વડોદરા નજીક જરોદમાં રાષ્ટ્રીય આપદા રાહત દળની બટાલિયન-6 સ્થિત છે. રાજ્ય સરકારના આપદા પ્રબંધન વિભાગ સાથેના સંકલનમાં એન.ડી.આર.એફ.દ્વારા ચોમાસાની શરૂઆત પહેલાં જ ,માંગણી થાય અને ટીમ પહોંચે એ વચ્ચેનો સમય શક્ય તેટલો ઘટાડવા,આફતની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં બચાવ અને રાહતના જરૂરી સાધન, સામાન અને ઉપકરણો થી સુસજ્જ ટીમો વિવિધ જિલ્લાઓમાં વહીવટી તંત્ર દ્વારા ફાળવવામાં આવેલી જગ્યાઓએ તૈનાત કરવામાં આવે છે.
આણંદમાં પણ ટીમ તૈનાત
જેથી પગલે બચાવ કાર્ય ઝડપી બને છે અને સમયસર રાહત પહોંચાડી શકાય છે.આ વર્ષે પણ ચોમાસું આફતો સામેની પૂર્વ તૈયારી અને સુસજ્જતા ના ભાગરૂપે આ કવાયત કરવામાં આવી છે અને આણંદ જિલ્લા સહિત વિવિધ સ્થળોએ આ અગમચેતી રાહત આપનારી બની છે. બટાલિયન 6 ના પ્રવક્તાએ જણાવ્યું કે રાજ્યના રાહત કમિશનર સાથેના પરામર્શ હેઠળ આજે જરોદ મથકે થી વધુ ૫ ટીમો ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે મોકલવામાં આવી છે.આ ટીમો બચાવ અને રાહતના જરૂરી આધુનિક અને પરંપરાગત સાધનો,સામગ્રી અને ઉપકરણો થી સજ્જ છે.
આજે 5 ટીમ રવાના
આજે પ્રિ મોન્સૂન ડિપ્લોયમેન્ટના ભાગરૂપે રાજકોટ માટે 3 તથા સુરત અને બનાસકાંઠા માટે એક-એક મળીને કુલ 5 ટીમો રવાના થઈ છે જે ચોમાસાં દરમિયાન આ જિલ્લાઓમાં રહીને સ્થાનિક વહીવટી તંત્રના સંકલનમાં બચાવ અને રાહતની કામગીરી કરશે.આ વ્યવસ્થાથી તાકીદની જરૂર ના પ્રસંગે રિસ્પોન્સ ટાઇમ ખૂબ ઘટી જાય છે.
ગીરથી લઇ રાજસ્થાનમાં ટીમો તૈનાત
આ પ્રક્રિયા ચોમાસાના એંધાણ વર્તાવાની સાથે જ રાજ્ય સરકારના તંત્ર સાથે પરામર્શમાં શરૂ કરી દેવામાં આવી હતી.જેના ભાગરૂપે અગાઉ ૫ ટુકડીઓ રાજ્યના ત્રણ જિલ્લાઓમાં અને રાજસ્થાનના ૨ જિલ્લાઓમાં મૂકી દેવામાં આવી હતી.આ ટુકડીઓ રાજ્યના ગીર સોમનાથ,નવસારી અને આણંદ તથા રાજસ્થાનના કોટા અને ઉદયપુર જિલ્લાઓમાં હાલમાં ઉપસ્થિત છે.
10 ટીમો તૈનાત
આમ,બટાલિયન 6 ની કુલ 10 ટુકડીઓ હાલમાં ગુજરાત અને રાજસ્થાનમાં ચોમાસું આફતોનો પૂર્વ ઇતિહાસ ધરાવતા જિલ્લાઓમાં હાજર છે. તાજેતરમાં આણંદ જિલ્લામાં પૂરની જે પરિસ્થિતિ સર્જાય તેમાં રાહત પહોંચાડવામાં આ પૂર્વ ઉપસ્થિત ટીમની મદદ મળી છે.
ફ્લડ વોટર રેસક્યુ અને સંદેશા વ્યવહારના અદ્યતન ઉપકરણોથા સજ્જ
એન.ડી.આર.એફ.ની પ્રત્યેક બચાવ અને રાહત ટુકડી એક દળની ગરજ સારે છે કારણ કે પ્રત્યેક ટીમમાં 25 થી 30 આધુનિક તાલીમ પામેલા જવાનો અને તેમની સાથે પ્રાથમિક તબીબી સારવારના,તૂટી પડેલા માળખાને હટાવવા અને ફસાયેલાઓ ને બહાર કાઢવાના ઉપકરણો, ધસી પડેલી ઈમારતમાં દબાયેલાઓ ને શોધવાના અને ત્વરિત સંદેશા વ્યવહારના ઉપકરણો હોય છે.
પ્રાથમિક તબીબી સારવાર
દુર્ઘટનાના સ્થળે પહેલું કામ ઈજાગ્રસ્તોને ઉચિત પ્રાથમિક તબીબી સારવાર આપીને,વધુ સારવાર માટે ખસેડવાનું હોય છે.તેના માટે આ ટીમો વિવિધ પ્રકારના બેંડેજ ( પાટાપિંડીની સામગ્રી), સ્પલીન્ટ,ઑક્સિજન સિલિન્ડર, સ્ટ્રેચર જેવા સાધનો થી સજ્જ હોય છે અને તેમને આ કામગીરીની તાલીમ પણ આપવામાં આવે છે. ભારે વરસાદ કે વાવાઝોડા કે અન્ય આપદાઓ થી માળખાઓ પડી જાય છે અને લોકો તેમાં ફસાઈ જાય છે.આવા બનાવોમાં ઉપયોગમાં લેવા માટે ટીમ પાસે કોલાપ્સ સ્ટ્રકચર સર્ચ એન્ડ રેસક્યુ - સી.એસ.એસ.આર.ના અદ્યતન ઉપકરણો હોય છે જેમાં હાઇડ્રોલીક જેક્સ,ચેન શો,વિવિધ પ્રકારના કટર્સ, હેમર ડ્રીલ સહિતના સાધનોનો સમાવેશ થાય છે.જ્યારે જમીનદોસ્ત થઈ ગયેલી ઇમારત તળે દબાયેલા લોકોને શોધવા માટે વિકટીમ લોકેટિંગ કેમેરા હોય છે.
ફ્લડ વોટર રેસક્યૂના સાધનો
પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોના બચાવ અને આ જગ્યાઓ સુધી સરળતાથી પહોંચવા માટે પ્રત્યેક ટીમ પાસે ફ્લડ વોટર રેસક્યૂના વિવિધ સાધનો હોય છે જેમાં ઈનફલેટેબલ રબર બોટ્સ ( આઇ.આર.બી.),તેના પર બેસાડીને ચલાવવા માટે ઓ.બી.એમ.મોટર, લાઇફ જેકેટ,લાઇફ ગાર્ડ અને મજબૂત દોરડાનો સમાવેશ થાય છે.
કમ્યુનિકેશનના અદ્યતન ઉપકરણો
ખાસ કરીને ચોમાસાંમાં હવામાનની વિષમતા ને લીધે સંદેશાવ્યવહારની સ્થાપિત વ્યવસ્થાઓ ખોરવાઈ જાય છે.એટલે આવી ટીમોને પોતાના વૈકલ્પિક કમ્યુનિકેશન ઉપકરણો આપવામાં આવે છે જેમાં વાયરલેસ સેટ,ગુડ ડિપ્લોયમેન્ટ એન્ટેના,સેટેલાઇટ ફોન ઇત્યાદિનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.