મતદાન તૈયારી:જિલ્લાની 260 પંચાયતના 4.28 લાખ મતદાર માટે 576 બૂથ તૈયાર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ માટે 849, વોર્ડ સભ્ય માટે 3656 ઉમેદવારો મેદાનમાં, 19 ડિસેમ્બરે મતદાન

વડોદરા જિલ્લામાં 260 ગ્રામ પંચાયતોના સરપંચ સહિત 1494 વોર્ડની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી 19 ડિસેમ્બરે સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી યોજાશે. 4.28 લાખ મતદારો માટે 576 બૂથો તૈયાર કરાયા છે. જિલ્લામાં કુલ 27 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, સરપંચ માટે 849 અને વોર્ડ સભ્ય માટે 3656 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

576 મતદાન મથકો પર 2,21,222 પુરુષ અને 2,07,379 સ્ત્રી અને અન્ય 1 મતદારો સહિત કુલ-4,28,602 મતદારો મત અાપશે. ચૂંટણી કામગીરી માટે 68 ચૂંટણી અધિકારી, 68 મદદનીશ ચૂંટણી અધિકારી 3219 પોલિંગ સ્ટાફ અને 1292 પોલીસ સ્ટાફની નિમણૂક કરાઇ છે. ચૂંટણી માટે 883 મત પેટીઓ ઉપયોગમાં લેવાશે. વડોદરા તાલુકામાં 39 ગ્રામ પંચાયતોની,પાદરામાં 24, કરજણમાં 22, શિનોરમાં 26, ડભોઈમાં 51, વાઘોડિયામાં 38, સાવલીમાં 46, ડેસરમાં 14 સહિત 260 પંચાયતોની ચૂંટણી યોજાશે.

પંચાયતમાં છેલ્લી અને સેનેટમાં પહેલી અાંગળી પર શાહી લગાવાશે
વડોદરા.એમ.એસ.યુનિ. અને ગ્રામપંચાયતની ચૂંટણી એક જ દિવસે હોવાથી બંને ચૂંટણીમાં મતાધિકાર ધરાવતા લોકોની દ્ધિધા દૂર કરવા પંચાયતની ચૂંટણીમાં ડાબા હાથની પહેલી અને સેનેટમાં છેલ્લી અાંગળી પર શાહીનું નિશાન કરાશે.નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, એક ચુંટણીમાં મતદાન કરી લીધું હોય અને આંગળી પર શાહીનું નિશાન હોય તો બીજી ચુંટણીમાં મતદાન કરવામાં મૂંઝવણ સર્જાવાની શક્યતા છે. જેથી તમામ મામલતદાર અને પ્રાંત અધિકારીઓને સુચના અપાઈ છે.

ગણતરી 8 સ્થળો પર 27 હોલમાં થશે
ગ્રામ પંચાયતની મત ગણતરી 21 ડિસેમ્બરે આઠ સ્થળોએ આવેલા 27 હોલમાં થશે.આ માટે 668 મત ગણતરી સ્ટાફ, 464 પોલીસ સ્ટાફ,65 આરોગ્ય કર્મીઓ સહિત 164 કર્મચારીઓ ફરજ બજાવશે.

અન્ય સમાચારો પણ છે...