વડોદરા નજીક આવેલા પાતરવેણી ગામની સીમમાં આવેલા ખેતરમાં બાંધેલા મકાનને મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને નિંદ્રાધીન પરિવારના મકાનની પાછળની દીવાલ ઉપર આવેલી બારીની સેફ્ટી ગ્રીલના સળીયા કાપી ઘરમાં તસ્કરો ઘરમાં પ્રવેશી તિજોરીમાં મૂકેલા 110 US ડોલર, 180 UK પાઉન્ડ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા 5,93,400નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે વરણામા પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તસ્કર ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
ખેડૂત પરિવારના ઘરમાં ચોરી
વડોદરા નજીક વરણામા ગામ પાસે પાતરવેણી ગામની સીમમાં આવેલા પોતાના ખેતરમાં બે માળનું મકાન બનાવીને સુરેશકુમાર રતિલાલ પટેલ તેમના પત્ની પુત્ર આકાશ અને પુત્રવધૂ સાથે રહે છે અને ખેતી કામ કરે છે. તેમનો બીજો પુત્ર હેમાંક એક-બે વર્ષથી કેનેડામાં રહે છે. મોડી રાત્રે 11 વાગ્યાના સુમારે પરિવાર પોત-પોતાના રૂમોમાં સૂઈ ગયું હતું.
હુમલાના ડરથી પીછો ન કર્યો
દરમિયાન મધરાત્રે કોઈ અજાણી વ્યક્તિઓ તેઓના મકાનની પાછળી દીવાલ ઉપર લગાવવામાં આવેલી સેફ્ટી ગ્રીલના સળીયા કાપી ઘરમાં ઘૂસી ગયા હતા. રાત્રીના 2 વાગ્યાના સુમારે સુરેશભાઈ પટેલને ઘરમાં અવાજ સંભળાતા તેઓ જાગી ગયા હતા. કોણ છે ? તેવો અવાજ કરતા કોઈ જવાબ મળ્યો ન હતો. જેથી તેમણે વોશરૂમમાં પણ તપાસ કરી હતી. પરંતુ, કોઈ દેખાયું ન હતું. દરમિયાન તેઓ નીચેના માળે આવી બીજા રૂમમાં જોતા એક વ્યક્તિને મોંઢા ઉપર કપડું બાંધેલો જોયો હતો. જે તુરંત જ બીજા દરવાજાથી ફરાર થઇ ગયો હતો. રાત્રીનો સમય હોવાથી અને હુમલો કરી શકે છે તેવા ડરના કારણે પીછો કર્યો ન હતો.
તિજોરીનો સામાન વેરણ-છેરણ હતો
સુરેશભાઇ પટેલે બેડરૂમમાં જઈને તપાસ કરતા તિજોરીનો સામાન વેર-વિખેર જણાઇ આવ્યો હતો. તિજોરીનો સામાન વેર-વિખેર જોઇ ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ તેઓએ પરિવારજનોને ઉઠાડ્યા હતા. ત્યાર બાદ વરણામા પોલીસને ઘરમાં ચોરી થઈ હોવાની જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસ આવ્યા બાદ તિજોરીમાં તપાસ કરતા તિજોરીમાં મુકેલ ડોલર, પાઉન્ડ,સોના-ચાંદીના દાગીના કે રોકડ રકમ જણાઈ આવી ન હતી. દરમિયાન, સુરેશભાઇ પટેલે વરણામા પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
તસ્કરો કંઇ-કંઇ ચિજવસ્તુ ચોરી ગયા?
-60 ગ્રામનો સોનાનો સેટ -1
-70 ગ્રામનો સોનાનો-1
-30 ગ્રામ વજનની સોનાની બંગડી-2
-5 ગ્રામ વજનની સોનાની બુટ્ટી-2
-1 ગ્રામ વજનની સોનાની ચુની-1
-50 ગ્રામ વજનના ચાંદીના ગ્લાસ-2
-મોતીના સેટ-2
-70 ગ્રામ વજનની ચાંદીની ઝાંઝરી-1
-100 ગ્રામ વજનનો ચાંદીનો ઝુડો-1
-100 ગ્રામ વજનનો ચાંદીનો કંદોરો-1
-50 ગ્રામ વજનની લક્ષ્મીજીની ચાંદીની મુર્તિ-1
-60 ગ્રામ વજનની ચાંદીની ગણપતિની મૂર્તિ-2
-90 ગ્રામ વજનના ચાંદીના સિક્કા-9
-100 ગ્રામ વજનના ચાંદીના સિક્કા-5
-100 ગ્રામ વજનના ચાંદીના સિક્કા-4
-રૂપિયા 18 હજાર રોકડ
-યુ.એસ. ડોલર -110
-યુ.કે. પાઉન્ડ-180
ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ નિષ્ણોતોની મદદ લીધી
વરણામા પાસે આવેલા પાતરવેણી ગામમાં થયેલી ચોરીના બનાવ અંગે પ્રાથમિક તપાસ કરતા તસ્કરો મકાન નજીક બેંક પાસ, ATM કાર્ડ મળી આવ્યા હતા. પોલીસે સુરેશભાઈ પટેલની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની પણ મદદ લીધી હતી. જોકે, પોલીસને તસ્કરો અંગેના કોઈ સગડ મળી આવ્યા નથી. ચોરીના આ બનાવે પાતરવેણી ગામ સહિત પંથકમાં ચકચાર જગાવી મૂકી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.