જાહેરાત:5 તળાવમાં દશામાની મૂર્તિ વિસર્જિત કરી શકાશે, તરાપા સાથે ટીમ તહેનાત કરાશે

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરસિયા, હરણી, ગોરવા, અટલાદરા, કપુરાઈ તળાવમાં વિસર્જનની મેયરની જાહેરાત
  • સરસિયા અને હરણી તળાવની આગળના ભાગમાં જ મૂર્તિ વિસર્જિત કરી શકાશે

દશામાના દસ દિવસના પર્વ બાદ મૂર્તિનું વિસર્જન કરવા ભક્તોને ભારે પરેશાની ભોગવી પડતી હતી. પરંતુ આ વર્ષે પાલિકા દ્વારા મૂર્તિના વિસર્જન માટે 5 તળાવમાં વ્યવસ્થા કરાઈ છે. 10 દિવસ આગતાસ્વાગતા બાદ ભક્તો શહેરના સરસિયા તળાવ, હરણી તળાવ, ગોરવા દશામાં તળાવ, અટલાદરા તળાવ અને કપુરાઈ તળાવમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરી શકશે.

શહેરમાં દર વર્ષે શહેરીજનો દશામાની મૂર્તિનું સ્થાપન કરી 10 દિવસ સુધી માતાજીની આરાધના કરે છે, ત્યારબાદ મૂર્તિનું વિસર્જન નદી કે તળાવમાં કરે છે. ગત વર્ષે પાલિકા દ્વારા દશામાની મૂર્તિના વિસર્જનની પરવાનગી ન અપાતાં ભારે વિવાદ હતો. જેના પગલે સામાજિક કાર્યકરોએ મૂર્તિને મહીસાગર નદી અને કેટલીક મૂર્તિઓને સોમનાથના દરિયામાં વિસર્જિત કરી હતી.

ત્યારે આ વર્ષે મહાનગરપાલિકાએ 5 તળાવોમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરી શકાશે તેવી જાહેરાત કરી છે. 2 ઓગસ્ટના રોજ મેયર અને મ્યુનિસિપલ કમિશનરની મળેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે દશામાની મૂર્તિનું પૂર્વ ઝોનમાં સરસિયા તળાવ અને હરણી તળાવ, પશ્ચિમ ઝોનમાં ગોરવા દશામાં તળાવ અને અટલાદરા તળાવ અને દક્ષિણ ઝોનમાં કપૂરાઈ તળાવમાં ભક્તો મૂર્તિનું વિસર્જન કરી શકશે.

સરસીયા અને હરણી તળાવની આગળના ભાગમાં જ મૂર્તિ વિસર્જિત કરી શકાશે. મેયર કેયુર રોકડિયા જણાવ્યું હતું કે તમામ તળાવ ઉપર ફાયરબ્રિગેડની ટુકડીઓ અને તરવૈયાઓની ટીમ તરાપા પાસે હાજર રહેશે. તેમજ એક બચાવ ટુકડી સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. પૂજા, સામગ્રી, ફૂલ વગેરે માટે કચરાપેટી મૂકાશે. તેમજ રોડ પર પડેલા ખાડાઓનું પુરાણ તેમજ સમારકામ પણ કરવામાં આવશે.

ગણેશ પ્રતિમાના વિસર્જન માટે પણ ચાર કૃત્રિમ તળાવો તૈયાર કરાશે
ગણેશોત્સવની પણ તૈયારી શરૂ કરાઈ છે. ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે શહેરમાં 4 અલગ અલગ સ્થળોએ કૃત્રિમ તળાવ ઉભા કરવામાં આવશે. જેમાં પશ્ચિમ ઝોનમાં ગોરવા દશામાં તળાવ નજીક, ઉત્તર ઝોનમાં નવલખી તળાવ, સમા હરણી રીંગ રોડ પર આવેલા તળાવની બાજુમાં અને દક્ષિણ વિસ્તારમાં વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર કૃત્રિમ તળાવ ઊભું કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...