પહેલું સુપર કોમ્પ્યૂટર:55 વર્ષ અગાઉ પ્રથમ સુપર કમ્પ્યૂટરની એન્ટ્રી થઇ, 1500 ચોરસફૂટના હોલમાં મૂકાયું હતું

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
એલેમ્બિક કંપનીનો સુપર કોમ્પ્યૂટર રૂમ. - Divya Bhaskar
એલેમ્બિક કંપનીનો સુપર કોમ્પ્યૂટર રૂમ.
  • 1967માં એલેમ્બિક કંપનીમાં 60 લાખથી વધુ કિંમતના સુપર કમ્પ્યૂટરની કામગીરી માટે 50 કર્મચારીઓનો સ્ટાફ રાખવામાં અાવ્યો હતો
  • SSC-HSCના રિઝલ્ટ, શેર બજારના ડોક્યુમેન્ટ્સ અને અનેક કંપનીના પ્રિન્ટઆઉટ કઢાતાં

વડોદરાનું સૌથી પહેલું સુપર કમ્પ્યૂટર એલેમ્બિક કંપનીમાં આજથી 55 વર્ષ અગાઉ 1967માં લાવવામાં આવ્યું હતું. તે સમયે વિશાળકાય કમ્પ્યૂટરની કિંમત રૂ.60 લાખથી વધુની હતી. ICL કંપનીના આ મહાકાય કમ્પ્યૂટર ત્રણ મોટા ભાગમાં વહેંચાયેલું હતું. ઇનપુટ ડિવાઇસ તરીકે પંચકાર્ડ સિસ્ટમ હતી. આ કમ્પ્યૂટરમાં તે જમાનામાં કોઇ હાર્ડડ્રાઇવ ન હતી. પણ 2400 જેટલા સ્કોલમાં કોડેડ લેન્ગ્વેજમાં માહિતીનો સંગ્રહ થતો હતો.

તે સમય દરમિયાન આઇટી એક્સપર્ટ તરીકે કામ કરતા અને હાલમાં નિવૃત્ત થયેલા નિપૂન શાહ કહે છે કે, ‘કોઇ માહિતી ફરીવાર લેવી હોય તો આખો સ્કોલ ફેરવવો પડતો હતો. આજે કોઇ માહિતી સ્ટોરેજમાંથી લેવી હોય તો ગણતરીની સેંકડોમાં જ આ માહિતી મેળવી શકાય છે. આ કમ્પ્યૂટર માટે 50 કર્મચારીઓનો સ્ટાફ ફાળવવામાં આવ્યો હતો. કંપની માટે આ કમ્પ્યૂટર સિસ્ટમ કમાઉ દીકરા જેવી પુરવાર થઇ હતી. કારણ કે સમગ્ર વડોદરામાં આ પહેલું હતું. બેંક ઓફ બરોડાના ડિમાન્ડ ડ્રાફ્ટના પ્રોસેસિંગ અહીં થતા. ગુજરાત સરકારના એસએસસી અને એચએસસીના પરિણામો અહીં તૈયાર થતા હતા.

તે સમયે કંપનીઓ અને લોકો અને સરકારી વિભાગોની ડેડલાઇનો અને પ્રેશરો આ સેન્ટરમાં કામ કરતા અમારા જેવા કર્મચારીઓ આજે પણ અનુભવે છે. જોકે એ કમ્પ્યૂટરને લીધે અમે આઇટી ક્ષેત્ર માટે ઘણુ શીખ્યાં હતા.’ જ્યારે અન્ય એક પૂર્વ કર્મી વી.એસ. માંડવિયા કહે છે કે, શરૂઆતના તબક્કે જીએસએફસી, વડોદરા સ્ટોક એક્સચેન્જ પણ ડેટા પ્રોસેસિંગ માટે અમને કામ મોકલતા હતા.

કારણ કે સમગ્ર વડોદરા જ નહીં મધ્ય ગુજરાતમાં આ એક જ કમ્પ્યૂટર હતું. એકાદ વર્ષ તો મધ્યપ્રદેશના બોર્ડના રિઝલ્ટ પણ અહીં જ આ કમ્પ્યૂટર સિસ્ટમની મદદથી તૈયાર કરાયા હતા. એલેમ્બિક કંપનીના આ સેકશનમાં સૌથી મહત્વની કામગીરી ડેટા ફિડ કરવાની રહેતી હતી.

અન્ય સમાચારો પણ છે...