પાણીનો પ્રશ્ર્ન:સિંધરોટ પાણી પ્રોજેક્ટનો 50 MLDનો ટ્રાયલ રન, દક્ષિણ ઝોનના પાણી મુદ્દે પૂર્વ મંત્રીનો લડાયક મૂડ

વડોદરા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સિંધરોટ પ્રોજેક્ટનું તમામ પાણી દક્ષિણ ઝોનને જ અપાશે : મેયર
 • માંજલપુરમાં પાણી કાપ મુકાશે તો વિરોધ કરીશું : યોગેશ પટેલ
 • શહેરમાં માંજલપુરમાં પાણીની સૌથી વધુ પરેશાની: ધારાસભ્ય

વર્ષ 2016માં રાજ્ય સરકારે મંજુર કરેલા અને 6 વર્ષ બાદ તૈયાર થયેલા સિંધરોટ પાણી પ્રોજેક્ટમાં 50 એમ.એલ.ડી પાણી મેળવવાનો ટ્રાયલ રન યોજાયો હતો. સ્થળ મુલાકાત લેવા ગયેલા પૂર્વ મંત્રી યોગેશ પટેલે 50 એમએલડી પાણી માત્ર દક્ષિણ ઝોનને જ મળવું જોઈએ નહીતો વિરોધ કરીશું તેવી સાફ વાત કરી હતી.મેયરે તમામ પાણી દક્ષિણ ઝોનને જ અપાશે તેમ કહ્યું હતુ઼.

વર્ષ 2016માં સિંધરોટ પ્રોજેક્ટ માટેની મંજૂરી મેળવનાર પૂર્વ મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે શહેરને 550 એમએલડી પાણી મળે છે. જેમાંથી માજલપુર સહિતના વિસ્તારોને માત્ર 68 એમએલડી પાણી અપાય છે. વર્ષ 18-19 માં આ પ્રોજેકટ પૂર્ણ કરવાનો હતો. પરંતુ હાલમાં પ્રોજેક્ટ તૈયાર થયો છે. શહેરમાં પાણીની સૌથી વધુ પરેશાની માંજલપુર સહિતના વિસ્તારોને છે.

આ વિસ્તારના લોકો પાલિકામાં માટલા ફોડવા કે વિરોધ પ્રદર્શન કરવા આવતા નથી કારણકે અમે તેઓને સમજાવી રાખ્યા છે. ત્યારે હવે આ પ્રોજેકટમાંથી મળનારું 50 એમએલડી પાણી માત્ર અને માત્ર દક્ષિણ વિસ્તારને જ મળવું જોઈએ. આ બાબતે મેયર કેયુર રોકડિયાએ ખાતરી પણ આપી છે. પરંતુ જો પાણીના જથ્થામાં કોઈ કાપા કુપી કરાશે તો અમે તેનો સખત વિરોધ કરીશું. આજવા સરોવરમાંથી દક્ષિણ વિસ્તારને મળતું 7-8 એમએલડી પાણી પૂર્વ વિસ્તારમાં જ આપશે તેનાથી અમને કોઈ વાંધો નથી.

હાલ ઝોન દીઠ અપાતું પાણી

 • પૂર્વ ઝોન - 156 MLD
 • પશ્ચિમ ઝોન - 165 MLD
 • ઉત્તર ઝોન - 158 MLD
 • દક્ષિણ ઝોન - 65 MLD

કયા વિસ્તારને લાભ મળશે?

 • માંજલપુર
 • મકરપુરા
 • માણેજા
 • જાંબુઆ

દક્ષિણની સમસ્યાનો અંત, પૂર્વને પણ પાણી મળશે
મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે 50 એમએલડીનો ટ્રાયલ રન લેવાયો છે. 18મી તારીખે પ્રધાનમંત્રીના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ થયા બાદ દક્ષિણ ઝોનને શુદ્ધ અને પુરતા પ્રમાણમાં પાણી મળશે. તદુપરાંત પૂર્વ ઝોનમાંથી દક્ષિણ ઝોનને અપાતું 5થી 10 એમએલડી પાણી પૂર્વ ઝોનને મળતા તેની પણ સમસ્યા હલ થશે.

ટ્રાયલ રન એટલે શું? કેટલા દિવસ ચાલશે?

 • પંપોનું ચેકીંગ કરવામાં આવે છે
 • લાઈનમાં લીકેજ અને વીજ વોલ્ટેજ બરાબર મળી રહ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવે છે
 • લાઈન ફલસ કરવા, ફિલ્ટર બેડ વોશ સહિતની કામગીરી કરાય છે.

આગામી 15મી તારીખ સુધી આ પ્રક્રિયા ચાલશે. ત્યારબાદ પાણીના નમુનાનું ટેસ્ટિંગ કરવામાં આવશે. જેમાં તેની ટરબીડીટી માપવામાં આવશે. 50 એમએલડી બાદ જરૂરિયાત મુજબ 100 એમએલડી સુધી પાણી મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...