પતંગના દોરાને પગલે રવિવારે એક યુવાને જીવ ગુમાવ્યો છે. બીજી તરફ પતંગના દોરાથી અનેક પક્ષીઓ દર વર્ષે પોતાનો જીવ ગુમાવતાં હોય છે. વન વિભાગ દ્વારા પક્ષીઓની માવજત, સારવાર અને બચાવ કામગીરી માટે દર વર્ષે કેમ્પનું આયોજન કરાય છે. આ વર્ષે પણ 45 જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 10મી તારીખથી 23મી તારીખ સુધી 500 જેટલા વોલિએન્ટિયર્સ ફરજ બજાવશે. 15 તબીબોની ટીમ ઉત્તરાયણના 3 દિવસ કાર્યરત રહેશે. જ્યારે ઝૂઓલોજી વિભાગના 10 જેટલા સ્ટુડન્ટ પણ આ કેમ્પમાં સહાયક ભૂમિકા ભજવશે.
સાવલીનાં આરએફઓ કિંજલ જોશીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 1300 પક્ષીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતાં. વન વિભાગ દ્વારા કારેલીબાગ વન્ય જીવન સુરક્ષા કેન્દ્ર ખાતે એક નવું ઓપરેશન થિયેટર પણ બનાવવામાં આવ્યું છે. ગત વર્ષે વસાવેલા એક્સ રે મશીનથી પણ એડવાન્સ એક ઓપરેશન માટે સહાયક મશીન પણ એનજીઓ દ્વારા પ્રાપ્ત થયું છે.
ઉત્તરાયણમાં પક્ષીઓને ચણ ન નાખવી જોઈએ : વન વિભાગ
વન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ઉત્તરાયણના એક સપ્તાહ અગાઉથી પક્ષીઓને ચણ નાખવાનું બંધ કરવું જોઈએ. કોઈ વાહન આવતાં પક્ષીઓ એક સામટાં ઊડતાં હોય છે, જેને કારણે દોરામાં ફસાઈ ઈજાગ્રસ્ત થતાં હોય છે.
સોમવારે ફાયરબ્રિગેડે કબૂતરને રેસ્ક્યૂ કર્યું
દાંડિયા બજાર-પ્રતાપ રોડ પર પતંગના દોરામાં કબૂતર ફસાતા ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ કરીને જીવ બચાવ્યો હતો.
આ વર્ષે ઓછાં પક્ષીઓનો જીવ જાય તેવો પ્રયત્ન કરાશે
કરુણા અભિયાન અંતર્ગત દર વર્ષે પક્ષીઓને રેસ્ક્યૂ કરવામાં આવે છે. આ વર્ષે સારવાર અને રેસ્ક્યૂ તેમજ લોકજાગૃતિના પ્રયત્નથી ઓછાં પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય અને જીવ જાય તેવો પ્રયત્ન કરાશે. 3 દવાખાનાઓ સંપૂર્ણ રીતે સજ્જ કરાયાં છે. - કરણસિંહ રાજપૂત, આરએફઓ, વડોદરા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.