ભર ઉનાળે આફત:નર્મદાની મુખ્ય કેનાલમાં સમારકામને કારણે વડોદરામાં 5 લાખ લોકોને આવતીકાલથી એક અઠવાડિયા સુધી ઓછું પાણી મળશે

વડોદરાએક મહિનો પહેલા
ફાઇલ તસવીર
  • વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને જરૂરી પાણી સંગ્રહ કરવા અપીલ કરી

વડોદરા શહેરમાં ભર ઉનાળે ઓછું પાણી મળતું હોવાથી ફરિયાદો વચ્ચે હવે નર્મદાની મુખ્ય કેનાલમાં આગામી સાત દિવસ સુધી સમારકામની કામગીરી થવાની હોવાને પગલે વડોદરાના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં પાંચ લાખ લોકોને ઓછા પ્રેશરથી અને ઓછો સમય પાણી મળશે. જેથી નાગરિકાની હાલાકીમાં વધારો થશે.

15થી 21 એપ્રિલ 2022 સુધી સમારકામ ચાલશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદા મુખ્ય કેનાલનું સમારકામ તા. 15 એપ્રિલથી 21 એપ્રિલ 2022 સુધી કરવામાં આવશે. જેથી આ કેનાલને સંલગ્ન વડોદરા બ્રાન્ચ કેનાલમાં પાણીની અછત ઉભી થશે. જેથી શેરખી ઇન્ટેક વેલ ખાતેથી ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પહોંચતા પાણીના જથ્થામાં ઘટાડો થવાના કારે 15થી 21 એપ્રિલ સુધી ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણી મેળવતી વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારની ગાયત્રી નગર ટાંકી, હરિનગર ટાંકી, વાસણા ટાંકી, તાંદલજા ટાંકી અને દક્ષિણ વિસ્તારની GIDC ટાંકી, માંજલપુર ટાંકીઓના કમાન્ડ વિસ્તારમાં પાણીની ઉપલબ્ધતા મુજબ હળવા દબાણે, ઓછા સમય માટે અને વિલંબથી પાણી વિતરણ કરવામાં આવશે. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારના લોકોને પાણીનો સંગ્રહ કરીને કરકસરયુક્ત ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.

વડોદરામાં છાશવારે જનતા પાણી કાપની સમસ્યાથી પરેશાન
વડોદરા શહેરમાં 3 વર્ષ પહેલા દૂષિત પાણીની સમસ્યા ઉભી થઇ હતી. જેને લઇને વારંવાર પાણી કાપ મૂકવામાં આવતો હતો. આ ઉપરાંત મેઇન્ટનન્સ અને ભંગાણને કારણે પણ અનેક વખત પાણી કાપ જાહેર કરવામાં આવે છે અને લોકો એકથી લઇને 4 દિવસ સુધી પાણીની સમસ્યાને લઇને મુશ્કેલીમાં મૂકાઇ જાય છે.

વારંવાર પાણી કાપની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત
વડોદરા શહેરમાં મેઇન્ટનન્સ અને લીકેજ સહિતની કામગીરીને લઇને વારંવાર પાણી કાપ જાહેર કરવામાં આવે છે, જેને પગલે વડોદરાની પ્રજા ત્રસ્ત થઈ ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...