મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના:વડોદરા જિલ્લામાં 6 ગૌશાળાને રૂ. 24.17 લાખની સહાય મંજૂર, લાભ લેવા પશુ દવાખાનાનો સંપર્ક કરવા કલેક્ટરની અપીલ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજ્યમાં ગૌશાળા, પાંજરાપોળ દ્વારા પ્રાણી કલ્યાણની ભાવનાથી ગાય અને ભેંસ વર્ગના પશુઓને નિભાવવાની કામગીરી કરવામાં આવે છે. આવી સંસ્થાઓ દાન અને સેવા પેટે મળતી સહાયમાંથી સંસ્થાઓમાં પશુઓના નિભાવ અને જાળવણીની કામગીરી કરતી હોય છે. રાજ્યમાં અંદાજે 1200થી વધુ ગૌશાળાઓ અને 200થી વધુ પાંજરાપોળોમાં આશરે 4.50 લાખ જેટલા ગાય અને ભેંસ વર્ગના પશુઓ નિભાવવામાં આવી રહ્યા છે.

આવી સેવાભાવી સંસ્થાઓને ગૌવંશના પોષણ નિભાવ અને આશ્રય માટે આર્થિક સહાય કરવા રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા-પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના વર્ષ 2022-23થી અમલમાં છે.

વડોદરા જિલ્લામાં આવેલ ગૌશાળા-પાંજરાપોળને આ યોજના હેઠળ આવરી લેવા કલેક્ટર અતુલ ગોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં એક હજારથી વધુ પશુઓને નિભાવતી 2 પાંજરાપોળના 2495 પશુઓ માટે રૂ. 68.86 લાખની દરખાસ્ત તૈયાર કરી રાજ્યકક્ષાની સમિતિમાં સહાય મંજૂરી અર્થે મોકલી આપવામાં આવી છે.

વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં એક હજાર કરતા ઓછા પશુઓની 6 ગૌશાળાના 876 પશુઓ માટે રૂ. 24.17 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. જેની ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા સહાયની રકમ જે તે લાભાર્થી સંસ્થાના બેંક ખાતામાં ડીબીટીથી સીધી જમા કરવામાં આવશે. આમ, વડોદરા જિલ્લામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ રૂ. 93.03 લાખની સહાય ચૂકવવામાં આવશે. આ યોજનાનો બાકી રહેલી ગૌશાળાઓએ લાભ લેવા માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટરએ અનુરોધ કર્યો છે.

આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી ભાભોર, નાયબ પશુપાલન નિયામક ડો. જે. આર. દવે, નાયબ પશુપાલન નિયામક (ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના) ડો. પી. એમ. જોષી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...