ભાસ્કર Analysis:હાઇવે પર ભરૂચ સુધીના 75 કિમીમાં 5 જોખમી બોટલ નેક

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયરસ મિસ્ત્રી જેવો જીવલેણ અકસ્માત કોઇ પણ સાથે થઇ શકે છે
  • 3 લેનનો રસ્તો ટૂંકા અંતરમાં દ્વિમાર્ગીય થતાં ચાલક થાપ ખાય છે

વડોદરાથી મુંબઈ તરફ જતા નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ સુધીના 75 કિમી વિસ્તારમાં જ 5 જેટલા બોટલ નેક સ્પોટ છે. જ્યાં જીવલેણ અકસ્માતોની પુરેપુરી સંભાવનાઓ છે. નેશનલ હાઇવેના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સ્થળો ઉપર પુલ પહોળા કરવાની કે બાજુમા નવો પુલ બનાવવાની જરૂર હોવાની અનેક વાર રજૂઆત થઈ ચૂકી છે, પરંતુ એ માંગ હજી સુધી સ્વીકારાઈ નથી. પરિણામે આ રોડ પરથી પસાર થતા હજારો વાહન ચાલકો પૈકી કોઈની પણ સાથે સાયરસ મિસ્ત્રી જેવી ઘટના બની શકે એવા સંજોગો ઉભા થયા છે.

સિકયુરિટીને લગતા દરેક પ્રકારના ફીચર ધરાવતી મર્સીડીસ કારમાં સવાર ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું અમદાવાદ-મુંબઈ હાઈવે ઉપર પાલઘર નજીક સૂર્યા નદીના પુલ ઉપર 3 દિવસ અગાઉ થયેલા અકસ્માતમાં મોત નીપજ્યું હતું. તપાસમાં બહાર આવ્યું હતું કે, હાઈવે ઉપર આવેલો આ પુલ ત્રણ માર્ગથી અચાનક બે માર્ગીય થઇ જાય છે. જેને ટેક્નિકલી ભાષામાં બોટલ નેક કહેવાય છે. એના કારણે આ કાર પુલની દીવાલ સાથે અથડાતા પાછળ બેઠેલા સાયરસ અને ડો.પંડોલેનું મોત નીપજ્યું હતું.

દિવ્ય ભાસ્કરે વડોદરાથી ભરૂચ વચ્ચેના 75 કિમિના અંતરમાં અચાનક સાંકડા થઇ જતા સ્થળો અંગે તપાસ કરતા પાંચ જેટલા સ્થળો ઉપર બોટલ નેક હોવાનું નેશનલ હાઈવે ઓથોરિટીના સૂત્રોએ જણાવી ઉમેર્યું હતું કે, આ પુલને પહોળા કરવા કે પછી સમાંતર પુલ બનાવવા માટે સરકાર સમક્ષ અનેકવાર રજુઆત કરવામાં આવી છે. પરંતુ વડોદરા-મુંબઈ વચ્ચે અન્ય એક્સપ્રેસ હાઈવે બનતો હોવાથી ટ્રાફિક ડાઇવર્ટ થઇ જશે એમ માની અમારી માંગ સંતોષાતી ન હતી. પરંતુ હવે સરકાર આ બાબતમાં ગંભીરપણે વિચારતી થઇ છે અને 5 પૈકીના એક સ્થળ ભરૂચ પાસેના ભૂખી ખાડી ઉપર અન્ય પુલ બનાવવાનું કાર્ય શરુ કર્યું છે.અકસ્માતો ઉપરાંત આ જગ્યા ઉપર રસ્તો ત્રણમાંથી બે માર્ગીય થઇ જતો હોવાથી ટ્રાફિક જામની પણ સમસ્યા અવારનવાર થતી હોય છે.

રોડ સેફ્ટી કાઉન્સિલના સભ્ય અને ટ્રાફિકના નિષ્ણાંત સત્યેન કુલાબકરે જણાવ્યું છે કે, કાર ડીલરો સેફ્ટીના બદલે ફીચરના આધારે કારનું વેચાણ કરે છે. અકસ્માતોના અભ્યાસમાં બહાર આવ્યું છે કે વોલ્વો કંપનીએ શોધેલા થ્રી પોઇન્ટ સીટ બેલ્ટથી ચાલાક અને પેસેંજરોની સુરક્ષા વધે છે. હાઈવેની સફર કરનારા વાહન ચાલકો અને પાછળ બેઠેલા પેસેન્જરોએ સીટ બેલ્ટ ફરજીયાત પહેરવો જોઈએ. જેનાથી અકસ્માત થવા છતાં જીવ બચાવી શકાય છે. હાઈવેના રસ્તાની ગુણવત્તા સુધરી હોવાથી ચાલકો બેફામ ઝડપે હંકારે છે.

હાઇવે પરના આ રહ્યાં 3 બ્લેક સ્પોટ
જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ ખરસાને જણાવ્યું હતું કે, શહેર નજીક આવેલા દુમાડ અને દેણા વચ્ચેના વિશ્વામિત્રી બ્રિજ અને જામ્બુઆ બ્રિજ આમ તો શહેર પોલીસની હદમાં છે. પરંતુ પોર અને બામણગામ પાસે આવેલા બે બોટલ નેક ઉપર વારંવાર અકસ્માતો થાય છે.

અકસ્માતોની સંભાવના વાળા બોટલ નેક સ્પોટ

  • ​​​દુમાડ અને દેણા વચ્ચેનો વિશ્વામિત્રી બ્રિજ
  • જામ્બુઆ બ્રિજ
  • પોર નજીક આવેલો પુલ
  • બામણગામ નજીકનો પુલ
  • ભરૂચ નજીક ભૂખી ખાડી પારનો પુલ
અન્ય સમાચારો પણ છે...