તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 5000 New Beds Will Be Set Up In Vadodara, Two New Covid Buildings Will Be Constructed In Sayaji And Gotri Hospitals, Preparation Report Will Be Handed Over To The Government.

કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ:વડોદરામાં 5 હજાર નવા બેડ ઉભા કરાશે, સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં બે નવા કોવિડ બિલ્ડિંગ બનશે, તૈયારીનો રિપોર્ટ સરકારને સોંપાશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી લહેરમાં સરકારી હોસ્પિટલોમાં વધુ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ

વડોદરા શહેરમાં કોરોના મહામારીના બીજી લહેરમાં દર્દીઓમાં ઘટાડો થતાં વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી બાજુ ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં કોરોના મહામારીની ત્રીજી લહેર શરૂ થાય તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવ તથા તેમની ટીમે પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જે તૈયારીના ભાગરૂપે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જ 1 હજાર બેડની સુવિધા સાથેનું ચાર માળનું નવું બિલ્ડિંગ તથા સરકારી અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં કુલ 5000 નવા બેડ ઉભા કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં વધુ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે બેઠકોનો દોર શરૂ
આગામી ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં કોરોના મહામારીનો ત્રીજી લહેર શરૂ થવાની શક્યતાઓ રહેલી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સંભવતઃ કોરોનાની ત્રીજી લહેર માટે તૈયારીઓ કરવા માટે સૂચના આપી છે. જેને ધ્યાનમાં રાખી વડોદરામાં ત્રીજી લહેર દરમિયાન સરકારી હોસ્પિટલોમાં વધુ દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.

ત્રીજી લહેરને લઇને બેડની સંખ્યામાં વધારો કરવામાં આવશે
ઉલ્લેખનિય છે કે, હાલ ગોત્રીમાં 750 બેડ, યજ્ઞપુરુષના 350 બેડ અને ગોત્રી હોસ્પિટલના ડોમમાં 350 મળીને કુલ 1450 બેડ ઉપલબ્ધ છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં 800 બેડ અને સમરસ હોસ્ટેલ ખાતે 700 ઉપલબ્ધ છે. સંભવતઃ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને તેમાં વધારો કરવામાં આવશે.

35થી 40 કરોડના ખર્ચે 1 હજાર બેડની સુવિધાવાળું નવું ચાર માળનું બિલ્ડિંગ બનાવાશે
ગોત્રી હોસ્પિટલમાં ડોમમાં અને અટલાદરા યજ્ઞપુરુષમાં શરૂ કરવામાં આવેલા બેડ ચોમાસા દરમિયાન બંધ કરવા પડશે તેવી સ્થિતિ સર્જાશે, ત્યારે તંત્ર દ્વારા સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં અંદાજે રૂપિયા 35થી 40 કરોડના ખર્ચે 1 હજાર બેડની સુવિધાવાળું નવું ચાર માળનું બિલ્ડિંગ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર પ્રોજેક્ટ આગામી અઠવાડિયામાં રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે
વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવે ઓક્ટોબર-નવેમ્બરમાં આવનારી કોરોનાની સંભવતઃ ત્રીજી લહેરના આગોતરા આયોજન માટેની ચર્ચા-વિચારણા કરવા માટે ગોત્રી અને સયાજી હોસ્પિટલના સબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં કોવિડ અને નોન કોવિડ દર્દીઓને સારી સુવિધાઓ સાથે સારી સારવાર મળી રહે તે માટે આયોજન કરવા માટે ચર્ચા કરી હતી. ચર્ચા-વિચારણાનો સમગ્ર પ્રોજેક્ટ આગામી અઠવાડિયામાં રાજ્ય સરકારને સુપરત કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

કોવિડ અને નોન કોવિડ દર્દીઓની સારવાર માટે તૈયારીઓ કરાશે
OSD ડો. વિનોદ રાવે આ અંગે જણાવ્યું હતું કે, આગામી ઓક્ટોબર-નવેમ્બર માસમાં સંભવતઃ કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાઓ છે. ત્યારે કોવિડ અને નોન કોવિડ દર્દીઓને સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં સારી સારવાર મળી રહે તે માટેની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં 1000 બેડની સુવિધાઓ ઉભી કરવા માટે નવા બિલ્ડીંગ ઉભા કરવાની વિચારણા છે. આ ઉપરાંત ટ્રસ્ટની હોસ્પિટલ પારુલ અને સુમનદીપમાં વધુ એક હજાર બેડની સુવિધા શરૂ કરવા માટે પણ વિચારણા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...