ધો.10ના પરિણામ જાહેર થયા બાદ હવે ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટેની કાર્યવાહી સ્કૂલો કરી રહી છે. બીજી તરફ શહેરની ગ્રાન્ટેડ શાળાઓમાં સરકારે નવો નિયમ લાવીને 50 ટકાથી વધુ બેઠકો પોતે ભરવાનું નક્કી કર્યું છે. જોકે 2019ના પરિપત્રનો અમલ આ વર્ષે પહેલીવાર કરવાનો નિર્ણય લેવાયો છે.
પ્રવેશના મુદ્દે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અને વાલીઓ અટવાયા
આ નિર્ણયનો અમલ કરતાં શહેરની આ સ્કૂલોમાં અનામત વિદ્યાર્થીઓની 1250 બેઠકોમાંથી માત્ર 50 જ ભરાતાં ધોરણ 11 સાયન્સના પ્રવેશના મુદ્દે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અને વાલીઓ અટવાયા છે અને સ્કૂલોના સંચાલકોમાં પણ નારાજગી ફેલાઇ છે. ડીઇઓ કચેરી દ્વારા અનામત વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે મેરિટ યાદી બહાર પાડવામાં આવશે.
1250 પૈકીની 250થી વધુ બેઠકો ભરાય તેમ નથી
ધો.11 સાયન્સમાં પણ સ્કૂલે પોતાના ક્લાસમાં કેટલી બેઠકો અનામત વર્ગના વિદ્યાર્થીઓને આપવી તેના માટે 2019માં પરિપત્ર કર્યો હતો. જે મુજબ એસસી, એસટી, ઓબીસી અને ઇડબ્લ્યુએસ સહિતના વર્ગોના વિદ્યાર્થીઓ માટે કેટલીક બેઠકો અનામત રાખવી, જેને ડીઇઓ કચેરીના સરકારી આદેશ મુજબ ભરવાની રહે છે. શિક્ષણ વિભાગ કે ડીઇઓ કચેરી ભરચક પ્રયાસો કરે તો પણ 1250 પૈકીની 250થી વધુ બેઠકો ભરાય તેમ નથી.આ સ્થિતિમાં સરકારે અન્ય વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઇને પણ ઝડપી નિર્ણય કરવો જોઇએ. સૂત્રો મુજબ કુલ બેઠકોના માત્ર 4 ટકા બેઠકો જ અનામત વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા ભરાઇ છે. આ એક પ્રોસેસ છે, જેથી જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ અને વાલીઓને બિનજરૂરી તાણમાં આવવાની જરૂર નથી.
અભ્યાસ બગડી રહ્યો છે
ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ધર્મેન્દ્ર જોશીએ જણાવ્યું કે, આ વિલંબને લીધે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બેસી શકતા નથી અને તેમનો અભ્યાસ માત્ર આ વિલંબને લીધે બગડી રહ્યો છે. આ પ્રક્રિયા અઠવાડિયામાં જ પૂરી થઇ જવાની હોવાથી વાલીઓએ ધીરજ રાખવાની જરૂર છે.
ડિપ્લોમાના મેરિટ બાદ ખાલી બેઠકો વધશે
શાળાઓના મતે હજી ડિપ્લોમાનાં મેરિટ જાહેર થયાં નથી. અનામત વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દીધો છે, પણ ડિપ્લોમાના મેરિટ જાહેર થયા બાદ હજી બેઠકો ખાલી થાય તેવી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.