ઉત્તરાયણના તહેવારને હવે એક દિવસ બાકી છે ત્યારે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં પતંગ બજારમાં ચહલપહલ વધી છે. ચાલુ વર્ષે મજુરી અને કાગળના ભાવમાં વધારો હોવાથી પતંગોમાં 25 ટકા ભાવ ઝીંકાયો છે. વડોદરામાં માંડવી થી ગેંડીગેટ વચ્ચે 200 સહિત આખા શહેરમાં 1 હજાર જેટલી દુકાનો અને પથારામાં પતંગો વેચાય છે. ઉત્તરાયણના તહેવારોમાં વડોદરાનો પતંગ-દોરા બજારનો વેપાર રૂા.50 કરોડને આંબી જાય છે.ત્યારે શહેરીજનોને ચાલુ વર્ષે પતંગોના ભાવમાં 25 ટકા વધુ ચુકવવા પડશે.
પતંગબજારના પ્રમુખ ઈકબાલભાઈ સૈયદે જણાવ્યું હતું કે, માંડવી થી ગેંડીગેટ રોડ પર ઉત્તરાયણના તહેવાર દરમિયાન 200 જેટલી દુકાનો અને પથારાવાળા પતંગો વેચે છે. જ્યારે શહેરમાં 10 થી 15 કરોડનો પતંગોનો ધંધો થાય છે. ઈકબાલભાઈ સૈયદે વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે પતંગોમાં 25 ટકાનો ભાવ વધ્યો છે.
ગત વર્ષે 1 હજાર પતંગો બનાવવા માટે મજુરીના રૂા.800નો ભાવ ચાલતો હતો.જે ચાલુ વર્ષે મજુરીનો ભાવ રૂા.1200 પહોચી ગયો છે. આ ઉપરાંત ગત વર્ષે કાગળનો રીમનો ભાવ રૂા.800નો હતો.જે ચાલુ વર્ષે રૂા.1 હજાર થઈ ગયો છે. આમ ગત વર્ષ કરતા ચાલુ વર્ષે મજુરી અને કાગળમાં 25 ટકાનો ભાવ વધારો થયો છે.
ગેંડીગેટ રોડ પર જાહેર હરાજી પર પ્રતિબંધ મૂકાશે
13 જાન્યુઆરીની મોડી રાતે માંડવી-ગેંડીગેટ રોડ પર આવેલા પતંગ બજારમાં પતંગોની હરાજી કરવામાં આવે છે. આ હરાજીમાં મોટી સંખ્યામાં લોકો પતંગો ખરીદે છે.ગત વર્ષે કોરોના મહામારીના કારણે પતંગોની હરાજી બંધ રાખવામાં આવી હતી.ત્યારે ચાલુ વર્ષે પણ કોરોનાનું સંક્રમણ વધતા પોલીસ જાહેર હરાજી પર પ્રતિબંધ મુકશે.
વડોદરામાં 700 પરિવાર આખુ વર્ષ પતંગો બનાવે છે
યાકુતપુરા, બાવામાનપુરા, બકરાવાડી અને ચુનારાવાસના 700 પરીવારો આખુ વર્ષ પતંગો બનાવે છે. શહેર મુસ્લિમ,ચુનારા અને માળી સમાજ પતંગો બનાવે છે. આ પરીવારો રહે છે. જ્યારે શહેરમાં અમદાવાદ અને ખંભાતમાંથી પણ પતંગો આવે છે.
ચાઈનીઝ ગુબ્બારા અને દોરી પર પ્રતિબંધ યથાવત્
શહેરમાં ચાલુ વર્ષે પણ ચાઈનીઝ ગુબ્બારા અને દોરી પર પ્રતિબંધ મુકાયો છે. તેમ છતાં જો કોઈ વેપારી ચાઈનીસ દોરી કે ગુબ્બારાનું વેચાણ કે સંગ્રહ કરતા ઝડપાશે તો પોલીસ જાહેરનામા ભંગ સહિતના ગુના હેઠળ જે તે વેપારી પર કાયદેસરની કાર્યવાહી કરશે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગના ભાવ
ચક્કી પતંગ : આ વર્ષે રૂા.120નો ભાવ,ગત વર્ષે રૂા.80 થી રૂા.100 હતો
અડધીયા : આ વર્ષે રૂા. 200 નો ભાવ, ગત વર્ષે રૂા.130 થી રૂા.140 હતો
આંખેદાર : આ વર્ષે રૂા. 120નો ભાવ,ગત વર્ષે રૂા. 80 થી રૂા.100 હતો.
પત્તેદાર પોણીયા : આ વર્ષે રૂા. 300નો ભાવ હતો.ગત વર્ષે રૂા.220 થી રૂા.240 હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.