રેકોર્ડબ્રેક:આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 56 વિદ્યાર્થી સ્કોલરશિપ પરીક્ષામાં ઉત્તીર્ણ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાસ થનાર વિદ્યાર્થીને 4 વર્ષ સુધી મહિને એક હજાર મળશે

રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપની પરીક્ષામાં આ વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના રેકોર્ડબ્રેક 56 વિદ્યાર્થીઓએ પાસ કરી છે. આ વિદ્યાર્થીઓને દર મહિને આ સ્કોલરશિપ અંતર્ગત મહિને રૂ. 1 હજારની શિષ્યવૃત્તિ મળશે. જોકે આ માટે વિદ્યાર્થીએ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં ધો.12 સુધી અભ્યાસ કરવો પડશે. આ સ્કોલરશિપના નાણા સીધા જ વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા થાય છે.

વર્ષ 2019-20માં આ પરીક્ષામાં 26, 2020-21માં 45 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરી હતી. જ્યારે આ વર્ષે 56 વિદ્યાર્થીઓ પાસ થતા ત્રણ વર્ષમાં જ પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 100 ટકાનો વધારો નોંધાયો છે. આ વિદ્યાર્થીઓ માટે સમારોહ યોજીને અભિવાદન કરાશે. શિક્ષણ સમિતિના પ્રમુખ હિતેશ પટ્ટણીએ જણાવ્યું કે, આ સિદ્ધિને લીધે આ વિદ્યાર્થીઓ ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અને અન્ય વિદ્યાર્થીઓમાં જે આત્મવિશ્વાસનો સંચાર થયો છે તે મહત્વની બાબત છે.

વિદ્યાર્થી માટે વિશેષ પુસ્તકો ખરીદ્યા, મોક ટેસ્ટ લીધા
શિક્ષણાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, આ પરીક્ષામાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ પાસ થાય તે માટે આ જ પરીક્ષામાં ખૂબ ઉપયોગી થાય તેવા 1000 પુસ્તકોની ખરીદી કરવામાં આવી હતી. આ ઉપરાંત આ સ્કોલરશિપ પરીક્ષામાં માર્ગદર્શન આપવા માટે વિશેષ નિમાયેલા શિક્ષકો દર આંતરે દિવસે વિદ્યાર્થીઓને શીખવતા હતા. 10 મોક ટેસ્ટ પરીક્ષા અગાઉ લેવામાં આવતા વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો હતો. પરીક્ષાઓ નજીક હતી ત્યારે શાળા સમય સિવાય પણ બાળકોને માર્ગદર્શન માટે બોલાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...