ધરપકડ:આજવા ચોકડી ખાતે ચાકુ બતાવી લૂંટ કરનાર સગીર સહિત 5 ઝબ્બે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દોઢ માસ પૂર્વે આરોપીઓએ રૂા.200, મોપેડની લૂંટ આચરી હતી
  • આરોપી સંજય ખૂનની કોશિશ, દુષ્કર્મ સહિતના ગુનામાં પકડાયો હતો

આજવા ચોકડી ખાતે દોઢ મહિના પહેલાં રાતે 2 વાગે બાઈક અને એક્ટિવા પર આવેલા ચાર લુંટારૂઓએ ચાલુ બાઈકે એક્ટિવા પર સવાર બે ભાઈઓને રોકીને તેમના પેટે ચપ્પુ અડાવીને રૂા.200 અને તેમનું એક્ટિવા લુંટી ફરાર થઈ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચે આ ઘટનામાં સંડોવાયેલા સગીર સહિત 5 જણાને ઝડપી લીધા હતા. પાંચ પૈકી 4 યુવકો ગુનાઇત ભૂતકાળ ધરાવે છે.

હાલોલ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતો બ્રિજેશ પરમાર (ઉ.વ 21) ગત 9 ડિસેમ્બરના રોજ તેના કાકાના દિકરા રાજ મકવાણા સાથે સાવલી નજીક આવેલા પ્રાર્થના ફાર્મ હાઉસ ખાતે ઈવેન્ટમાં ગયો હતો. ગુરૂવારે ઈવેન્ટ પુરી કરીને બંને ભાઈઓ પોતાના એક્ટિવા પર સવાર થઈને રાતે બે વાગે આજવા ચોકડી પાસે આવેલા વિશ્રામગૃહ પાસેથી પસાર થઈ રહ્યાં હતા,તે સમયે બાઈક અને એક્ટિવા પર આવેલા ચાર વ્યક્તિઓએ ચાલુ બાઈકે રાજ મકવાણાનો હાથ પકડી લેતાં બ્રિજેશે એક્ટિવા ઉભી રાખી હતી.

બાઈક પર બેઠેલા યુવકે રાજના પેટ પર ચપ્પુ અડાવી દિધું હતું અને એક્ટિવા પર સવાર યુવાને પણ ચપ્પુ કાઢીને બ્રિજેશને બતાવી તેની એક્ટિવાની ચાવી લઈ લીધી હતીઅને રાજના ખિસ્સામાંથી રૂા.200 કાઢી લીધા બાદ એક્ટિવા લુંટીને વાઘોડિયા બ્રિજ તરફ ભાગી ગયા હતા.દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે વાઘોડીયા રોડ પરથી બાતમીના આધારે સગીર ઉપરાંત સંજય ઉર્ફે કાણી જશુ પરમાર, રોહિત ઇશ્વર વસાવા, રુત્વીક ચન્દ્રકાંત રાજપુત, હર્ષ દિલીપ મૌર્યને ઝડપી લીધા હતા પોલીસે તેમની પાસેથી 2 મોપેડ અને પાંચ મોબાઇલ તથા ગુપ્તી પણ કબજે કરી તપાસ કરતાં તેઓએ બંને યુવક નવા મોપેડ સાથે પસાર થતા જોઇ જતાં મોપેડ પડાવાના ઇરાદે લૂંટ કરી હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે સંજય પરમાર અગાઉ ખુનની કોશિશ, સગીરાનું અપહરણ અને દુષ્કર્મ, વાહન ચોરી તથા પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં પકડાયેલો હતો જયારે રુત્વીક ,રોહિત અને હર્ષ અગાઉ દારુ અને મારામારીના ગુનામાં પકડાયેલા છે. આરોપીઓ સામે વિવિધ પ્રકારના ગુના નોંધાયેલા હોવાથી પોલીસે તમામ મુદે ગહન તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...