો મિત્ર છે અને મયંકને પણ ઓળખે છે.

રાજુ ભટ્ટ સામે ગુનો નોંધાયો ત્યારબાદ તે રણોલીમાં હોવાથી તે રણોલી ગયો હતો અને તેમની વચ્ચે વાતચીત થઇ હતી જેથી તેણે મયંક બ્રહ્મભટ્ટને વાત કરી હતી. જો કે મયંકે કહ્યું હતું કે તે આમા પડવા માંગતો નથી. જો કે પોલીસે તેના ઇરાદા વિશે ઉંડી તપાસ કરવા ઉલટ તપાસ પણ કરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

તાહેરે કહ્યું, ટ્રેનમાં પીડિતા સાથે મારો પરિચય થયો હતો
ક્રાઇમ બ્રાન્ચે તાહેર પીપલોદવાળાની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેઓ ટ્રેનમાં વડોદરા આવતા હતા ત્યારે ટ્રેનમાં પિડીતા સાથે તેમની ઓળખાણ થઇ હતી.જો કે આ સિવાય તે પિડીતાના સંપર્કમાં આવ્યા ન હોવાનું અને કયારેય વડોદરા આવીને પણ પિડીતાને મળ્યા ના હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું.પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે બુટલેગર અલ્પુ સિંધીએ અશોક જૈનને મોકલેલા લિસ્ટામાં કારેલીબાગમાં રહેતા ઇન્દ્રજીત રાણાનો પણ ઉલ્લેખ કરાયો હોવાથી તેની પણ 3 દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવી પુછપરછ કરાઇ હતી.

ઇન્દ્રજીત રાણા સીસી ટીવી અને ઇલેકટ્રીકનું કામ કરે છે. તે પિડીતાના ફ્લેટમાં ગયો હતો તેણે ફ્લેટમાં ઇલેકટ્રીકને લગતું કામ કરવા તેનો સંપર્ક કરાયો હોવાનું તેણે જણાવ્યું હતું. જો કે ફ્લેટમાં તેણે સ્પાય કેમેરો ફીટ કર્યો ન હોવાનું જણાવ્યું હતું.

ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પોલીસ દ્વારા હજુ પૂછપરછ કરાઇ નથી
ઓડીયો ક્લીપમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કેદાર કાણીયાનો ઉલ્લેખ થયો હતો. કેદાર કાણીયાની પુછપરછ કરાઇ છે. જો કે, ધર્મેન્દ્રસિંહ વાઘેલાની આ મામલે પોલીસ દ્વારા કોઇ જ પ્રકારની પુછપરછ કરાઇ નથી કે તેમને સમન્સ પણ મોકલાયું નથી.

અશોક જૈનની આગોતરા જામીન અરજીમાં આજે સોગંદનામું મુકાશે
પોલીસે જણાવ્યું કે અશોક જૈને કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી સોમવારે છે. તપાસ અધિકારી વિરોધ કરતું સોગંદનામું રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...