કફોડી હાલત:વડોદરાની MS યુનિવર્સિટીમાં કોમર્સના 500 વિદ્યાર્થીએ મોડી ફી ભરતાં SYમાં પ્રવેશ અટવાયો, 25મીથી પરીક્ષા આપી નહીં શકે

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફેકલ્ટી અને પરીક્ષા વિભાગના સંકલનના અભાવે સર્જાયેલી સમસ્યા

એમ.એસ.યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના બીજા સેમેસ્ટરના 500 વિદ્યાર્થીઓ લેટ ફી ભરતાં એસવાયમાં પ્રવેશ મેળવી શકયા નથી. 25 મી તારીખથી શરૂ થતી પરીક્ષા વિદ્યાર્થીઓ આપી નહિ શકે. ફેકલ્ટી અને પરીક્ષા વિભાગના સંકલનના અભાવે વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ગત વર્ષે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ પૈકી 500 જેટલા વિદ્યાર્થીઓ બીજા સેમેસ્ટરની ફી ભરવા માટેનો સમયસર મેસેજ ના મળતાં વિદ્યાર્થીઓએ લેટ ફી ભરી હતી. જેના કારણે વિદ્યાર્થીઓના એસવાય બીકોમના બીજા સેમેસ્ટરના પરિણામો અટકી ગયા હતા.

હવે એસવાય બીકોમની શરૂઆત થઇ ગઇ છે અને તેની મીડ સેમેસ્ટરની પરીક્ષા 25મી નવેમ્બરથી શરૂ થવાની છે. ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી નહિ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પરીક્ષા નહિ આપી શકનાર વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. તેમનું હજુ પ્રથમ વર્ષના બીજા સેમેસ્ટરનું પરિણામ જ જાહેર કરાયું નથી જેના કારણે એસવાય બીકોમમાં તેઓ પ્રવેશ મેળવી શકયા નથી અને પરીક્ષા પણ આપી ના શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો અને પરીક્ષા વિભાગના સંકલનના અભાવે આ સ્થિતીનું નિમાર્ણ થયું છે. અગામી સમયમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે સત્તાધીશો દ્વારા કોઇ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી. જેના પગલે વિદ્યાર્થી મૂંઝવણમાં મૂકાઇ ગયા છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સત્ર મોડું થયું છે ત્યારે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય સહિત પરીક્ષાઓમાં પણ મોડું થયું છે.

દિવાળી વેકેશન પછી પરીક્ષા શરૂ થવાની છે ત્યારે સત્રમાં મોડું થશે. ગત વર્ષે કોરોનાના પગલે સત્ર પૂરું થવામાં મોડું થયું હતું. ચાલુ વર્ષે કોમર્સ ફેકલ્ટીમાં અણઘડ વહીવટના પગલે સત્રમાં વિલંબ થઇ રહ્યો છે. તો બીજી તરફ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના બીજા સેમેસ્ટરની ફી વિલંબના પગલે તેમને એસવાય બીકોમમાં પ્રવેશ મળી શકયો નથી. પરીક્ષા પણ નહીં આપી શકે.

અમને ફીનો મેસેજ જ મળ્યો ન હતો
એસવાયના બીજા સેમેસ્ટરની ફી ભરવા માટે અમને કોઇ મેસેજ મળ્યો ના હતો બાદમાં જયારે ખબર પડી ત્યારે ફી ભરી હતી. જોકે મોડી ફી ભરવાના કારણે પરિણામ જાહેર ના કરાતાં હવે એસવાયની પરીક્ષા આપી નહિ શકીએ.- જૂહી પટેલ, વિદ્યાર્થીની

ફેકલ્ટી અને પરીક્ષા વિભાગની ભૂલ છે
અમને ફી ભરવાનાે સમયસર મેસેજ ના મળતાં મોડી ફી ભરી તો પરિણામ ના આપ્યું. હવે 25 નવેમ્બરથી એસવાય બીકોમની પરીક્ષા શરૂ થવાની છે જે પરીક્ષા નહિ આપી શકીએ તો અમારા ભવિષ્યનું શું થશે. - પંકજ શાહ, વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...