વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં કોવિડ અને રોગચાળા નિયંત્રણની કામગીરી સઘન બનાવવામાં આવી છે. વડોદરા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ કામગીરીની નિયમિત સમીક્ષા કરવાની સાથે કામગીરીને વધુ અસરકારક બનાવવાનું માર્ગદર્શન આપવામાં આવે છે. જિલ્લામાં સોમવાર સુધી 27 ધન્વંતરી રથો કાર્યરત હતા એવી જાણકારી આપતાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવતે જણાવ્યું હતું કે, આ રથોએ 64 ગામો અને પરાઓની મુલાકાત લઈને આરોગ્ય સેવાઓ પૂરી પાડી હતી. અત્યાર સુધીમાં આ રથોના માધ્યમ થી 5232 લોકોની ઓપીડીમાં આરોગ્ય તપાસ કરવામાં આવી છે.
77 રેપિડ એન્ટીજન અને 105 RT-PCR ટેસ્ટ કોરોનાની ચકાસણી કરાઇ
નિદાન દરમિયાન તાવના 98, ઝાડાના 39 અને કફ શરદીના 415 કેસોમાં જરૂરી સારવાર અને દવાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત ડાયાબિટીસ પીડિત 267, હાઈ બીપીના 311 અને અન્ય બીમારી ધરાવતા 26 લોકોને જરૂરી સારવાર આપવામાં આવી હતી. 674 લોકોને હોમિયોપેથિક સારવારનો લાભ આપવામાં આવ્યો છે. આ દરમિયાન 77 રેપિડ એન્ટીજન અને 105 RT-PCR ટેસ્ટથી કોરોનાની ચકાસણી કરાઇ હતી. ખૂબ સામાન્ય લક્ષણો ધરાવતા 623 અને સામાન્ય લક્ષણો ધરાવતા 99 લોકોને જરૂરી દવાઓ આપવામાં આવી હતી.
193 કોરોના દર્દીઓની સાર સંભાળ લેવામાં આવી રહી છે
હાલમાં 32 જેટલા સંજીવની રથો દ્વારા ઘર સારવાર હેઠળના 193 કોરોના દર્દીઓની સાર સંભાળ લેવામાં આવી રહી છે. રૂબરૂ મુલાકાત દરમિયાન કોરોના સાવચેતી પાળીને હોમ ક્વોરન્ટીન વ્યક્તિઓના ઓક્સિજન લેવલ સહિતની બાબતો ચકસવામાં આવે છે. ઘર મુલાકાત શક્ય ન હોય તો દર્દીને વીડિયો કોલ કરીને તેની સંભાળ લેવામાં આવે છે. ઘર સારવાર હેઠળના વ્યક્તિઓની સંખ્યા વધવાની સંભાવનાને અનુલક્ષીને સંજીવની ટીમોની સંખ્યા વધારવાનું આયોજન છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 8 કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાશે
હાલની નવી લહેરને અનુલક્ષીને જિલ્લાના ગ્રામ વિસ્તારમાં બુધવારથી 8 જેટલા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવાના ચક્રો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગતિમાન કરવામાં આવ્યાં છે. હાલમાં કોવિડના જે કેસો નોંધાય છે, તેમાં દવાખાનામાં દાખલ સારવારની જરૂર ઓછી અને હોમ ક્વોરન્ટીનની જરૂર વધારે જણાય છે. ઘણાં બધાં લોકો પાસે જુદાં રૂમ અને બાથરૂમની સુવિધાઓ ઘરમાં હોતી નથી, ત્યારે આ કેર સેન્ટરની સુવિધા ખૂબ ઉપયોગી બને છે. વધુમાં આ સુવિધાને લીધે સંજીવની ટીમો પર છૂટાછવાયા ઘરોની મુલાકાતનું ભારણ ઘટે છે.
1408 બેડની સગવડ કોવિડ કેર સેન્ટર દ્વારા ઉપલબ્ધ કરાશે
હાલમાં લગભગ 1408 જેટલા બેડની સગવડ કોવિડ કેર સેન્ટર દ્વારા ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે, તેવી જાણકારી આપતાં અધિક જિલ્લા આરોગ્ય ડો.ઉદય ટિલાવતે જણાવ્યું હતું કે, તેમાં 125 જેટલા ઓક્સિજન સુવિધા વાળા બેડ ઉપલબ્ધ રહેશે. આ કોવિડ કેર સેન્ટર વાઘોડિયા તાલુકાના ઈશ્વરપુરા ગામે પારુલ આયુર્વેદિક કોલેજ, વરણામા ગામે બાબરીયા ઇન્સ્ટિટ્યૂટ, ડભોઇ નજીક વેગા ગામે દારુલ ઉલૂમ સંસ્થામાં, સાવલી ખાતે ભીમનાથ મહાદેવ પરિસરમાં, પાદરા સરકારી દવાખાનાના પ્રાંગણમાં એ.એન.એમ.કોલેજ, પાદરા તાલુકાના કણઝટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નારેશ્વર તીર્થ ક્ષેત્ર અને કરજણના સુમેરુ તીર્થ તેમજ શિનોર તાલુકાના મોટા ફોફ્લીયા ગામે હાલમાં ચાલુ કરવાનું આયોજન છે.
વડોદરાના મોટા સરકારી દવાખાનાઓ પરનું ભારણ ઘટાડી શકાશે
આ ઉપરાંત જિલ્લાના 9 સી.એચ.સી.ને ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર-DCHC જાહેર કરવામાં આવ્યાં છે. આ કેન્દ્રોમાં 306 ઓક્સિજન બેડ સાથે કુલ 418 પથારીઓની કોવિડ સારવાર સુવિધા અને ચોવીસે કલાક તબીબો અને સ્ટાફની સુવિધા રહેશે. તેના લીધે વડોદરાના મોટા સરકારી દવાખાનાઓ પરનું ભારણ ઘટાડી શકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.